નવી દિલ્લીઃ એરોસ્પેસ વૈજ્ઞાનિક ઉપરાંત ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ 2002થી 2007 સુધી ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેમણે દેશના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સાથે જ સંરક્ષણ સંશોધન, DRDO અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ISRO સાથે પણ કામ કર્યું છે. ભારતમાં દરેક વ્યક્તિ તેમને મિસાઈલ મેનના નામથી પણ ઓળખે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોખરણ-2માં હતી મહત્વની ભૂમિકાઃ
ડૉ.એપીજે અબ્દુલ કલામે પોખરણ-2માં કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી. જે ભારતને વિશ્વ શક્તિ બનાવવા માટેના સૌથી મહત્વપૂર્ણ પરમાણુ પરીક્ષણોમાંના એક છે. આ સાથે તેમણે સંરક્ષણ ક્ષેત્રને આગળ લઈ જવા માટે ભારતીય બેલેસ્ટિક મિસાઈલ અને લોન્ચ વ્હીકલ ટેકનોલોજી વિકસાવી હતી. એટલું જ નહીં પણ તેમનું પુસ્તક 'વિંગ્સ ઓફ ફાયર' આજે પણ ઘણા યુવાનોને સપનાની ઉડાન સુધી લઈ જાય છે.


83 વર્ષની પ્રેરક જિંદગીઃ
ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમમાં થયો હતો. જ્યારે 27 જુલાઈ 2015ના રોજ IIM શિલોંગમાં પ્રવચન આપતી વખતે હાર્ટ એટેકથી 83 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તેમનું પૂરું નામ ડૉક્ટર અબુલ પાકિર જૈનુલ્લાબ્દીન અબ્દુલ કલામ હતું. પ્રાથમિક શિક્ષણ બાદ તેમણે 1954માં સેન્ટ જોસેફ કૉલેજ તિરુચિરાપલ્લીમાંથી ભૌતિકશાસ્ત્રમાં B.Scની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ 1955માં મદ્રાસમાં ફાઇટર પાઇલટ બનવા એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં દાખલ થયા. પરંતુ તેમાં તેઓ સફળ થયા નહોંતા. તેમ છતા તેમણે દેશ માટે જે કામો કર્યા છે તેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.


કલામને પડકારોનો સામનો કરવો ગમતો હતોઃ
અબ્દુલ કલામે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી એક પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં પ્રોજેક્ટ ઈન્ચાર્જે રોકેટનું મોડલ તૈયાર કરવા માત્ર 3 દિવસ આપ્યા હતા. સાથે કહ્યું હતું કે મોડલ 3 દિવસમાં ના બને તો સ્કોલરશિપ રદ કરવામાં આવશે. ત્યારે અબ્દુલ કલામે રાત દિવસ એક કરીને માત્ર 24 કલાકમાં પોતાનું લક્ષ્ય પુરુ કર્યું હતું. ત્યારે પ્રોજેક્ટ ઈન્ચાર્જને વિશ્વાસ ના આવ્યો કે આટલી જલદી આ રોકેટનું મોડલ તૈયાર થઈ ગયું. આ રીતે ડૉ એપીજે અબ્દુલ કલામે 83 વર્ષના જીવનમાં આવેલા તમામ પડકારોનો સામનો કર્યો છે.