Alert! ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી, આ છે Omicron Variant ના 3 સૌથી મોટા લક્ષણ, ખાસ જાણો
ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના બે કેસ કર્ણાટકમાં સામે આવ્યા છે. ત્યારબાદથી નવા સ્ટ્રેનને લઈને સતત ચિંતા વધી રહી છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના બે કેસ કર્ણાટકમાં સામે આવ્યા છે. ત્યારબાદથી નવા સ્ટ્રેનને લઈને સતત ચિંતા વધી રહી છે. ડોક્ટરોનું માનવું છે કે ઓમિક્રોન વેરિએન્ટ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટથી વધુ ચેપી છે. પહેલીવાર દક્ષિણ આફ્રિકામાં મળેલો આ નવો વેરિએન્ટ દુનિયાભરના અન્ય દેશોમાં જે પ્રકારે ઝડપથી ફેલાયો છે તેનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે તે ખુબ જ ચેપી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ નવો વેરિએન્ટ કેટલો ઘાતક છે અને દુનિયાભરના વૈજ્ઞાનિકો તથા WHO ની ટીમ રિસર્ચમાં લાગી ગઈ છે.
દક્ષિણ આફ્રિકી ડોક્ટરે શેર કરી મહત્વની જાણકારી
રિસર્ચ બાદ કોવિડ-19ના નવા વેરિએન્ટ ઓમિક્રોનના લક્ષણો અને અન્ય ચીજો અંગે સ્થિતિ સ્પષ્ટ થશે. આ બધા વચ્ચે દક્ષિણ આફ્રિકાના ડોક્ટરે ઓમિક્રોનના લક્ષણો અને રસીની અસર અંગે મહત્વની જાણકારી શેર કરી છે. દક્ષિણ આફ્રિકા ચિકિત્સા સંઘના અધ્યક્ષ એન્જેલિક કોએત્ઝી (Angelique Coetzee)એ કહ્યું કે અનેક દેશોમાં સંક્રમણની સંખ્યામાં ઘણો ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે.
આ છે Omicron Variant ના 3 મોટા લક્ષણ
મિરરના રિપોર્ટ મુજબ ડોક્ટર એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું કે શરૂઆતી સંકેત છે કે પહેલાના સ્ટ્રેનની સરખામણીએ ઓમિક્રોનના લક્ષણો અલગ હોઈ શકે છે. ઓમિક્રોનના મુખ્ય લક્ષણ અંગે એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું કે દર્દીઓમાં સૌથી વધુ થાક, શરીરમાં દુ:ખાવો અને માથાનો દુ:ખાવો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક દર્દીઓમાં નબળાઈની ફરિયાદો પણ જોવા મળી છે. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ પણ દર્દીએ સૂંઘવાની ક્ષમતા ખતમ થવા કે પછી સ્વાદ ન આવવા કે નાક જામ થવાની કે ખુબ તાવની ફરિયાદ કરી નથી.
શું નવા વેરિએન્ટ પર અસર કરશે રસી?
ડોક્ટર એન્જેલિક કોએત્ઝીએ ક હ્યું કે હજુ સુધી એ લાગી રહ્યું છે કે વેરિએન્ટ ઓમિક્રોન પર કોરોના રસીની અસર થશે કારણ કે જે લોકોએ રસી લીધી છે તેમનામાં હળવા લક્ષણો જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે પ્રાથમિક સ્વાસ્થ્ય દેખભાળના સ્તર પર ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ ઓમિક્રોન વેરિએન્ટ હળવો છે. પરંતુ હોસ્પિટલના સ્તર પર આ તસવીર બદલાઈ શકે છે. હજુ તો વેરિએન્ટના શરૂઆતના દિવસો છે અને હોસ્પિટલોમાં વધુ લોકોને દાખલ પણ કરાયા નથી.
ભારતમાં નોંધાયા બે કેસ
ભારતમાં 24 કલાકમાં બે ઓમિક્રોન કેસની પુષ્ટિ થઇ છે. બંને કેસ કર્ણાટકના છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે ગઈ કાલે પત્રકાર પરિષદમાં આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે 29 દેશોમાં 373 ઓમિક્રોનના કેસ દુનિયામાં રિપોર્ટ થયા છે. આ ઓમિક્રોન વેરિએન્ટ બીટા અને ડેલ્ટા વેરિએન્ટથી વધુ ઝડપથી ફેલાય છે. ડબ્લ્યૂએચઓના અનુસાર આ વેરિએન્ટમાં 45 થી 52 મ્યૂટેશન જોવા મળ્યા છે.
ગુજરાતમાં પણ શંકાસ્પદ કેસ
ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જામનગર નજીક મોરકડાં ગામના એક વ્યક્તિમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મોરકડાં ગામના વ્યક્તિની ટ્રાવેલ્સ ઈસ્ટ્રી આફ્રિકાથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ વ્યક્તિને હાલ આઇસોલેટ કરવામાં આવ્યો છે. આઇસોલેટ કરાયેલ પુરુષને ઓમિક્રોનનો વાયરસ છે કે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. સેમ્પલ પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ ન આવે ત્યાં સુધી આફ્રિકાથી આવેલ વ્યક્તિને આઇસોલેટ રાખવામાં આવશે.