લોકસભા ચૂંટણી 2024 પતી ગઈ અને પરિણામ પણ આવી ગયા. જો કે આ વખતે ભાજપ માટે  ધાર્યા કરતા પરિણામો ખુબ ચોંકાવનારા રહ્યા. છેલ્લી બે ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ ક્લીન સ્વિપ કરતું આવ્યું છે પરંતુ આ વખતે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા સીટ પડાવી લેતા ક્લીન સ્વિપનું સપનું રોળાઈ ગયું. ચૂંટણી ટાણે જ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજ અંગેનું નિવેદન વિવાદમાં સપડાતા ક્ષત્રિયોનો રોષ  ભભૂકી ઉઠ્યો અને ભાજપને મત ન આપવાની વાતો થવા લાગતા એક સમયે એવું લાગતું હતું કે ક્ષત્રિય આંદોલન ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે હવે જે પ્રકારે પોસ્ટ પોલ સર્વે આંકડા સામે આવી રહ્યા છે તે રસપ્રદ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતીઓના મતો...
ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકોમાંથી સુરતની એક બેઠક બિનહરીફ જાહેર થતા 25 બેઠકોના પરિણામ આવ્યા હતા. જેમાંથી બનાસકાંઠાને બાદ કરતા તમામ બેઠકો ભાજપને ફાળે ગઈ. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર આગળ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી ઉણા ઉતર્યા અને ભાજપે બેઠક ગુમાવવાનો વારો આવ્યો. ત્યારે હવે એ જાણવું રસપ્રદ થઈ પડે કે ગુજરાતની જનતાએ આખરે પોતાના મત માટે કોની પસંદગી કરી? 


પોસ્ટ પોલ સર્વેના આંકડા
મીડિયા રિપોર્ટ મુજબ સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી (સીએસડીએસ)- લોકનીતિના પોસ્ટ પોલ સર્વેના તારણોમાં ગુજરાતના મતદારોમાં પુરુષો-મહિલાઓ, યુવાઓ-વડીલો, ગરીબો, મધ્યવર્ગ, શહેરી કે ગ્રામીણ લોકોએ કોને મત આપ્યા તેની વિગતો દર્શાવેલી છે. રૂપાલા સામે જે રીતે આંદોલન જોવા મળ્યું અને ક્ષત્રિયો ભાજપને મત ન આપવાની કસમો ખાતા જોવા મળતા હતા તેના કરતા સ્થિતિ થોડી ઊંઘી જોવા મળી એવું કહીએ તો ખોટું નહીં હોય કારણ કે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન દરમિયાન કોંગ્રેસને ક્ષત્રિયોના 38.5 ટકા મતો મળ્યા જ્યારે ભાજપને કોંગ્રેસ કરતા 20 ટકા વધુ મત એટલે કે 58 ટકા ક્ષત્રિય મત મળ્યા એવું અમે નહીં પરંતુ સર્વેના આંકડા સૂચવી રહ્યા છે.  


પાટીદારોએ એકજૂથ થઈ ભાજપને મત આપ્યો?
યુવા મતદારોની વાત કરીએ તો સર્વે મુજબ 35 વર્ષથી નાની ઉમરના મતદારોમાં ભાજપ પ્રત્યે વલણ વધુ જોવા મળ્યું કારણ કે આ વયગ્રુપના 59 ટકા મત ભાજપને જ્યારે 30 ટકા કોંગ્રેસને ગયા. પાટીદારોની વાત કરીએ તો સર્વેના આંકડા સૂચવે છે કે ગુજરાતમાં પાટીદાર સમુદાય ભાજપને ખોબલે ખોબલે મત આપતો જોવા મળ્યો કારણ કે પાટીદારોના 79.6 ટકા મત ભાજપને ગયા જ્યારે કોંગ્રેસને તો માત્ર 6.1 ટકા જ પાટીદારોએ મત આપ્યો. 


આ વયજૂથના સૌથી વધુ મત ભાજપને
ગુજરાતમાં મતદારોના વયજૂથને ધ્યાનમાં લઈએ તો ફૂટડી જુવાનીવાળા એટલે કે 25 વર્ષ સુધીની વયના 55.5 ટકા લોકોએ ભાજપને જ્યારે 29.1 ટકા લોકોએ કોંગ્રેસને મત આપ્યો હોવાનું સામે આવ્યું છે. 26થી 35 વર્ષની ઉંમરના 62.6 ટકા લોકોએ ભાજપને જ્યારે અંદાજે 30 ટકા લોકોએ કોંગ્રેસને મત આપ્યા છે. સર્વે મુજબ  36થી 45 વર્ષના 67.3 ટકા લોકોએ ભાજપને જ્યારે 30.7 ટકા લોકોએ  કોંગ્રેસને મત આપ્યા છે. 46થી 55 વર્ષની વયજૂથના 60.6 ટકા લોકોએ ભાજપ જ્યારે 29.2 ટકા લોકોએ કોંગ્રેસને મત આપ્યા છે. 56થી વધુ વયના લોકોએ 58.6 ટકા લોકોએ ભાજપ અને 36 ટકા લોકોએ કોંગ્રેસને મત આપવાનું પસંદ કર્યું છે. 


બીજે બધે ભલે ગામડાઓમાં ભાજપનું ધોવાણ થયું એમ કહેવાતું હોય પરંતુ ગુજરાતમાં જોઈએ તો ગુજરાતના ગામડાઓએ તો ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા છે. સર્વેના આંકડા તો કઈક એવું કહે છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં 61.4 ટકા મત ભાજપને જ્યારે 36.8 ટકા મત કોંગ્રેસને ગયા છે. જ્યારે શહેરોમાં 61.1 ટકા મત ભાજપને અને 25.5 ટકા મત કોંગ્રેસને ફાળે ગયા છે. 


મધ્યમ વર્ગની પસંદગી કોણ
સર્વેના આંકડામાં ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે ગુજરાતના મધ્યવર્ગની પસંદગી કમળ પર જોવા મળી છે. 69 ટકા મધ્યમવર્ગના મત ભાજપને ગયા એવું આંકડા દર્શાવે છે. જ્યારે 24.6 ટકા કોંગ્રેસને મળ્યા છે. 55.2 ટકા ગરીબોએ ભાજપને જ્યારે 43.8 ટકા ગરીબોએ કોંગ્રેસને મત આપ્યા હોવાનું સામે આવ્યું છે. 60.9 ટકા ધનિકોએ ભાજપ જ્યારે 22.8 ટકા ધનિકોના મત કોંગ્રેસને ગયા છે.