સીએમ અરવિંદ કેજરીવાલને રાઉજ એવન્યૂ કોર્ટે 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર મોકલી દીધા છે. જો કે ઈડીએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. તેઓ 28 માર્ચ બપોરે 2 વાગે કોર્ટમાં હાજર થશે. જેનો અર્થ એ છે કે હવે કેજરીવાલની હોળી જેલમાં જ ઉજવાશે. કોર્ટના ચુકાદા પહેલા બંને પક્ષોએ કોર્ટમાં દલીલ રજૂ કરી હતી. કેજરીવાલ તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો હતો. આ સાથે જ એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે જ્યારે ઈડી પાસે બધુ જ છે તો ધરપકડ કેમ કરવામાં આવી છે. બીજી બાજુ દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ગુરૂવારની રાત્રે સવા 9 વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ. દારૂકાંડમાં હાઈકોર્ટના આદેશ બાદ જેવું ઈડીનું એક્શન શરૂ થયું, તો ભારે હંગામો મચી ગયો. આમઆદમી પાર્ટીના નેતાઓ દોડતા થઈ ગયા. અંદર કેજરીવાલની પૂછપરછ થઈ, ઘરની તપાસ કરાઈ અને બે કલાક બાદ ઈડીએ ધરપકડ કરી દીધી. સીએમ કેજરીવાલની રાત ઈડીની ઓફિસમાં પસાર થઈ. અને શુક્રવાર બપોર કોર્ટમાં રજૂ કરાયા. જ્યાં કોર્ટે કેજરીવાલના 6 દિવસના રિમાન્ડ પર મંજૂર કર્યા.. 


કોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ કોર્ટમાં કહ્યું હતું કે, અમારી રિમાન્ડ અરજીમાં એક્સાઈઝ પોલિસી કેસની સંપૂર્ણ પૃષ્ઠભૂમિ સામેલ છે. આ દારૂનીતિ એવી રીતે બનાવાઈ કે,  જેથી લાંચ લઈ શકાય અને લાંચ આપનાર વ્યક્તિને પણ ફાયદો પહોંચાડી શકાય. ઈડીએ કેજરીવાલને સમગ્ર કૌભાંડના કિંગપિંન ગણાવ્યા સાથે જ કહ્યું કે, કેજરીવાલે કેટલાક ખાસ લોકોને ફાયદો કરાવ્યો. ઈડીએ કહ્યું કે, આ કૌભાંડમાં જે રૂપિયા મળ્યા હતા તેનો ઉપયોગ આમઆદમી પાર્ટીએ ગોવા ચૂંટણીમાં કર્યો.. કેજરીવાલ આ દારૂનીતિના નિર્માણમાં સીધી રીતે સામેલ છે. 


ઈડીએ દલીલ કરી કે, મનિષ સિસોદિયાના સેક્રેટરીએ કહ્યું કે, સિસોદિયાએ 2021માં તેમને કેજરીવાલના ઘરે બોલાવાયા હતા. વળી દારૂકાંડમાં ધરપકડ કરાયેલો સૌથી પહેલો આરોપી વિજય નાયર કેજરીવાલ માટે કામ કરતો હતો. તેણે વચેટિયા તરીકે ભૂમિકા નિભાવી હતી. ઈડીના કહેવા પ્રમાણે કેજરીવાલે દક્ષિણના જૂથથી લાંચની માગણી કરી હતી. જેને સાબિત કરવા માટેના પુરતા પુરાવા પણ છે. સાક્ષીઓના નિવેદન મુજબ કેજરીવાલે કે.કવિતા સાથે મુલાકાત કરી અને કહ્યું હતું કે, તેમણે દિલ્હી એક્સાઈઝ પોલિસી પર સાથે મળીને કામ કરવું જોઈએ. 



