દેશમાં પરિવર્તનની આંધી, હવે અમારા ઉપર મોટી જવાબદારીઃ રાહુલ ગાંધી
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસના વિજય બાદ રાહુલ ગાંધીએ મોડી સાંજે પત્રકાર પરિષદ સંબોધી હતી
નવી દિલ્હીઃ ત્રણ રાજ્યમાં કોંગ્રેસની સફળતા પર બોલતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ વિજય કોંગ્રેસના કાર્યકર્તાઓનો વિજય છે. હવે કોંગ્રેસ ઉપર મોટી જવાબદારી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં અમે ભાજપને હરાવી છે. હવે આ રાજ્યોમાં અમારે જે વિઝન આપવાનું છે તે આપવું પડશે.
રાહુલે જણાવ્યું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓએ સખત મહેનત કરી છે, જેના કારણે અમને વિજય પ્રાપ્ત થયો છે. તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી જીતનારા પક્ષોને હું અભિનંદન પાઠવું છું. આ વિજય ખેડૂતો, વેપારીઓ અને પ્રજાનો છે.
રાહુલે જણાવ્યું કે, દેશમાં અત્યારે પરિવર્તનની આંધી ફૂંકાઈ છે. રાહુલે જણાવ્યું કે, EVMનો સવાલ માત્ર ભારતમાં જ ઉઠાવાય છે એવું નથી, સમગ્ર વિશ્વમાં તેની સામે પ્રશ્નાર્થ છે. તેના પર ધ્યાન આપવાની જરૂર છે.
Rajasthan election Result Live: રાજસ્થાન ચૂંટણી પરિણામ જુઓ લાઇવ
'2019માં ભાજપ માટે જીતવું મુશ્કેલ'
રાહુલ ગાંધીએ ફરી એક વખત વિરોધ પક્ષની એક્તાનો દાવો કર્યો અને જણાવ્યું કે, ભાજપને હરાવા માટે વિરોધ પક્ષોએ એક્ઠા થઈને લડવું પડશે. રાહુલે જણાવ્યું કે, 2019માં ભાજપ માટે જીતવું મુશ્કેલ હશે. રાહુલ ગાંધીએ આ પ્રસંગે પીએમ મોદી પર વચન ન પૂરા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, પીએમ મોદી યુવાનોને રોજગાર આપી શક્યા નથી.
Madhya Pradesh Election Result LIVE: મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ, જુઓ લાઈવ
ટ્રેન્ડમાં ત્રણેય રાજ્યમાં કોંગ્રેસ આગળ છે
ઉલ્લેખનીય છે કે, અત્યારે ચૂંટણી પરિણામનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેમાં ત્રણેય રાજ્યમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. છત્તીસગઢમાં કોંગ્રેસના બહુમત જેટલા ઉમેદવારો આગળ હોવાથી વર્તમાન મુખ્યમંત્રી રમણ સિંહે હારની જવાબદારી સ્વિકારીને રાજીનામું પણ આપી દીધું છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. જોકે, અહીં પણ કોંગ્રેસ ભાજપ કરતા તો આગળ જ છે.
ઉલ્લેખનીય છે કે, 2019માં લોકસભાની ચૂંટણી આવવાની છે. વર્તમાન પાંચ રાજ્યોની ચૂંટણીને સામાન્ય ચૂંટણીની સેમિફાઈનલ ગણવામાં આવતી હતી. તેમાં છેલ્લા 15 વર્ષથી જે બે રાજ્ય છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ સત્તામાં હતી ત્યાંથી તેને સત્તા ગુમાવવી પડી એવો અત્યારે પરિણામનો ટ્રેન્ડ જણાવી રહ્યો છે.