દિલ્હીના નવા સીએમ કોણ બનશે? એ સવાલનો જવાબ હવે મળી ગયો છે. અરવિંદ કેજરીવાલે આજે આમ આદમી પાર્ટી વિધાયક દળની બેઠકમાં આતિશીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો અને આતિશીના નામ પર બેઠકમાં મહોર લાગી ગઈ. હવે આતિશા દિલ્હીના નવા સીએમ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના ત્રીજા મહિલા સીએમ
આતિશી દિલ્હીના ત્રીજા મહિલા સીએમ બનશે. તેમના પહેલા ભાજપ તરફથી સુષમા સ્વરાજ અને કોંગ્રેસ તરફથી શીલા દિક્ષીત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 



આતિશી હાલ દિલ્હી સરકારમાં સૌથી વધુ વિભાગ સંભાળે છે. તેઓ અરવિંદ કેજરીવાલા સૌથી નીકટના લોકોમાં ગણાય છે. કેજરીવાલે જ્યારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી ત્યારે એવી અટકળો થઈ રહી હતી કે આતિશી દિલ્હીના નવા સીએમ બની શકે છે. હવે આ અંગે નિર્ણય પણ લેવાઈ ગયો છે. આમ આદમી પાર્ટીની વિધાયક દળની બેઠકમાં આતિશીના નામ પર આગામી સીએમ તરીકે મહોર લાગી ગઈ છે. 


કેજરીવાલ આપશે રાજીનામું
એવું કહેવાય છે કે અરવિંદ કેજરીવાલ આજે સાંજે 4.30 વાગે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને મળશે અને રાજીનામું સોંપશે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ મુખ્યમંત્રી બનવા માટે ઈચ્છુક નહતા. 


આતિશીની રાજકીય કારકિર્દી
આતિશી વર્ષ 2020ની વિધાયસભા ચૂંટણીમાં પહેલીવાર વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા અને 2023માં પહેલીવાર કેજરીવાલ સરકારમાં મંત્રી બન્યા. હવે એક વર્ષ બાદ જ 2024માં તેઓ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. આ અગાઉ તેઓ 2019માં પૂર્વ દિલ્હી લોકસભા સીટથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરથી 4.77 લાખ મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્રીજા નંબરે આવ્યા હતા. 


આતિશી કેજરીવાલના ખુબ નજીકના લોકોમાં ગણાય છે અને તેઓ અન્ના આંદોલન સમયથી સંગઠનમાં સક્રિય છે. કેજરીવાલ જ્યારે જેલમાં ગયા ત્યારથી તેઓ પાર્ટીથી લઈને સરકાર સુધીના મુદ્દે મોરચો સંભાળતા જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી તરીકે જે નામોની ચર્ચા ચાલતી હતી તેમાં કૈલાશ ગેહલોત, ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજના નામ પણ આતિશી સાથે સામેલ હતા.