30 માર્ચ બાદ દિલ્હીમાં આજે સૌથી ઓછા કેસ નોંધાયા, પોઝિટિવિટી રેટ ઘટીને 2.42% થયો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19ના 1649 નવા કેસ સામે આવ્યા છે, જે 30 માર્ચ બાદ એક દિવસમાં સંક્રમણના સૌથી ઓછા કેસ છે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19ના 1649 નવા કેસ સામે આવ્યા છે, જે 30 માર્ચ બાદ એક દિવસમાં સંક્રમણના સૌથી ઓછા કેસ છે. આ દરમિયાન 189 દર્દીઓના મૃત્યુ થયા છે. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગે રવિવારે એક બુલેટિન જારી કરી આ વાતની જાણકારી આપી છે.
રાજધાનીમાં કોરોના સંક્રમણ દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જે હવે ઘટીને 2.42 ટકા રહી ગયો છે. આ પહેલા દિલ્હીમાં શનિવારે કોરોનાના 2260 નવા કેસ સામે આવ્યા હતા અને 182 દર્દીઓના નિધન થયા હતા.
દિલ્હીમાં લૉકડાઉન લંબાવાયું
દેશની રાજધાનીમાં એક સપ્તાહ માટે લૉકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. તેની જાહેરાત ખુદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી છે. તેમણે કહ્યું કે, જો કેસ સતત ઘટતા રહેશે તો 31 તારીખથી ધીમે-ધીમે કેટલીક ગતિવિધિઓની સાથે દિલ્હીને અનલૉક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Cyclone Yaas: PM મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, 'યાસ' વાવાઝોડાની તૈયારીઓની સમીક્ષા કરી
તેમણે કહ્યું કે, યુદ્ધ હજુ બાકી છે અને હજારથી વધુ કેસ દરરોજ આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં મેં ઘણા લોકોને પૂછ્યુ કે શું કરવામાં આવે. એક સામાન્ય મત હતો કે એક સપ્તાહ માટે લૉકડાઉન વધારી દેવામાં આવે.
આ દરમિયાન તેમણે કહ્યું કે, એપ્રિલમાં જ્યારે બીજી લહેર દેશમાં આવી, તે સમયે દિલ્હી સૌથી પહેલું રાજ્ય હતું જેણે વિચાર્યું કે આ લહેર ખતરનાક છે અને સૌથી પહેલા લૉકડાઉન લગાવ્યું હતું.
હવે દિલ્હીમાં લૉકડાઉન વધુ એક સપ્તાહ એટલે કે 31 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં નવા કેસ સતત ઘટી રહ્યાં છે અને 31 મેથી દિલ્હીમાં તબક્કાવાર લૉકડાઉન ખોલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ દરમિયાન એક સમયે પોઝિટિવિટી રેટ 36 ટકા હતો પરંતુ હવે તે ઘટીને 2.42 ટકા થઈ ગયો છે, તેનો અર્થ છે કે કેસમાં ઘટાડો આવ્યો છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube