અમૃતસરની દુર્ઘટનામાં `રાવણ`એ પણ જીવ ગુમાવ્યો, 8 માસની પુત્રી અને પરિવાર મુશ્કેલીમાં
પંજાબના અમૃતસરમાં શુક્રવારે ભીષણ ટ્રેન અકસ્માત સર્જાયો જેમાં 60થી વધુ લોકોના મોત થયા અને 72 જેટલા લોકો ઘાયલ છે.
નવી દિલ્હી: પંજાબના અમૃતસરમાં શુક્રવારે ભીષણ ટ્રેન અકસ્માત સર્જાયો જેમાં 60થી વધુ લોકોના મોત થયા અને 72 જેટલા લોકો ઘાયલ છે. આ ટ્રેન જલંધરથી અમૃતસર આવી રહી હતી ત્યારે જોડા ફાટક પર આ દુર્ઘટના ઘટી. અકસ્માતમાં રામલીલા મેદાનમાં રાવણની ભૂમિકા ભજવનાર યુવકનું પણ ટ્રેનથી કપાઈને મોત થઈ ગયું. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાવણ દહન દરમિયાન રાવણની ભૂમિકા ભજવનાર દલબીર સિંહ પાટા ઉપર જ હાજર હતો.
દલબીર સિંહના મોતથી તેના પરિવાર પર મુશ્કેલી આવી પડી છે. દલબીર સિંહની માતા અને ભાઈને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે તે આ દુનિયામાં નથી. રડી રડીને પત્નીની હાલત ખરાબ થઈ ગઈ છે. દલબીર વર્ષોથી રામલીલા મેદાનમાં રાવણની ભૂમિાક ભજવતો હતો. દલબીરની માતાએ કહ્યું કે મારો પુત્ર હવે આ દુનિયામાં નથી. તેની 8 મહિનાની પુત્રી અને પત્નીનું શું થશે. હું સરકારને અપીલ કરું છું કે તે મારી વહુને નોકરી આપે.
આ ઘટના બાદ પરેશાન થયેલા લોકોએ પોતાના હ્રદયદ્વાવક અનુભવો શેર કર્યાં. એક મહિલાએ કહ્યું કે મેં મારો સગીર પુત્ર ગુમાવી દીધો. મને મારો પુત્ર પાછો આપો. એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે અનેકવાર અમે અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને કહ્યું છે કે આ મુદ્દો રેલવે સામે ઉઠાવે કે દશેરા પર ફાટક પાસે ટ્રેનોની સ્પીડ ઓછી રાખવામાં આવે. પરંતુ કોઈએ અમારી વાત ન સાંભળી. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે ફટાકડાના અવાજના કારણે લોકોને ટ્રેનનો અવાજ સંભળાયો નહીં.
કપડાં અને તસવીરોથી કરાઈ રહી છે ઓળખ
અમૃતસર ટ્રેન અકસ્માતથી આખો દેશ આઘાતમાં છે. મૃતકોની સંખ્યા 61 થઈ ગઈ છે. લોકો પોતાના સગા સંબંધી મિત્રોની શોધમાં રેલવે ટ્રેક પર પહોંચી રહ્યાં છે. કોઈ કપડાં લઈને તો કોઈ તસવીર લઈને પરિવારજનોની શોધ કરી રહ્યાં છે. કોઈના જૂતા મળે છે તો કોઈના કપડાં મળે છે.
પંજાબમાં એક દિવસનો રાજકીય શોક
પંજાબ સરકારે આ ભયાનક રેલ દુર્ઘટનાના પગલે એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહે પોતાનો ઈઝરાયેલ પ્રવાસ રદ કર્યો. સરકારે મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સીએમએ ટ્વિટ કરીને કહ્યું કે 20 ઓક્ટોબરે શોક રહેશે. તમામ ઓફિસો અને શિક્ષણ સંસ્થાનો બંધ રહેશે. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે મને ખબર નથી કે રેલવે સ્ટેશનની બાજુમાં રાવણ દહન કેમ કરાયું?
FIR નોંધાઈ
આ દુર્ઘટના બાદ જીઆરપીના સ્ટેશન અમૃતસરમાં એફઆઈઆર નોંધાઈ છે. જો કે આ એફઆઈઆરમાં કોઈને પણ આરોપી બનાવવામાં આવ્યાં નથી. એફઆઈઆરમાં આઈપીએસની કલમ 304, 304એ, 337 અને 338 હેઠળ કેસ દાખલ કરાયો છે. એફઆઈઆરનો નંબર 169 છે. આ એફઆઈઆર ઘટનાસ્થળની નજીક બનેલી પોલીસ ચોકી ગોલ્ડન એવન્યુના એએસઆઈ સતનામ સિંહના નિવેદનો પર નોંધાઈ છે.