કોરોના વાયરસે દુનિયાને ખુબ હચમચાવી દીધી, અનેક લોકોએ જીવ ગુમાવ્યા. મહામારીને આટલો સમય વિત્યા બાદ ફરીથી તેના વિશે ચર્ચા શરૂ  થઈ ગઈ છે પરંતુ આ વખતે કોરોના રસી કોવિશીલ્ડ ચર્ચામાં છે. લોકો અચાનક કોરોના રસી કોવિશીલ્ડથી ડરવા લાગ્યા છે. જેનું કારણ છે બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાનો એક ખુલાસો. આ ખુલાસા બાદ કોરોના રસી લેનારાના મનમાં અનેક સવાલો પણ ઊભા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું થયો ખુલાસો
વેક્સીન નિર્માતા કંપનીએ ત્યાંની કોર્ટમાં સ્વીકાર્યું છે કે કોવિશીલ્ડ દુર્લભ મામલાઓમાં થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ સાથે થ્રોમ્બોસિસ(TTS)નું કારણ બની શકે છે. તેનાથી લોહી ગંઠાઈ શકે છે અને પ્લેટલેટ કાઉન્ટ ઘટી શકે છે. થ્રોમ્બોસાઈટોપેનિયાના અનેક ગંભીર કેસોમાં તે સ્ટ્રોક અને હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે. આ ખુલાસા બાદ ભારતમાં પણ તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. એસ્ટ્રાજેનેકાનો જે ફોર્મ્યૂલા હતો તેનાથી ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશીલ્ડ રસી બનાવી. ભારતમાં મોટા પાયે આ રસી લોકોને આપવામાં આવી. હવે લોકોના મનમાં અનેક સવાલો ઊભા થયા છે અને આ સવાલો વચ્ચે ભારતમાં મોટાભાગના હેલ્થ એક્સપર્ટ્સ એવું માને છે કે આ ફક્ત દુર્લભ કેસોમાં જ થઈ શકે છે. 


સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો
ભારતમાં પણ હવે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. એક વકીલ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ છે કે રસીની આડ અસરની તપાસ માટે મેડિકલ એક્સપર્ટની પેનલ બનાવવામાં આવે. રસીના કરાણે કોઈ પણ રિસ્ક ફેક્ટરનું પરીક્ષણ કરવાનો નિર્દેશ આપવા આવે અને આ બધુ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની નિગરાણીમાં કરવામાં આવે. અત્રે જણાવવાનું કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ વર્ષ 2021માં આ રસીથી થનારી આડ અસરો અંગે પોતાની સાઈટ પર જાણકારી આપેલી છે. 


આડ અસરો વિશે શું કહ્યું હતું કંપનીએ?
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પોતાની વેબસાઈટ પર ઓગસ્ટ 2021માં કોવિશીલ્ડ રસી લીધા બાદ થનારી આડઅસરો અંગે જાણકારી આપેલી છે. કંપની તરફથી કહેવાયું છે કે થ્રોમ્બોસાઈટોપેનિયા કે પ્લેટલેટ્સની સંખ્યા ઘટવાના કારણે બ્લડ ક્લોટિંગની સમસ્યા થઈ શકે છે. કંપનીએ કહ્યું છે કે આવું એક લાખમાંથી એક કરતા પણ ઓછા લોકોમાં થઈ શકે છે અને કંપનીએ તેને ખુબ જ દુર્લભ મામલો ગણાવ્યો છે. 


શું કહે છે એક્સપર્ટ્સ?
ICMR ના પૂર્વ ડાઈરેક્ટર જનરલ ડોક્ટર બલરામ ભાર્ગવે કોવિશીલ્ડ રસી મુદ્દે કહ્યું કે તેની આડ અસર રસી લીધાના વધુમાં વધુ ત્રણથી ચાર અઠવાડિયા સુધી જ થઈશકે છે. તે પણ ફક્ત દુર્લભ કેસોમાં જ. ભારતમાં કોવિશીલ્ડના કરોડો ડોઝ આપવામાં આવ્યા છે પરંતુ નહિવત કેસોમાં જ સાઈડ ઈફેક્ટ જોવા મળી. તેમના તરફથી કહેવાયું કે રસી લગાવ્યાના બે-અઢી વર્ષ બાદ આડઅસરનું કોઈ જોખમ નથી હોતું અને તેનાથી કારણ વગર ડરવાની જરૂર નથી. 


ICMR ના જ પૂર્વ વૈજ્ઞાનિક ડો. રમન ગંગાખેડકરે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે રસીના લોન્ચ થયાના 6 મહિનાની અંદર ટીટીએસને એડેનોવાયરસ વેક્ટર રસીની એક આડઅસર તરીકે ઓળખવામાં આવ્યું હતું. આ રસીની સમજમાં કોઈ નવો ચેન્જ નથી. તેમના તરફથી કહેવાયું કે એ સમજવાની જરૂર છે કે રસી લગાવનારા દસ લાખ લોકોમાંથી ફક્ત સાત કે આઠ લોકોને જ જોખમ રહેલું છે. 


મેડિકલ એક્સપર્ટ ડો. રાજીવ જયદેવને કહ્યું કે TTS લોહીની નળીઓમાં લોહીને ગંઠાવી શકે છે પરંતુ કેટલીક રસીના ઉપયોગ બાદ તે થવું એ ખુબ જ દુર્લભ હોય છે. જયદેવન કેરળમાં નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) કોવિડ ટાસ્ક ફોર્સના સહ અધ્યક્ષ છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે કોવિડ રસીએ અનેક મોતોને રોકવામાં મદદ કરી છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ તેમણે કહ્યું કે "TTS નો અર્થ લોહી ગંઠાવવા સંબંધિત છે. ઓછા પ્લેટલેટ કાઉન્ટ સાથે મગજ કે અન્ય લોહીની નળીઓમાં તેનાથી લોહી ગંઠાઈ શકે છે."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube