Cyrus Mistry Accident: ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન થયું.  તેમના મોતની તપાસ માટે હોંગકોંગથી મર્સિડિઝ બેન્ઝના ઓફિસરોની એક ટીમ મંગળવારે થાણા પહોંચી. આ ટીમ અકસ્માતનો ભોગ  બનેલી મર્સિડિઝ  કારની તપાસ કરશે. આ અકસ્માતમાં મિસ્ત્રી અને તેમના મિત્રનું મોત નિપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાલઘરના એસપી બાલાસાહેબ પાટિલે કહ્યું કે ત્રણ સભ્યોનું એક્સપર્ટ ગ્રુપ હોંગકોંગથી આવ્યું છે. પોલીસ અધિકારીઓની હાજરીમાં આ ગ્રુપ તપાસ કરશે. તેમણે કહ્યું કે દુર્ઘટનાગ્રસ્ત થયેલી કારને થાણામાં મર્સિડિઝ બેન્ઝના યુનિટમાં રાખવામાં આવી છે. અહીં પહોંચીને આ ગ્રુપ તપાસ કરશે અને પછી મર્સિડિઝ બેન્ઝ કંપનીને પોતાનો રિપોર્ટ સોંપશે. 


મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત થયું હતું
ચાર સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સાઈરસ મિસ્ત્રીની લક્ઝરી કાર રોડના ડિવાઈડર સાથે ટકરાઈ હતી જેમાં કારની પાછલી સીટ પર બેઠેલા મિસ્ત્રી (54) અને જહાંગીર પંડોલેનું મોત નિપજ્યું હતું. કાર જાણીતા સ્ત્રીરોગ વિશેષજ્ઞ અનાહિતા પંડોલે (55) ચલાવી રહ્યા હતા અને તેમના પતિ ડેરિયસ પંડોલે (60) તેમની સાથે આગળની સીટ પર બેઠા હતા. અકસ્માતમાં દંપત્તિ ઘાયલ થયું હતું. 


કંપનીએ વચગાળાનો રિપોર્ટ પોલીસને સોંપ્યો
ગત અઠવાડિયે મર્સિડિઝ બેન્ઝે સાઈરસ મિસ્ત્રી દુર્ઘટના મામલે પોતાનો વચગાળાનો રિપોર્ટ પાલઘર પોલીસને સોંપ્યો. જેમાં કહેવાયું છે કે રોડ પર બનેલા ડિવાઈડરથી ટકરાતા પાંચ સેકન્ડ પહેલા ગાડીની બ્રેક મારવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે તે કાર દુર્ઘટનાની તપાસમાં અધિકારીઓની સાથે સહયોગ કરી રહી છે અને માત્ર તેમની સાથે જ પરિણામ શેર કરશે. વચગાળાના રિપોર્ટમાં કહેવાયું છે કે દુર્ઘટનાની થોડી સેકન્ડ પહેલા કારની ગતિ 100 કિમી પ્રતિ કલાક હતી જ્યારે પૂલ પર ડિવાઈડર સાથે કાર ટકરાઈ તે સમયે 89 કિમી પ્રતિ કલાક હતી. પાલઘર પોલીસે કાર નિર્માતા  કંપનીને અનેક પ્રકારના સવાલ પૂછ્યા છે જેમ કે એરબેગ કેમ  ખુલ્યા નહીં? ગાડીમાં શું કોઈ ટેક્નિકલ ખામી હતી? ટાયર પ્રેશર કેટલું હતું? કારનું બ્રેક ફ્લૂઈડ શું હતું? 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube