રેપની વિરુદ્ધ સંશોધિત કાયદો લોકસભામાં પાસ, બાળકીઓ સાથે દુષ્કર્મ પર થશે ફાંસી
જમ્મૂ-કાશ્મીરના કઠુઆમાં એક માસૂમની સાથે ગેંગરેપ બાદ તેની હત્યા કરવાથી દેશભરમાં ઉભા થયેલા આક્રોશ બાદ કેન્દ્ર સરકારે દુષ્કર્મિઓને આકરી સજા આપવાના ઈરાદાથી આ અધ્યાદેશ લાગૂ કર્યો હતો.
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રમાં આજે સોમવારે 12 વર્ષથી નાની ઉંમરની બાળકીઓ સાથે દુષ્કર્મના દોષિઓને મોતની સજાનું બિલ લોકસભામાં પાસ થઈ ગયું. ક્રિમિનલ લો (સંશોધન) બિલ 2018 હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. તમામ પક્ષો તેના પર સહમત હોવાથી રાજ્યસભામાં પણ આ બિલ પાસ થવાની આશા છે. આ સંબંધમાં એક અધ્યાદેશ 21 એપ્રિલે લાગૂ કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, જમ્મૂ-કાશ્મીરના કઠુઆમાં એક માસૂમની સાથે ગેંગરેપ બાદ તેની હત્યા કરવાથી દેશભરમાં ઉભા થયેલા આક્રોશ બાદ કેન્દ્ર સરકારે દુષ્કર્મિઓને આકરી સજા આપવાના ઈરાદાથી આ અધ્યાદેશ લાગૂ કર્યો હતો. ગૃહમાં પાસ થયા બાદ આ અધ્યાદેશ કાયદો બની જશે. લોકસભામાં આ બિલ પર બે કલાક કરતા વધુ સમય સુધી ચર્ચા થઈ હતી.
કિરણ રિજીજૂએ આના પર ચર્ચા કરતા કહ્યું કે છોકરીઓ, મહિલાઓ સહિત માસૂમ બાળકીઓને સુરક્ષા ઉપલબ્ધ કરાવવાના ઈરાદાથી આ બિલ લાવવામાં આવ્યું છે. આ બિલ વિશે તેમણે ગૃહને જણાવ્યું કે, આમાં દુષ્કર્મના મામલાની સુનાવણી મહિલા જજ દ્વારા કરવા તથા મહિલા પોલીસ અધિકારી દ્વારા પીડિતાનું નિવેદન નોંધવાની જોગવાઇ કરવામાં આવી છે. રિજીજૂએ ગૃહને જણાવ્યું કે, હાલના કાયદામાં વયસ્ક મહિલા સાથે દુષ્કર્મના દોષિને મોતની સજાની જોગવાઇ હતી પરંતુ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકીઓ સાથે બળાત્કાર માટે ફાંસીની સજાનો નિયમ ન હતો.
બળાત્કારની ઘટનાઓ પર માનસિકતા બદલવાની જરૂરઃ ઓવૈસી
આના પર ચર્ચા દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ તથા તેલંગણાના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, કોઇપણ કાયદાથી બાળકીઓ સાથે થતા બળાત્કાર કે અન્ય હિંસાને ન ક રોકી શકે. તેના માટે માનસિકતા બદલવાની જરૂર છે.
આ બિલ પ્રમાણે 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે બળાત્કારના મામલામાં દોષિતોને મોતની સજા આપવાની જોગવાઇ છે. મહિલાઓ સાથે બળાત્કારના મામલામાં ઓછામાં ઓછી 7 વર્ષનો કારાવાસથી વધારીને 10 વર્ષ કરી દેવામાં આવી છે. 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે બળાત્કારના દોષીને ઓછામાં ઓછી 20 વર્ષની સજા થઈ શકે છે. બિલમાં 16 વર્ષથી નાની યુવતીઓ સાથે બળાત્કાના મામલામાં ઓછીમાં ઓછી સજા 10 વર્ષથી વધારીને 20 વર્ષ કરવામાં આવી છે. 16 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે ગેંગરેપમાં આરોપીને આગોતરા જામીન આપવાની કોઇ જોગવાઇ નથી. બિલમાં બળાત્કારના તમામ મામલાની તપાસ માટે સમગયાળો નક્કી કરવામાં આવ્યો છે, જેને બે મહિનામાં પૂર્ણ કરવું ફરજીયાત છે.