ઈડીએ કોર્ટમાં કહ્યું કે, બે વાર રૂપિયાની લેવડ-દેવડ થઈ હતી. વિક્રેતાના માધ્યમથી લાંચના રૂપે રોકડા રૂપિયા લેવાયા હતા. જેમા હવાલા માધ્યમે 45 કરોડ રૂપિયા ગોવા મોકલાયા હતા.  જોકે આ દરમિયાન કેજરીવાલના વકીલ અભિષેક મની સિંઘવીએ ઈડીના રિમાન્ડનો વિરોધ કર્યો. તેમણે કોર્ટ સમક્ષ દલીલ કરી કે, દેશમાં પહેલીવાર કોઈ સિટિંગ CMની ધરપકડ થઈ છે. હવે રિમાન્ડ ઓટોમેટિક નથી. PMLAના કાયદાની જોગવાઈ પૂર્ણ કરવી પડશે. તેમણે કહ્યું કે, રિમાન્ડ માટેની શરત છે કે, તેમની પાસે કોઈ ભૌતિક સામગ્રી હોય એટલે કે વિશ્વાસ કરવાનું કારણ હોય અને અંતતઃ તેઓ દોષી હોવા જોઈએ.  


સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે, ધરપકડની જરૂર કેમ છે તે અમને જણાવવું જોઈએ. તમારી પાસે ધરપકડની સત્તા છે એનો અર્થ એવો નથી કે તમે તેનો ઉપયોગ કરો. સિંઘવીએ સમગ્ર રિમાન્ડની અરજીને ધરપકડના ગ્રાઉન્ડ્સની કોપી-પેસ્ટ ગણાવી. તેમણે સવાલ કર્યો કે, જો તમારી પાસે તમામ આધાર પુરાવા છે, તો રિમાન્ડમાં લઈને કેમ પૂછપરછ કરવા માગો છો. કોર્ટમાં વધુ દલીલ કરતા બોલ્યા કે, 80 ટકા લોકો કેજરીવાલનું નામ નથી બોલ્યા. તેમણે એવું નથી કહ્યું કે અમે કેજરીવાલને મળ્યા હતા. સિંઘવીએ સવાલ કર્યો કે, મારા ફરિયાદીની સાથે કામ કરનાર વ્યક્તિ મારી વિરુદ્ધ નિવેદન આપે તો તેને કોર્ટ પુરાવા તરીકે માન્ય ગણશે?


આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન
બીજી તરફ અરવિંદ કેજરીવાલ પર ઈડીનો સકંજો કસાતા આમઆદમી પાર્ટી લાલઘુમ થઈ છે.ગતરાતથી જ આપ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તો સવારે દિલ્હી સહિત અનેક જગ્યાએ આમઆદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું. દિલ્હી, પંજાબ, ગોવા સહિત અલગ અલગ શહેરોમાં આપ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે દિલ્હીમાં ભારે હોબાળાના પગલે પોલીસે પ્રદર્શનકારીઓ પર વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો..જ્યારે કે સૌરભ ભારદ્વાજ, આતિશી સહિતના નેતાઓની અટકાયત કરી હતી.


આપના પ્રહાર, ભાજપે પણ કર્યો પલટવાર
કેજરીવાલ પર ઈડીના એક્શન મુદ્દે ભાજપ અને આમઆદમી પાર્ટી વચ્ચે જુબાની જંગ ચાલી રહી છે. આમઆદમી પાર્ટીએ ઈડીને ભાજપનું હથિયાર ગણાવીને શાબ્દિક પ્રહાર કર્યા. તો ભાજપે પણ પલટવાર કરતા આપને ભ્રષ્ટાચારી પાર્ટી ગણાવી. આમ આદમી પાર્ટી અત્યાર સુધી જે ભયમાં હતી, જે આશંકા વ્યક્ત કરતી હતી, તે ગુરૂવારની રાત્રે સાચી પડી.. 9-9 વાર સમન્સ આપ્યા બાદ પણ હાજર ન થયેલા કેજરીવાલના નિવાસે પહોંચીને ઈડીએ ધરપકડ કરી.જોકે ચૂંટણી પહેલા ઈડીની કાર્યવાહીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.. આમ આદમી પાર્ટીનો દાવો છે કે, લોકો ભાજપને ઓળખી ગયા છે. આ લોકતંત્ર પર એક હુમલો છે.. તો ભાજપ પણ પલટવાર કરી રહ્યું છે. જોકે આ કાર્યવાહીની લોકસભા ચૂંટણી પર કેવી અસર પડે છે તે જોવું મહત્વનું રહેશે. લોકસભા ચૂંટણીમાં આમઆદમી પાર્ટીને ફાયદો થાય છે કે ભારતીય જનતા પાર્ટીને તે આગામી સમય જ બતાવશે.