નવી દિલ્હી: દેશમાં એક બાદ એક ભયંકર અગ્નિકાંડ જોવા મળી રહ્યાં છે. 29 ડિસેમ્બરની રાતના મુંબઈના કમલા મિલ્સ કમ્પાઉન્ડની આગની જ્વાળાઓ હજુ ઠંડી પણ નહતી થઈ  ત્યાં દિલ્હીમાં ત્રણ ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગતા 17 લોકોના દર્દનાક મોત થયા. આ લોકોને બચવા માટે ભાગવાની પણ તક મળી નહતી એવું કહેવાય છે. શનિવારે રાતે દિલ્હીના બહારના વિસ્તારમાં બવાના ઔદ્યોગિત ક્ષેત્રમાં એક ફટાકડાના ગોદામમાં ભીષણ આગ લાગી. જેમાં 17 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે. અનેક લોકો લાપત્તા હોવાનું પણ કહેવાય છે. દિલ્હી સરકારે અકસ્માતમાં મૃત્યુ પામેલાના પરિજનોને 5-5 લાખ રૂપિયાની મદદનું એલાન કર્યુ છે. ઘાયલોને 1-1 લાખ રૂપિયાની મદદ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને આ ઘટના પર ઊંડું દુ:ખ વ્યક્ત કર્યુ છે. બીજી બાજુ આ ઘટનાને પગલે અનેક ઘરોમાં માતમ છવાઈ ગયો છે. લોકો જિંદગી અને મોત સામે ઝઝૂમી રહ્યાં છે. ત્યારે નેતાઓ રાજકીય રોટલા સેકવામાં પડ્યાં છે. ઘટના સ્થળ પર પહોંચેલા ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે ઝડપ પણ જોવા મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃતકોમાં 10 મહિલાઓ સામેલ 
પોલીસને મળેલી માહિતી મુજબ આ અગ્નિકાંડમાં 10 મહિલાઓ અને 7 પુરુષોના મોત થયા છે. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કેટલાય લોકો જીવ બચાવવા માટે  પહેલા માળેથી કૂદી પડ્યા હતાં, તેઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે ગોદામના માલિક મનોજ જૈનની ધરપકડ કરવામાં આવી છે. ફેક્ટરી પાસે ફટાકડાનું લાઈસન્સ છે કે નહીં તે વાતની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી સરકારે આ ઘટના માટે તપાસના આદેશ આપ્યાં છે. 


નીચે દારૂગોળો, ઉપર પ્લાસ્ટિકથી ભડકી આગ
પોલીસે જણાવ્યું કે આગ ફટાકડા, પ્લાસ્ટિક અને ઓઈલ ફેક્ટરીઓમાં શનિવારે બપોરે 3.30 વાગ્યે લાગી હતી. આગ એક ફેક્ટરીથી બીજી ફેક્ટરીમાં ફેલાતી ગઈ. આગની સૂચના મળતા જ ફાયરની લગભગ 12 ગાડીઓએ ચાર કલાકની જદ્દોજહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. જાણકારો જણાવે છે કે આ ફેક્ટરી તથા ગોદામમાં 50થી વધુ લોકો કામ કરે છે. ત્રણ ફ્લોર પર કામ ચાલે છે. 


કહેવાય છે કે આ બિલ્ડિંગમાં નીચે ફટાકડા, અને ઉપર રબરની ફેક્ટરી હતી. જેના કારણે આગ ઝડપથી ફેલાઈ અને ઈમારતમાં હાજર લોકોને બચવાની તક સુદ્ધા ન મળી. પહેલા માળ પર 13 અને ગ્રાઉન્ડ ફ્લોર પર ત્રણ તથા બેઝમેન્ટમાંથી એક મૃતદેહ મળ્યા છે. તમામ મૃતદેહો ખુબ ખરાબ હાલતમાં છે. એટલા બળી ગયા છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી. 


મોત પર રાજકારણ
આ ઘટનાની ખબર પડતા જ ઘટના સ્થળે ભાજપના સાંસદ મનોજ તિવારી પોતાના સમર્થકો સાથે પહોંચી ગયા હતાં. થોડીવારમાં જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પહોંચ્યાં. ભાજપ અને આપના કાર્યકર્તાઓ આ મુદ્દે પરસ્પર ભીડી ગયાં. થોડીવારમાં તો બંને પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે ઝડપ થવા લાગી. પોલીસે વચ્ચે પડીને મામલો શાંત કરાવ્યો. નોર્થ દિલ્હીના મેયર પ્રિતિ અગ્રવાલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. તેમણે અકસ્માત અંગે જાણકારી મેળવી હતી.