BJPના વધુ એક દલિત સાંસદનો `હલ્લાબોલ`, કહ્યું-`2 એપ્રિલ બાદ અત્યાચાર વધ્યા`
ઉત્તર પ્રદેશમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના દલિત સાંસદની નારાજગી ઓછી થતી જોવા મળતી નથી. વધુ એક દલિત સાંસદે નારાજગી વ્યક્ત કરી છે.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના દલિત સાંસદની નારાજગી ઓછી થતી જોવા મળતી નથી. વધુ એક દલિત સાંસદે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપમાં દલિતોનો મોટો ચહેરો ગણાતા સાંસદ ઉદિત રાજે પણ ખુલીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ સપ્તાહની શરૂઆતમાં ભારત બંધ દરમિયાન હિંસક પ્રદર્શનો થયા અને ત્યારપછી દેશના વિવિધ ભાગોમાં તેમના દલિત સમુદાયના સભ્યોને સતામણી કરવામાં આવી રહી છે.
ઉદિત રાજે એક ટ્વિટમાં કહ્યું કે બે એપ્રિલના રોજ થયેલા આંદોલનમાં ભાગ લેનારા દલિતો પર અત્યાચારના અહેવાલો મળી રહ્યાં છે અને તે રોકાવા જોઈએ. તેમણે કહ્યું કે બે એપ્રિલ બાદ દલિતોને દેશભરમાં સતાવવામાં આવી રહ્યાં છે. બાડમેર, જાલોર, જયપુર, ગ્વાલિયર, મેરઠ, બુલંદશહેર, કરૌલી અને અન્ય સ્થળોએ લોકો સાથે આવો વ્યવહાર થઈ રહ્યો છે. અનામત વિરોધીઓ જ નહીં પરંતુ પોલીસ પણ તેમની પીટાઈ કરી રહી છે. નકલી કેસો ઠોકી રહી છે.
ઉત્તર પશ્ચિમ દિલ્હી બેઠકથી સાંસદ ઉદિત રાજે કહ્યું કે ગ્વાલિયરમાં તેમના તરફથી ચલાવવામાં આવી રહેલા દલિત સંગઠનના એક કાર્યકર્તાને હેરાન કરવામાં આવ્યો. જો કે તેણે કશું જ ખોટુ નહતું કર્યું. ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિ/જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમને કથિત રીતે નબળો બનાવવવા વિરુદ્ધ બે એપ્રિલના રોજ અપાયેલા ભારત બંધ વખતે થયેલી હિંસામાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા હતાં.
ભાજપના અનેક દલિત સાંસદો નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે
દલિત મુદ્દે વિપક્ષ તરફથી આકરા પ્રહારોનો સામનો કરી રહેલ ભાજપ હવે ઉત્તર પ્રદેશમાં અનુસૂચિત જાતિના પોતાના સાંસદોના અસંતોષનો સામનો કરી રહ્યો છે. રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણી પાર્ટી માટે ખુબ મહત્વની ગણવામાં આવી રહી છે. SC/ST કાયદાને લઈને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર દલિતોના હાલના પ્રદર્શન બાદ ખાસ કરીને સાર્વજનિક રીતે પોતાની નારાજગી વ્યક્ત કરનારા દલિત સહિયોગીઓ સાથે ઈટાવા અને નગીનાના લોકસભા સભ્યો અશોકકુમાર દોહરે અને યશવંત સિંહ પણ સામેલ થઈ ગયા હતાં.
MP અશોકકુમાર દોહરેએ પીએમને પત્ર લખ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં દોહરેએ કહ્યું કે દેશભરમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં દલિત અને આદિવાસીઓના વિરોધ પ્રદર્શન બાદ પોલીસ ખોટા કેસોમાં ફસાવી રહી છે. જેના કારણે તેમનામાં અસુરક્ષાની ભાવના વધી રહી છે. તેમણે જણાવ્યું કે તેમણે આ મુદ્દે પીએમ મોદી સાથે વાત કરી અને તેમની પ્રતિક્રિયા સકારાત્મક રહી. તેમણે કહ્યું કે તેઓ મારી ચિંતાઓ પ્રતિ સંવેદનશીલ હતાં.
જો કે વડાપ્રધાનને લખેલા પત્રમાં તો તેમણે આકરી ટીકાઓ કરી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષોમાં દલિતો માટે કશું કરાયું નથી. સમુદાયના તેમના જેવા પ્રતિનિધિઓને પોતાના મતવિસ્તારમાં ચિંતાઓના સમાધાનમાં મુશ્કેલીઓ પડી રહી છે.
રોબર્ટગંજના સાંસદ છોટેલાલ પણ પીએમને લખી ચૂક્યા છે પત્ર
તેમણે કહ્યું કે અનેક ન્યાયિક ચુકાદાઓના કારણે તેમના અધિકારોને ચોટ પહોંચી છે. તેમણે માગણી કરી કે સરકારે ખાનગી સેક્ટરમાં અનામત સહિત સમુદાયના કલ્યાણ માટે કાયદો લાવવો જોઈએ.
આ બે સાંસદો પહેલા રોબર્ટગંજથી લોકસભાના સાંસદ છોટેલાલે મોદીને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ મામલો ઉઠાવવા પર તેમણે ફટકાર લગાવી હતી. ભાજપના આ ત્રણેય દલિત સાંસદોએ પોતાની ચિંતા વ્યક્ત કરવા માટે પીએમ મોદીનો સંપર્ક કર્યો હતો. પરંતુ બહરાઈચના સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ એક રીતે તો પાર્ટી વિરુદ્ધ જ મોરચો ખોલી નાખ્યો. તેમણે ગત મહિને લખનઉમાં બંધારણ બચાવો રેલી કરી જેમાં ભાજપના ઝંડા અને પ્રતિકોનો ઉપયોગ ન કરાયો.
ભાજપે 2014માં ઉત્તર પ્રદેશમાં 80માંથી 71 બેઠકો જીતી હતી. અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત 17 બેઠકો પર શાનદાર જીત મેળવી હતી.
દલિત સાંસદોની નારાજગી વચ્ચે પીએમ મોદી સીએમ યોગીને મળ્યા
ઉત્તર પ્રદેશમાં દલિત સાંસદોની નારાજગી ખુલીને સામે આવ્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યની મુલાકાત કરી. મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું કે આદિત્યનાથે રાજ્યમાં આંબેડકર જયંતીના અવસર પર 14 એપ્રિલના રોજ થનારા કાર્યક્રમના વિષયમાં ચર્ચા કરી. આ ઉપરાંત 14 એપ્રિલથી 5 મે વચ્ચે આયોજિત થનારા કાર્યક્રમો અંગે પણ યોગી આદિત્યનાથે વડાપ્રધાનને જાણકારી આપી.