ગુજરાતને સંપૂર્ણ રીતે ઘમરોળ્યા બાદ હવે બિપરજોય વાવાઝોડાની તીવ્રતા ધીરે ધીરે ઘટી રહી છે. આજે બપોરે 12 વાગે ભૂજથી 40 કિમી દૂર હતું. ગુજરાતમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ કહ્યું કે સવારની સરખામણીમાં બપોર બાદ ચક્રવાતની તીવ્રતા ઘણી ઓછી  થઈ છે. સાંજ સુધીમાં તીવ્રતા હજુ ઓછી થશે. તેનો રસ્તો પૂર્વોત્તર દિશામાં કચ્છની ઉપર છે. ઉત્તર ગુજરાતમાં તેનો પ્રભાવ જોવા મળશે. કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. પોરબંદર, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. એ રીતે જોઈએ તો સમગ્ર ગુજરાતમાં આજે વરસાદની શક્યતા છે. કાલે કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17 જૂનના રોજ કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. હાલ અરબ સાગર ડિસ્ટર્બ રહેશે. પવનની ગતિ પણ તેજ રહેશે. આજે બપોર બાદ પવનની સ્પીડ 75-85 કિમી પ્રતિ કલાક હતી. સાંજ સુધીમાં તે ઘટીને 50-60રહી જશે. આ બધા વચ્ચે બિપરજોયની અસર દિલ્હી-એનસીઆરમાં પણ જોવા મળી રહી છે. આજે બપોરે અઢી વાગ્યાની આજુબાજુ વરસાદ પડ્યો. 



હવામાન વિભાગે અલર્ટ જાહેર કર્યું છે કે આગામી બે કલાક દરમિયાન હરિયાણાના જીંદ, રોહતક, ભિવાની, સોહના રેવાડી જેવા વિસ્તારોમાં તથા દિલ્હીમાં પણ અનેક ઠેકાણે વરસાદ પડી શકે છે. 


રાજસ્થાન અને એમપી માટે પણ અલર્ટ છે. આજે સાંજે દક્ષિણ રાજસ્થાનમાં પવન ફૂંકાશે. પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે. રાતે પવનની ગતિમાં વધારો થઈ શકે છે. જો કે 17 જૂનની સવાર સુધીમાં પવનની ગતિ 35-45 કિમી પ્રતિ કલાકે પહોંચી જશે. 



રાજસ્થાનમાં બિપરજોય વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. આજે બપોરે વાવાઝોડું રાજ્યમાં પ્રવેશ કરી ગયું. જાલોર અને બાડમેરમાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો. ગુરુવારે પણ રાતે કેટલાક સ્થળો પર વરસાદ પડ્યો હતો. ચક્રવાતની તીવ્રતાને જોતા આજે બાડમેર અને જાલોરના કેટલાક વિસ્તારોમાં વરસાદની ચેતવણી અપાઈ છે. જેસલમેર, જોધપુર, પાલી અને સિરોહીના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. બીકાનેર, રાજસમંદ, ઉદયપુર અને ડુંગરપુર જિલ્લાના કેટલાક ભાગોમાં પણ મૂસળધાર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે  કહ્યું કે રાજ્યમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. કાલ માટે બાડમેર અને જોધપુર માટે રેડ અલર્ટ જાહેર કરાયું છે. 


બિપરજોય ચક્રવાતના કારણે મધ્ય પ્રદેશના ઈન્દોર અને ઉજ્જૈન જિલ્લાઓમાં પવન ફૂંકાઈ શકે છે તથા વરસાદ પડી શકે છે. આજે પશ્ચિમી મધ્ય પ્રદેશમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપથી તેજ પવન ફૂંકાવવાની શક્યતા છે.