છત્તીસગઢઃ પ્રથમ તબક્કાના મતદાન પહેલા નક્સલી હુમલો, BSF જવાન શહીદ, કાલે 18 સીટો પર મતદાન
પ્રથમ તબક્કા હેઠળ કાલે બસ્તર ડિવીઝનના સાત જિલ્લા અને રાજનંદગાંવ જિલ્લામાં મતદાન થશે. નક્સલ પ્રભાવિત ક્ષેત્ર હોવાને કારણે સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે.
રાયપુરઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનના એક દિવસ પહેલા નક્સલીઓના લેન્ડમાઇન વિસ્ફોટમાં બીએસએફનો એક જવાન શહીદ થઈ ગયો છે. નક્સલીઓએ અન્ય એક ઘટનાને અંજામ આપ્યો છે. કાંકેરના કોયલીબેડામાં જ્યાં નક્સલીઓએ છ આઈઈડી બ્લાસ્ટ કર્યા છે. ત્યારબાદ થયેલી અથડામણમાં બીએસએફનો એક જવાન શહીદ થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેણે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. તો બીજાપુરમાં સુરક્ષાદળોએ અથડામણમાં એક નક્સલીને ઠાર કર્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, એન્ટી નક્સલ ઓપરેશન દરમિયાન બીજાપુરમાં અથડામણ થઈ હતી. વર્ધીમાં રહેલા નક્સલીનો મૃતદેહ કબજે કર્યો છે. ઘટનાસ્થળેથી રાઇફલ પણ મળી આવી છે.
મહત્વનું છે કે, પ્રથમ તબક્કામાં આવતીકાલે બસ્તર ડિવીઝનના સાત જિલ્લા અને રાજનંદગાંવ જિલ્લામાં મતદાન યોજાશે. નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાને કારણે આકરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે એક લાખ સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યો છે. નક્સલીઓએ મતદાતાઓને ચૂંટણીનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે.
છત્તીસગઢમાં 90 વિધાનસભા સીટ છે. જે માટે પ્રથમ તબક્કામાં આવતીકાલે 18 સીટો પર મતદાન યોજાશે. તો 20 નવેમ્બરે બીજા તબક્કા માટે મતદાન થશે. જે જિલ્લા (બસ્તર, કાંકેર, સુકમા, બીજાપુર, દંતેવાડા, નારાયણપુરા, કોંડાગાંવ અને રાજનંદગાંવ)માં કાલે મતદાન થશે, તે નક્સલી પ્રભાવિત છે.
આઠ નવેમ્બરે પણ નક્સલી હુમલો થયો હતો. દંતેવાડા જિલ્લામાં નક્સલીઓએ એક વાહનને ઉડાવી દીધું હતું, જેમાં સીઆઈએસએફનો એક જવાન શહીદ અને ત્રણ નાગરિકોના મોત થયા હતા.