દિલ્હીઃ LGને મળ્યા બાદ નરમ પડ્યા શાહીન બાગના પ્રદર્શનકારી, છૂટ આપવા તૈયાર
દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ એક મહિના કરતા વધુ સમયથી વિરોધ કરી રહ્યાં છે, જેના કારણે દિલ્હી-નોઇડાનો રસ્તો બંધ છે.
નવી દિલ્હીઃ દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ એક મહિના કરતા વધુ સમયથી વિરોધ કરી રહ્યાં છે, જેના કારણે દિલ્હી-નોઇડાનો રસ્તો બંધ છે. લોકોને ઓફિસ અને બાળકોને સ્કૂલ જવામાં મુશ્કેલી પડી રહી છે. મંગળવારે કેટલાક પ્રદર્શનકારીઓએ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે મુલાકાત કરી અને આ દરમિયાન નિર્ણય લીધો કે સ્કૂલ બસો માટે રસ્તો ખોલવામાં આવશે, જેથી શાળાએ જતા બાળકોને મુશ્કેલી ન થાય.
ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે મુલાકાતમાં એક નવી વાત સામે આવી છે કે શાળાની બસોને તો સુવિધા આપવામાં આવશે પરંતુ વિરોધ પ્રદર્શન ચાલું રહેશે. બેઠકમાં પ્રદર્શનકારીઓએ ઉપરાજ્યપાલને કહ્યું કે, તેમનું પ્રદર્શન આગળ પણ ચાલું રહેશે. સાથે તેમણે જણાવ્યું કે, ઉપરાજ્યપાલે તેમની માગને સકારાત્મક રીતે લીધી છે. પ્રદર્શનકારીઓની માગ છે કે સરકાર વિવાદિત કાયદાને પરત લે.
સરકાર અને પ્રદર્શનકારીઓની આ લડાઈમાં સામાન્ય લોકોએ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને શાળાના બાળકોએ અન્ય કોઈ રસ્તાથી જવું પડે છે. આ વિસ્તારના સામાન્ય લોકો રસ્તો ખોલવા માટે અપીલ પણ કરી ચુક્યા છે. આ મામલો કોર્ટ પણ પહોંચી ગયો છે. કોર્ટે સરકારને કહ્યું કે, સામાન્ય લોકોની સુવિધાને જોતા યોગ્ય પગલા ભરી શકાય છે. પોલીસ પણ રસ્તો ખાલી કરાવવાની અપીલ કરી ચુકી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube