બંગાળની ખાડી પર બનેલા દબાણને કારણે તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન ખાતાએ આજ સુધીમાં આ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી સંભાવના જતાવી છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 27 નવેમ્બરે તે ચક્રવાતી તોફાનમાં ફેરવાશે. ત્યારબાદ આગામી બે દિવસ સુધી તેની અસર જોવા મળી શકે છે. આવનારા દિવસોમાં તે શ્રીલંકા તટથી પસાર થઈને તમિલનાડુ તટ તરફ આગળ વધશે. જેને જોતા તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને સમીક્ષા બેઠક પણ કરી. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં આ વાવાઝોડું અસર કરશે કે કેમ અને કેવું રહેશે હવામાન તે પણ ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

27 નવેમ્બરના રોજ  તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ જગ્યાઓ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 28 નવેમ્બરના રોજ પણ આજની જેમ જ તમિલનાડુના કાંઠા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 


વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગે 3 જિલ્લાઓ માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં 27 નવેમ્બરે બે જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. જ્યારે ચેન્નાઈમાં 27થી 29 નવેમ્બર સુધી ભારે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચેંગલપટ્ટુ સહિત આસપાસના જિલ્લાઓને 27થી 30 નવેમ્બર સુધી યલ્લો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ અઠવાડિયે તટીય આંધ્ર પ્રદેશ, યનમ, રાયલસીમા, કેરળ, અને માહેમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 27થી 29 નવેમ્બરના રોજ પવનની ઝડપ 55-65 કિમી પ્રતિ કલાકથી 75 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 



સ્પેશિયલ ટીમો તૈનાત
સ્થાનિક હવામાન વિજ્ઞાન કેન્દ્રએ 26થી 28 નવેમ્બર સુધી તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરેલી છે. ત્યારબાદ એનડીઆરએફની ચોથી ટુકડીની 7 ટીમોને તરત તૈનાત કરાઈ. આ ટીમમાં 30 બચાવકર્મી સામેલ છે. તોફાનની અસર 1 અને 2 ડિસેમ્બરે પણ જોવા મળી શકે છે. 


શાળા કોલેજોમાં રજા
27 નવેમ્બરના હવામાનની સ્થિતિ જોતા પુડુચેરી અને કરાઈકલમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ, સરકારી ગ્રાન્ટવાળી શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત નાગપટ્ટિનમ, મયિલાદુથુરાઈ અને તિરુવરુર સહિત અનેક વિસ્તારોમાં શાળાઓ અને કોલેજોમાં રજાની જાહેરાત કરાઈ છે. 


ગુજરાત માટે આગાહી
ગુજરાતની વાત કરીએ તો રાજ્ય હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં તાપમાનમાં એક ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે. અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક થી બે ડિગ્રી તાપમાન ઘટી શકે છે. હાલ પૂર્વીય પવનો ફૂંકાતા હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત છે. 


અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.