બંગાળની ખાડીમાં ભારે હલચલ, આ વિસ્તારોમાંથી પસાર થશે વાવાઝોડું! અનેક રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદની આગાહી
Weather Forecast: બંગાળની ખાડી પર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેનાથી અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. કઈ બાજુ આગળ વધી શકે તે અંગે જાણો લેટેસ્ટ અપડેટ.
ઉત્તર ભારતમાં જ્યાં ધીરે ધીરે ઠંડી દસ્તક આપી રહી છે ત્યાં દક્ષિણ ભારતમાં વરસાદનો સિલસિલો હજુ પણ ચાલુ જોવા મળી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે અને ત્યારબાદ ઠંડી વધી રહી છે. જ્યારે પહાડી વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. બંગાળની ખાડી પર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેનાથી અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગુજરાત માટે પણ હવામાન વિભાગ અને અંબાલાલે શું આગાહી કરેલી છે જાણો લેટેસ્ટ અપડેટ.
બંગાળની ખાડીમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન
બંગાળની ખાડીની દક્ષિણ પશ્ચિમમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જે હવે સમુદ્રની સપાટીથી 3.6 કિમી ઉપર સુધી ફેલાયું છે. તેના પ્રભાવથી બંગાળની ખાડી પર આગામી કેટલાક કલાકોમાં લો પ્રેશર એરિયા બને તેવી શક્યતા છે. આગામી બે દિવસ સુધીમાં તે તમિલનાડુ અને શ્રીલંકાના કાંઠા વિસ્તારો તરફ આગળ વધે તેવા એંધાણ છે. જેનાથી અનેક રાજ્યોમાં તેજ તોફાન સાથે વરસાદ પડી શકે છે.
આ રાજ્યોમાં વરસાદની શક્યતા
ભારતીય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 14 નવેમ્બર સુધી કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પુડુચેરીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયેલું છે. કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનામથિટ્ટા, અલપુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, અને ઈડુક્કી જિલ્લા માટે યલ્લો એલર્ટ અપાયું છે. પુડુચેરીના માહે, યનમ, કરાઈકલમાં પણ વરસાદી એલર્ટ છે. આ ઉપરાંત કર્ણાટકના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે તોફાની હવા અને ખરાબ હવામાન જોતા માછીમારોને કેરળ-લક્ષદ્વીપ તટ પર માછલી પકડવા ન જવાની સલાહ આપી છે. 9-10 અને 11 નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં ભારે વરસાદ પડી શકે છે. 12-13 અને 14 નવેમ્બરે તમિલનાડુ, કેરળ, માહે, પુડુચેરી, કરાઈકલમાં ભારે વરસાદ પડી શકે છે. આ રાજ્યોમાં વરસાદની અસર સમગ્ર દેશમાં જોવા મળી શકે છે.
ગુજરાત માટે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે. ગુરુવારે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ છે. ડીસામાં 39.1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 19.5 તાપમાન નોંધાયું છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં બદલાવ આવ્યો છે. હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે.
અંબાલાલની ડરામણી આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે ઠંડીનો ચમકારો વધારે રહેશે. જેને પગલે ગુજરાતીઓએ આ વખતે વધારે પડતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે કહ્યું કે, 10થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિસ્પ્રેશન બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિસ્પ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે. 18થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે.