Cyclone Dana Latest Update: લેન્ડફોલ બાદ વધુ વિકરાળ બન્યું દાના, 7 રાજ્યો વાવાઝોડાની ઝપેટમાં! લાખો લોકો રાહત શિબિરમાં
Dana Cyclone Effect: ભીષણ ચક્રવાતી તોફાન દાના મોડી રાતે ઓડિશાના કાંઠે ત્રાટક્યું. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ વાવાઝોડાનું લેન્ડફોલ હજુ પણ ચાલુ છે. ઓડિશાના ધામરા અને ભિતરકનિકા પાસે તોફાન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થયું. તોફાનના કારણે ઓડિશા અને બંગાળના અનેક વિસ્તારો આંધી તોફાનની ઝપેટમાં છે.
ભીષણ ચક્રવાતી તોફાન દાના મોડી રાતે ઓડિશાના કાંઠે ત્રાટક્યું. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ વાવાઝોડાનું લેન્ડફોલ હજુ પણ ચાલુ છે. દાના વહે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ઓડિશાના ધામરા અને ભિતરકનિકા પાસે તોફાન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થયું. તોફાનના કારણે ઓડિશા અને બંગાળના અનેક વિસ્તારો આંધી તોફાનની ઝપેટમાં છે. ભારે વરસાદ પડી રહ્યો છે. પવન ફૂંકાવવાના કારણે ઝાડ ઉખડી ગયા છે. તોફાન અંગે ઓડિશા અને બંગાળમાં એનડીઆરએફની ટીમો હાઈ એલર્ટ પર છે.
દાનાની લેટેસ્ટ માહિતી
ભારતીય હવામાન વિભાગ (IMD)ની લેટેસ્ટ માહિતી મુજબ દાના સવારે 7.30 વાગે ધામરાથીલગભગ 30 કિમી ઉત્તર-ઉત્તર પશ્ચિમ અને હબલીખાતી નેચર કેંપ (ભિતરકનીકા)થી 50 કિમી ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં કેન્દ્રીત હતું. તોફાન ત્રાટક્યા બાદથી જ ઓડિશામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મૂસળધાર વરસાદ પડી રહ્યો છે. આઈએમડી ભુવનેશ્વરના સ્થાનિક ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરતા કહ્યું છે કે ઓડિશામાં આજે આખો દિવસ પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે. અત્રે જણાવવાનું કે ઓ તોફાનની અસર ઓડિશા ઉપરાંત 6 અન્ય રાજ્યોમાં પણ જોવા મળી શકે છે. આ તમામ રાજ્યોમાં તોફાનને પહોંચી વળવાની તૈયારીઓ થઈ છે.
લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ
હવે તે એક ગંભીર ચક્રવાતી તોફાન છે અને પવનની ઝડપ 100-110 કિમી પ્રતિ કલાકની છે. લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ છે. જે આગામી 1-2 કલાક સુધી રહેશે. આ ઉપરાંત ઓડિશામાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને ધીરે ધીરે નબળું થઈ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના છે.
ધામરામાં સમુદ્ર ઉછાળા મારે, ભારે પવન ફૂંકાયો
ઓડિશાના ધામરામાં સાઈક્લોન દાનાના પ્રભાવથી સમુદ્ર અશાંત છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં 5.84 લાખ લોકોને રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યા છે.
આ રાજ્યો પર તોફાનની અસર
ઓડિશાના 30માંથી 14 સમુદ્રી કાંઠા જિલ્લાઓ ચક્રવાતી તોફાન દાનાની ઝપેટમાં છે. આઈએમડીએ 24થી 26 ઓક્ટોબર સુધી 14 જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ 14 જિલ્લામાં અંગુલ, નયાગઢ, બાલેશ્વર, મયૂરભંજ, ભદ્રક, કેન્દ્રપાડા, જગતસિંહપુર, કેન્દુઝાર, જાજપુર, કટક અને ઢેંકનાલ, ખુર્દા, ગંજમ અને પુરી સામેલ છે. નુકસાનને પહોંચી વળવા માટે ઓડિશા સરકારે એનડીઆરેએફની 20 ટીમો ફિલ્ડમાં તૈનાત કરી છે. ઓડિશા ડિઝાસ્ટર રેપિડ ફોર્સની 51 ટીમો પણ ફિલ્ડમાં છે. ફાયર બ્રિગેડની 178 ટીમો એલર્ટ મોડ પર છે. 16 લાખ લોકોને 6 હજાર રાહત શિબિરોમાં ખસેડાયા છે. લોકો પોતાના ઘરોમાં કેદ છે અને જનજીવન અસ્તવ્યસ્ત છે.
