નવી દિલ્હી/ચેન્નાઈ: બંગાળની ખાડી પર ગાઝા તોફાન ચેન્નાઈથી લગભગ 470 કિલોમીટર દુર દક્ષિણ પૂર્વમાં સ્થિત છે અને ગુરુવારે કુડ્ડુલૂર તથા પમ્બાન વચ્ચે દસ્તક દઈ શકે છે. જેના કારણે તામિલનાડુમાં ભારે વરસાદની આશંકા સેવાઈ રહી છે. આ જોખમને જોતા ભારતીય નેવી બુધવારથી એલર્ટ મોડ પર છે. અધિકારીઓએ આ જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેવીના અધિકારીઓએ જણાવ્યું કે પૂર્વી નેવી કમાન (ઈએનસી)એ આવશ્યક માનવીય સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે ઉચ્ચ સ્તરની તૈયારીઓ કરી છે. તોફાન ગુરુવારે સાંજે બંને રાજ્યો પુડ્ડુચેરી અને તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોને પાર કરી શકે છે. નેવીના એક અધિકારીએ જણાવ્યું કે બે ભારતીય નૌસૈનિક જહાજ રણવીર અને ખંજર માનવીય સહાયતા અને સંકટ રાહત માટે સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં આગળ વધવા માટે ઊભા છે. તેમણે જણાવ્યું કે આ જહાજોમાં વધારાની સંખ્યામાં મરજીવાઓ, ડોક્ટર, હવાવાળી રબરની નાવ, હેલિકોપ્ટર અને રાહત સામગ્રી તૈયાર છે. 


હવામાન ખાતાએ જણાવ્યું કે ગાઝા ગુરુવારે સાંજે કે રાતે પમ્બાન અને કુડ્ડુલૂર વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારને પાર કરી શકે છે. આ દરમિયાન 100 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તામિલનાડુની સરકાર અગાઉથી જ 30500 બચાવકર્મીઓને તહેનાત કરવાની જાહેરાત કરી ચૂકી છે. આ બાજુ તંજોર, તિરુવરુર, પુડ્ડુકોટ્ટઈ, નાગપટ્ટિનમ, કુડ્ડુલૂર અને રામનાથપુરમના કલેક્ટરોએ ગુરુવારે શાળા અને કોલેજોમાં રજાની જાહેરાત કરી દીધી છે. 


વાવાઝોડાને ધ્યાનમાં રાખીને પુડ્ડુચેરી અને અન્ય વિસ્તારોમાં શિક્ષણ સંસ્થાઓ બંધ રહેશે. કેન્દ્રીય જળ આયોગે બંધો પર સતત નજર રાખવાની સલાહ આપી છે અને આ મુદ્દે તામિલનાડુના મહેસુલમંત્રી આર બી ઉદયકુમારે કહ્યું કે બંધ, ઝીલ અને નદીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.