દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. હવે એકવાર ફરીથી આમ આદમી પાર્ટીના વિધાયકોને ખરીદવાના આરોપોની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચના એસીપી કેજરીવાલને નોટિસ આપવા માટે તેમના ઘરે પહોંચ્યા પરંતુ મુખ્યમંત્રી આવાસ પર હાજર અધિકારીઓ પોલીસની નોટિસ લેવા માટે તૈયાર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યાં મુજબ અરવિંદ કેજરીવાલના ઘરે એસીપી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી છે પરંતુ સીએમ ઓફિસ નોટિસ લેવા માટે તૈયાર નથી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ કેજરીવાલને પર્સનલી નોટિસ આપવા માંગે છે અને તેમની જ રિસિવિંગ ઈચ્છે છે. બીજી બાજુ દિલ્હી સીએમઓના સૂત્રો મુજબ સીએમ ઓફિસ નોટિસ સ્વીકારવા તૈયાર છે પરંતુ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ 'receiving' સીએમ ઓફિસને આપવા તૈયાર નથી. આમ આદમી પાર્ટીનો દાવો છે  કે પોલીસ ફક્ત સીએમની છબી બગાડવા માંગે છે. 



નોંધનીય છે  કે અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપ પાર્ટી તેમના વિધાયકોને ખરીદવાની કોશિશ કરી રહી છે. કેજરીવાલનું કહેવું છે કે 21 વિધાયકોને તોડવાની યોજના છે. આ મામલે સાતનો સંપર્ક પણ કરાયો. 



શુક્રવારે પણ પહોંચી હતી ટીમ
અત્રે જણાવવાનું કે સીએમ કેજરીવાલના ઘરે શુક્રવારે સાંજે પણ નોટિસ લઈને ટીમ પહોંચી હતી. પરંતુ સીએમ આવાસ પર હાજર અધિકારીઓએ નોટિસ લેવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ પોલીસ અધિકારીઓ નોટિસ આપ્યા વગર જ રવાના થઈ ગયા હતા. 


પ્રેસ કોન્ફરન્સ કરીને લગાવ્યા હતા આરોપ
દિલ્હી સરકારમાં PWD મંત્રી આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો હતો કે ભાજપ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફર આપી રહી છે. તેમના ધારાસભ્યોને તોડવાની કોશિશ કરાઈ છે. જો કે ભાજપે આમ આદમી પાર્ટીના આ આરોપોને ફગાવ્યા હતા. સૂત્રોનું માનીએ તો આ મામલે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ આતિશીને પણ નોટિસ મોકલી શકે છે. 


સીએમ કેજરીવાલે પણ ભાજપ પર આકરા પ્રહારો કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક લાંબી લચક પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે ભાજપ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવાની કોશિશ કરે છે. તાજેતરમાં ભાજપે અમારા દિલ્હીના 7 એમએલએનો સંપર્ક કર્યો અને કહ્યું કે થોડા દિવસ બાદ કેજરીવાલની ધરપકડ કરી લઈશું. ત્યારબાદ MLAs ને તોડીશું. 21 વિધાયકો સાથે વાત થઈ છે. બાકી બચેલા વિધાયકો સાથે પણ વાત કરી રહ્યા છીએ. આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે અમારા તમામ ધારાસભ્યોએ ભાજપની ઓફર ફગાવી દીધી છે. 



ભાજપે પોલીસ ફરિયાદ કરી
આતિશી અને કેજરીવાલના આ આરાપો વિરુદ્ધ પ્રદેશ ભાજપ ટીમે 30 જાન્યુઆરીના રોજ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના સીપીની મુલાકાત કરીને  ફરિયાદ દાખલ કરી હતી. ભાજપે આપ ધારાસભ્યોને ભાજપ દ્વારા લાલચ આપવાના કથિત ખોટા આરોપોની એસઆઈટી તપાસ કરાવવાની માંગણી કરી હતી. આ સાથે જ ભાજપ પ્રતિનિધિમંડળે પોતાની ફરિયાદમાં પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ હેઠળ  કેટલાક સંદર્ભ પણ આપ્યા હતા.