નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે સિંઘુ બોર્ડર પર એક ખેડૂતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જો કે હજુ સુધી આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે મૃતકની ઓળખ જણાવી
પોલીસે જણાવ્યું કે સોનીપતના કુંડલી-સિંઘુ બોર્ડર(Kundli-Singhu Border) પર ફાંસો ખાઈને આત્મહત્યા કરનારા ખેડૂતની ઓળખ પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાના અમરોહ તહસીલના રહીશ ગુરુપ્રીત સિંહ તરીકે થઈ છે. તે ભારતીય કિસાન યુનિયન સિદ્ધપુર  સાથે જોડાયેલો હતો. 


આત્મહત્યા અને હત્યા એંગલની તપાસ
ગુરુપ્રીત સિંહના મોતના કારણો અંગે હજુ જાણી શકાયું નથી અને એ પણ સ્પષ્ટ નથી થયું કે તેની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે. આવામાં પોલીસ બંને એંગલથી તપાસ કરી રહી છે અને મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. પોલીસનું કહેવું છે કે રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું અસલ કારણ જાણવા મળશે. 


11 મહિનાથી ચાલુ છે ખેડૂતોનું આંદોલન
દેશના વિભિન્ન હિસ્સામાં ખાસ કરીને પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશના ખેડૂતો છેલ્લા લગભગ એક વર્ષથી દિલ્હીની તમામ સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની માંગણી કરી રહ્યા છે. તેમને ડર છે કે તેનાથી ટેકાના ભાવ (MSP) ને ખતમ કરી દેવાશે અને તેમને મોટા કોર્પોરેટની દયા પર છોડી દેવાશે. જો કે સરકાર ત્રણ કૃષિ કાયદાને પ્રમુખ કૃષિ સુધારા તરીકે રજુ કરી રહી છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 10 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ હજુ સુધી કોઈ સમાધાન નીકળી શક્યું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube