76 સિક્કા પેટમાં લઈને ફરતા હતા ભાઈ! હાલત જોઈને ડોક્ટરનું પણ ચક્કરાઈ ગયું મગજ
દિલ્લીમાં એક એવી ઘટના બની જેને જોઈને ભલભલા ડોક્ટરો પણ ચોંકી ગયા. એક દર્દીના પેટમાંથી નીકળ્યો સિક્કાનો ઢગલો. એક બે નહીં સિક્કાનો આખો ખજાનો.
નવી દિલ્લીઃ ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેને જોઈને વિશ્વાસ જ ન થાય. આવી જ એક ઘટના દિલ્લીમાં જોવા મળી છે. જેમાં એક વ્યક્તિ પોતાના પેટમાં 76 સિક્કાઓ લઈને ફરતા હતા. ડોક્ટરે કારણ પૂછ્યું તો એવો જવાબ મળ્યો કે, ડોક્ટરનું પણ મગજ ચક્કરાઈ ગયું. દર્દીએ કહ્યુંકે, સિક્કામાં ઝીંક ધાતુ હોય છે અને તેને ગળી જવાથી શરીરમાં ઝીંક ધાતુની કમી પુરી થશે. જેને કારણે શરીર સારું રહેશે. આ વાત સાંભળીને ડોક્ટરો પણ ચોંકી ગયાં.
પેટમાં સામાન્ય દુઃખાવો થાય તો પણ માણસો બૂમો પાડવા લાગે છે. ત્યારે દિલ્લીમાં એક વ્યક્તિ પોતાના પેટમાં 76 સિક્કા લઈને ફરતો હતો. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે આ વ્યક્તિ પોતાની તકલીફ લઈને હોસ્પિટલમાં દાખલ થયો. દર્દીનો રિપોર્ટ કર્યો અને ઓપરેશન કરીને સિક્કા બહાર કાઢ્યા ત્યારે ડોક્ટરો પણ ચોંકી ગયા.
તબીબોના પણ હોશ ઉડી ગયા-
દિલ્હીનો એક 26 વર્ષનો યુવક માનસિક બીમારીથી પીડિત હતો. તેને સતત 20 દિવસથી પેટમાં દુખાવો થતો હતો અને સતત ઉલ્ટીઓ થતી હતી. તેણે લગભગ 20 દિવસથી બરાબર ખાધું ન હતું. જ્યારે તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલની ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ જે જોયું તેનાથી તેઓ ચોંકી ગયા.
દર્દીના સંબંધીઓ તેમની સાથે દર્દીનો એક્સ-રે લાવ્યા હતા. એક્સ-રેમાં દેખાતું હતું કે દર્દીના પેટમાં કંઈક છે. સ્થિતિને યોગ્ય રીતે સમજવા માટે, ડૉ. તરુણ મિત્તલે દર્દીનું સીટી સ્કેન કરાવ્યું, જેમાં જાણવા મળ્યું કે દર્દીના બંને નાના આંતરડામાં ઘણા બધા સિક્કા હતા. આંતરડા એકસાથે ગુંચવાયા હતા. ડૉક્ટર તરત જ દર્દીને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને તાત્કાલિક સર્જરી કરી. નાના આંતરડાના બે છેડા એકબીજા સાથે અટવાઈ ગયા હતા. આંતરડામાં રહેલા ચુંબકને કારણે આવું થયું. નાના આંતરડાના બંને છેડા અલગ કરી પેટ સાથે પાછા જોડવામાં આવ્યા હતા.
માણસ સ્વસ્થ બનવા માંગતો હતોઃ
દર્દીના પેટમાંથી એક, બે અને પાંચ રૂપિયાના 39 સિક્કા મળી આવ્યા હતા. આ સિવાય 37 નાના-મોટા મેગ્નેટ સિક્કા મળી આવ્યા હતા, જે અલગ-અલગ સાઈઝના હતા. કેટલાક ત્રિકોણાકાર, કેટલાક હૃદયના આકારના અને કેટલાક તારાના આકારના. દર્દીએ ડોકટરોને જણાવ્યું કે તે માને છે કે આ ધાતુઓમાં ઝીંક હાજર છે અને જો તે આ સિક્કા ગળી જશે તો તે સ્વસ્થ થઈ જશે અને ઝીંક તેના શરીરમાં પુષ્કળ પ્રમાણમાં પહોંચશે. દર્દીને 7 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. આ પછી તેને રજા આપવામાં આવી અને કાઉન્સેલિંગ દ્વારા સમજાવવામાં આવ્યું કે પેટમાં કોઈ અનિચ્છનીય વસ્તુ ન નાખો કારણ કે તે જીવલેણ સાબિત થઈ શકે છે.