યાત્રીઓએ હવે લાઈનમાં ઊભા રહીને નહીં જોવી પડે રાહ, એરપોર્ટ પર મુસાફરોને મળશે ખાસ સુવિધા
Delhi Airport : શું તમે પણ ફ્લાઈટમાં મુસાફરી કરો છો? પ્લેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. પ્લેનમાં મુસાફરી કરતા મુસાફરોએ હવે નહીં કરવો પડે હાલાકીનો સામનો. દિલ્લી એરપોર્ટ પર શરૂ કરવામાં આવી છે ખાસ સુવિધા.
Delhi Airport : ખુશખબર! દિલ્હી એરપોર્ટ પર સેલ્ફ બેગેજ ડ્રોપની સુવિધા શરૂ, યાત્રીઓને હવે લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) કંપની જે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરે છે, તેણે મુસાફરોની સુવિધા માટે સેલ્ફ બેગેજ ડ્રોપ (SBD) સુવિધા શરૂ કરી છે. જેના કારણે મુસાફરોને લાંબો સમય લાઈનમાં ઉભા ન રહેવાને પગલે સમય પણ બચશે. આ સુવિધા ટર્મિનલ-3 પર શરૂ કરવામાં આવી છે.
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) અનુસાર, સેલ્ફ બેગેજ ડ્રોપનો હેતુ સામાન છોડવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો છે. આ સિવાય મુસાફરો માટે રાહ જોવાનો સમય લગભગ 15-20 મિનિટ ઓછો કરવાનો છે. આ સાથે દિલ્હી એરપોર્ટનો અનુભવ મુસાફરો માટે વધુ સારો બનાવવાનો છે. SBD સુવિધા શરૂ થવાથી, એક મિનિટમાં ત્રણ મુસાફરો આ સેવાનો લાભ લઈ શકશે.
હાલમાં ઘરેલુ મુસાફરો આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. આ પછી, આ સેવા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે પણ પ્રદાન કરવામાં આવશે. ટર્મિનલ-3 પર 12 ઓટોમેટિક અને બે હાઇબ્રિડ સહિત કુલ 14 SBD મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. DILએ માહિતી આપી હતી કે હાલમાં ફક્ત ઈન્ડિગો દ્વારા મુસાફરી કરતા મુસાફરોને જ આ સુવિધાનો લાભ મળશે. આગામી સમયમાં, એર ઇન્ડિયા, વિસ્તારા, એર ફ્રાન્સ, KLM રોયલ ડચ એરલાઇન્સ અને બ્રિટિશ એરવેઝ સહિત અન્ય પાંચ એરલાઇન્સ પણ તેમના મુસાફરો માટે સેલ્ફ-બેગેજ ડ્રોપનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે. હાલ દિલ્લી એરપોર્ટ પર આ સુવિધા લાગૂ કરાઈ છે, આગામી સમયમાં અન્ય એરપોર્ટ પર પણ આવી સુવિધા શરૂ થાય તો નવાઈ નહીં.