નવી દિલ્હી: કોરોના અને ઓમિક્રોનના વધતા કેસ જોતા દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) લાગૂ કરી દેવાયો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ હેઠળ શહેરમાં યલ્લો અલર્ટ લાગૂ કરવાની જાહેરાત કરી છે. જે હેઠળ રસ્તાઓ પર લોકોની  ભીડ ઓછી કરવા માટે અનેક પ્રકારના પ્રતિબંધો લાગૂ કરાયા છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં છેલ્લા બે દિવસથી કોરોનાનો સંક્રમણ દર 0.5% થી વધુ રહ્યો છે. શહેરમાં રવિવારે કોરોનાના કેસ 290 અને સોમવારે 331 નોંધાયા. આવામાં હાલાતને કંટ્રોલ કરવા માટે દિલ્હીમાં યલ્લો અલર્ટ લાગૂ કરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જવાબદાર બનવાનું છે, ડરવાનું નથી
તેમણે કહ્યું કે આપણે જવાબદાર બનવાનું છે, ડરવાનું નથી. વારંવાર લોકોને અપીલ કરાઈ રહી છે કે માસ્ક પહેરો અને બેદરકારી ન વર્તો. આમ છતા બજારોમાં ભીડ અને બેદરકારી જોવા મળી રહી છે. જેનાથી આ મહામારી ફરીથી વાપસી કરી શકે છે. આ પ્રતિબંધો તમારા સ્વાસ્થ્ય માટે લગાવવામાં આવી રહ્યા છે, કારણ કે અમને તમારી ચિંતા છે. 


યલો અલર્ટ હેઠળ આ પ્રતિબંધો લાગ્યા
- દિલ્હી સરકારની ઓફિસોમાં એ ગ્રેડ ઓફિસર્સના 100 ટકા સ્ટાફે આવવાનું રહેશે, અન્ય 50 ટકા સ્ટાફ બોલાવી શકશે. 
- પ્રાઈવેટ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ આવશે, દુકાનો ઓડ ઈવનના આધારે સવારે 10થી રાતે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. 
- ઓડ ઈવન બેસ પર મોલ સવારે 10થી રાતે આઠ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. 
- દરેક ઝોનમાં 50 ટકા વેન્ડર સાથે એક વીકલી માર્કેટ જ ચાલશે. રેસ્ટોરન્ટ અને બાર 50 ટકા ક્ષમતા સાથે ચાલશે. 
- પબ્લિક પાર્ક ખુલશે, હોટલ ખુલશે, સલૂન ખુલ્લા રહેશે. 
- સિનેમાઘરો, થિયેટર, બેન્ક્વેટ હોલ, જીમ, એન્ટરટેઈન્મેન્ટ પાર્ક બંધ રહેશે. 
- દિલ્હી મેટ્રો અને બસોમાં સિટિંગ ક્ષમતાના 50 ટકા લોકો સફર કરી શકશે. પરંતુ સ્ટેન્ડિંગની મંજૂરી નહીં રહે. 
- નાઈટ કરફ્યૂ રાતે દસથી સવારે 5 વાગ્યા સુધી રહેશે. 
- સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સ્વિમિંગ પૂલ બંધ રહેશે. 
- ઓટો, ઈ રિક્ષામાં બે સવારી, ટેક્સી કેબ, ગ્રામીણ સેવા, ફટાફટ સેવામાં  બે સવારી, મેક્સી કેબમાં 5 સવારી, આરટીવીમાં 11 લોકો બેસી સકશે. 
- કન્સ્ટ્રક્શન એક્ટિવિટિઝ ચાલુ રહેશે. 


જુલાઈમાં બનાવ્યો હતો GRAP
અત્રે જણાવવાનું કે દિલ્હી સરકારે દેશભરમાં કોરોનાની બીજી લહેર બાદ જુલાઈ 2021માં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) પાસ કર્યો હતો. જે હેઠળ જણાવ્યું છે કે દિલ્હીમાં ક્યારે લોકડાઉન લાગશે, ક્યારે બંધ રહેશે, ક્યારે ખુલશે. GRAP હેઠળ ચાર લેવલ પર અલર્ટ તૈયાર કરાઈ હતી. 


જે હેઠળ સંક્રમણ દર 1 ટકાથી વધુ થાય તો લેવલ-2 એટલે કે અંબર અલર્ટ, 2 ટકાથી વધુ થાય તો લેવલ 3 એટલે કે ઓરેન્જ અલર્ટ અને 5 ટકાથી વધુ થાય તો લેવલ ચાર એટલે કે રેડ અલર્ટ જાહેર કરાશે. લેવલ 1 યલો અલર્ટ ત્યારે લાગૂ કરાય છે જ્યારે સતત બે દિવસ સુધી પોઝિટિવિટી દર 0.5 ટકા પાર કરે. એક અઠવાડિયામાં 1500 નવા કેસ નોંધાય અને 500 દર્દીઓને ઓક્સિજન બેડની જરૂર પડે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube