ગુજરાતના કાંઠે ટકરાયા બાદ ચક્રવાત બિપરજોયની ભયાનક અસર જોવા મળી. કચ્છ જિલ્લા પર જોવા મળી ચક્રવાત બિપરજોયની ભારે અસર. બીજી બાજુ અસરની વાત કરીએ તો મોડી રાતથી વહેલી સવાર સુધી કચ્છમાં અતિભારે પવન ફુંકાયો. સમયાંતરે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો. ચક્રવાત હાલ કચ્છ જિલ્લા તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું. તબક્કાવાર વાવાઝોડાની તીવ્રતા ઘટી રહી છે. આજ સાંજ સુધીમાં વાવાઝોડું ડીપ્રેશનમાં ફેરવાઈ જશે.  તોફાની પવનના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઝાડ અને થાંભલા પડવા લાગ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IMD ના જણાવ્યાં મુજબ વાવાઝોડાનું લેન્ડફોલ થઈ ગયું છે. ચક્રવાતના જોખમને પગલે 94 હજારથી વધુ લોકોનું કાંઠા વિસ્તારોમાંથી સ્થળાંતર કરાયું છે. જેમ જેમ  બિપરજોય વાવાઝોડું નજીક આવ્યું તેમ તેમ પવનનો કહેર જોવા મળ્યો. ગુજરાતમાં એક બાજુ લેન્ડફોલ દરમિયાન થનારા નુકસાનના અંદેશાએ વહીવટીતંત્ર અને લોકોની ચિંતા વધારી તો બીજી બાજુ બિપરજોયના 'આફ્ટર ઈફેક્ટ' અંગે પણ હવે ટેન્શન છે. 


વાત જાણે એમ છે કે હવામાન વિભાગના જણાવ્યાં મુજબ તોફાનથી થયેલા નુકસાનનો અંદાજો શુક્રવારે જ લગાવી શકાશે. વાવાઝોડાથી નુકસાનીના સર્વેની કામગીરી આવતીકાલથી પ્રારંભ કરવામાં આવનાર છે. પરંતુ ચક્રવાતના કારણે શુક્રવારે ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં  ભીષણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં શુક્રવારે ભારે વરસાદ પડશે. જો વરસાદ પડે તો પ્રશાસન અને લોકોની મુસીબતો વધશે. કારણ કે તોફાનના પગલે થયેલી અવ્યવસ્થાઓને ઠીક કરવામાં વધુ સમય લાગશે. આ સાથે જ વરસાદ દરમિયાન કોઈ જાનહાનિ ન થાય તે પણ પ્રશાસન સામે મોટો  પડકાર છે. 


લેન્ડફોલ બાદ પણ મુસીબત
જાણકારોનું કહેવું છે કે શુક્રવારે ભારે વરસાદની આગાહીના પગલે વીજ પૂરવઠો બહાલ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એટલે કે લોકોએ વધુ સમય સુધી વીજળી વગર રહેવું પડી શકે છે. જે લોકોના ઘર તબાહ થયા છે તેમને પણ પોત પોતાના ઘરે જવા માટે રાહ જોવી પડશે. ત્યાં સુધીમાં તેઓ સરકાર દ્વારા તૈયાર કરાયેલા શેલ્ટર હોમમાં રહેશે. આ સાથે જ તોફાનના કારણે જે પણ નુકસાન થયું છે તેનો અંદાજો લગાવવામાં સમય લાગી શકે છે. હવામાન ખાતાના અલર્ટથી સ્પષ્ટ છે કે ભલે બિપરજોય ગુજરાતને અડીને પસાર થઈ જશે પરંતુ તેની આફ્ટર ઈફેક્ટથી રાજ્ય ખાસ્સુ પ્રભાવિત રહેશે. 


ભારતના આ રાજ્યોમાં પણ અસર
હવામાન ખાતાનું અનુમાન છે કે લેન્ડફોલ બાદ ચક્રવાતની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે. ઉત્તર પૂર્વ તરફ આગળ વધતા પહેલા દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં તેની અસર જોવા મળશે. ચક્રવાતના કારણે આગામી ચાર દિવસ સુધી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને યુપીમાં પણ વરસાદ વરસી શકે છે. ચક્રવાત બિપરજોયથી દિલ્હી એનસીઆરમાં વધુ અસરની આશા નથી. જો કે આજુબાજુના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે. imd નું કહેવું છે કે તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ વરસાદ પડી શકે છે. 


પાકિસ્તાનમાં 82 હજાર લોકોને શિફ્ટ કરાયા
ગુજરાત થઈને તોફાન પાકિસ્તાનના કરાચી પહોંચશે. પાકિસ્તાનમાં પણ તોફાન અંગે અલર્ટ જાહેર કરાયું છે. કાંઠા વિસ્તારોથી ગુરુવારે 82000 થી વધુ લોકોને દક્ષિણ સિંધ પ્રાંતમાં સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા. પાકિસ્તાન હવામાન ખાતાના જણાવ્યાં મુજબ કરાંચીના ચાર જિલ્લાની ઓળખ કરાઈ છે જ્યાં બિપરજોય તબાહી મચાવી શકે છે. જેમાં થટ્ટા, બાદિન, સુજાવલ અને મલીર સામેલ છે. આ સાથે જ થારપારકર ક્ષેત્રમાં પણ અલર્ટ જાહેર કરાયું છે.