પશ્ચિમ બંગાળમાં 8 જિલ્લાઓમાં ચક્રવાતી તોફાન દાનાની અસર જોવા મળી શકે છે. આ જિલ્લાઓમાં પૂર્વ મેદનીપુર, પશ્ચિમ મેદનીપુર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણા, કોલકાતા, હાવડા, હુગલી અને ઝારગ્રામ સામેલ છે. એલર્ટ છે કે 8 જિલ્લાઓમાં 23થી 26 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે શાળા કોલેજો બંધ છે. સમુદ્રી કાંઠા વિસ્તારોમાં 85 રાહત ટીમો તૈનાત છે. કોલકાતામાં એરપોર્ટ બંધ છે. 159837 લોકોને રાહત શિબિરોમાં ખસેડાયા છે.
આંધ્ર પ્રદેશમાં રાયલસીમામાં પણ ચક્રવાતની અસર જોવા મળી શકે છે. વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 30થી 50 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. સુરક્ષા કારણોસર આંધ્ર સરકારે કાંઠા વિસ્તારોમાં NDRF ની 9 ટીમો તૈનાત કરી છે.
ઝારખંડમાં પૂર્વ સિંહભૂમ, પશ્ચિમ સિંહભૂમ, સિમડેગા, સરાયકેલા-ખરસાવા, દેવધર, ધનબાદ, દુમકા, ગિરીડીહ, ગોડ્ડા, જામતાડ઼ામાં અસર જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. સરકારે NDRF ની 9 ટીમો તૈનાત કરી છે.
છત્તીસગઢમાં 8 જિલ્લાઓમાં ચક્રવાત દાનાની અસર જોવા મળી શકે છે. આથી હવામાન વિભાગે પ્રદેશના તમામ 8 જિલ્લા માટે યલ્લો એલર્ટ જાહેર કરેલું છે. આગામી 3 દિવસ 25થી 27 તારીખ સુધી આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
બિહારમાં ભાગલપુર, બાંકા, જમુઈ, મુંગેર, શેખપુરા, નાલંદા, જહાનાબાદ, લખીસરાય, નવાદા, ગયા, કટિહાર, પૂર્ણિયા, કિશનગંજમાં ચક્રવાતી તોફાનની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગે આ શહેરોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પ્રદેશ સરકારે લોકોને સુરક્ષા વર્તવાની સલાહ આપી છે.
તમિલનાડુમાં પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. પૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાં પણ આગામી 5 દિવસ સુધી વરસાદ પડી શકે છે. ચક્રવાતી તોફાન દાનાની અસર આગામી 2 દિવસ મધ્ય પ્રદેશમાં પણ જોવા મળી શકે છે. પ્રદેશના પૂર્વ ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. જબલપુર સહિત પ્રદેશના 8 જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈનમાં જો કે તડકો રહેશે. પરંતુ તોફાનની અસરથી અનેક શહેરોમાં દિવસનો પારો 30 ડિગ્રીથી ઓછો જઈ શકે છે. આ ઉપરાંત તોફાનની અસર દિલ્હીમાં પણ જોવા મળી રહી છે. ઠંડી હવાના પગલે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં જોવા મળશે અસર?
રાજ્ય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ દાના વાવાઝોડાની અમદાવાદ શહેર કે રાજ્યભરમાં અસર થવાની શક્યતા નહિવત છે. જો કે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઉત્તરથી ઉત્તર પૂર્વના સૂકા પવનો શરૂ થવાની સાથે ભેજનું પ્રમાણ ઘટતા ગરમી વધવાની પણ શક્યતા છે. 2 ડિગ્રી ગરમી વધી શકે છે.