એકવાર ફરીથી ચક્રવાતી તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ મોનસૂન વિદાય થઈ ગયું છે અને ઉત્તર પૂર્વી મોનસૂન એક્ટિવ થઈ ગયું છે. જેના પગલે બંગાળની ખાડી અને આંદમાન સાગરમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની સાથે લો પ્રેશરવાળો એરિયા બનવાથી ચક્રવાતી તોફાન દાના સક્રિય થયું છે. આ તોફાન 23-24 ઓક્ટોબરના રોજ દરિયા કાંઠે અથડાય તેવી સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમુદ્રી તોફાનને જોતા હવામાન વિભાગ  (IMD) એ દક્ષિણ ભારતના 4 રાજ્યોમાં 100થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાનું એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદના પણ એંધાણ છે. આવામાં લોકોને ઘરોની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન ખરાબ હોવાના કારણે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી શકે છે. વર્ક ફ્રોમ હોમના આદેશ પણ અપાઈ શકે. 


બંગાળની ખાડીમાં તોફાન
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ઉત્તરી આંદમાન સાગરમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન બનવાથી મધ્ય પૂર્વી બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે. આ લો પ્રેશરવાળો એરિયા 22 ઓક્ટોબરની સવારે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં જશે અને 23 ઓક્ટોબરની સવાર સુધીમાં મધ્ય પૂર્વ બંગાળની  ખાડીમાં ચક્રવાતી તોફાન દાના એક્ટિવ થઈ જશે. 


દાના તોફાન ઉત્તર-પશ્ચિમ તરફ જતા 24 ઓક્ટોબરની સવાર સુધીમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના સમુદ્રમાં પહોંચશે. ચક્રવાત બનાવતા ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણી આંધ્ર પ્રદેશના સમુદ્રી તટને પણ કવર કરશે. તેના કારણે પહેલા આંદમાન નિકોબાર દ્વિપ સમૂહમાં ભારે વરસાદ પડી શકે છે. પછી ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે ગાજવીજ અને પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડશે. આ બધા વચ્ચે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં પણ વરસાદના એંધાણ છે. 26 ઓક્ટોબર સુધી આ રાજ્યોમાં વરસાદ-તોફાન બંને રહેશે. 



આ રાજ્યોમાં ખુબ વરસશે વરસાદ
હવામાન વિભાગે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પુડુચેરી, કર્ણાટકમાં 26 ઓક્ટોબરના રોજ ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસશે. ગોવા, મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં પણ ઉપરોક્ત 4 રાજ્યોના હવામાનની અસર જોવા મળશે. હળવાથી મધ્યમ વરસાદ પડશે. 


આટલી ઝડપે પવન ફૂંકાશે
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજે 21 ઓક્ટોબરના રોજ આંદમાન સાગરમાં 35થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં આજે 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી તોફાન આવશે. આ પવનની સ્પીડ 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં 55થી 75 કિમી પ્રતિ કલાક થઈ જશે. 23 અને 24 ઓક્ટોબરના રોજ 70થી 100  કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી નજીકના વિસ્તારોમાં 23-24 ઓક્ટોબરના રોજ 45થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 23 ઓક્ટોબરના રોજ ઉત્તર બંગાળની ખાડીમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 24-25 ઓક્ટોબરે તેની ઝડપ 100થી 120 કિમી પ્રતિ કલાક થઈ જશે. 



ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ
બીજી બાજુ ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. પ્રહલાદનગર, વેજલપુર, એસ. જી. હાઇવે, શ્યામલ વિસ્તારમાં વરસાદ પડ્યો. શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારોમાં  વરસાદ. અરબીસમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડ્યો છે. સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 58 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ. રાજકોટના લોધિકામાં પોણા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢના માળિયા હાટીનામાં સાડા ત્રણ ઈંચ વરસ્યો. 


અંબાલાલની આગાહી
ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની પણ લેટેસ્ટ આગાહી આવી ગઈ છે. 22-23-24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 22 ઓક્ટોબરથી બંગાળના ઉપસગારમાં ચક્રવાત આવવાની શક્યતા છે. 30 મી ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે. દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે. દિવાળી બાદ રાજ્યમાં વહેલી સવારથી ઠંડીનો અનુભવ થશે. 7 નવેમ્બરે પણ બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 7-14 નવેમ્બરના ગુજરાતમાં માવઠું થવાની શક્યતા. 7 થી 13 નવેમ્બરમાં બાંગાળાની ઉપસગારમાં ફરી ચક્રવાત આવશે. 17 થી 20 નવેમ્બરમાં બાંગાળાના ઉપસાગરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા. 29  નવેમ્બર થી 3 ડીસેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધશે. 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. માર્ચ મહિના સુધી રાજ્યમાં માવઠા આવશે. આ વર્ષે શિયાળામાં અષાઢી માહોલ રહેશે. 2027 થી આવતો દસકો હવામાનમાં વધુ ફેરફાર લઈને આવશે.