યમુનાનું જળસ્તર ભલે ઓછું થઈ રહ્યું હોય પરંતુ દિલ્હીમાં સૈલાબનું સંકટ હજુ પણ યથાવત છે. યમુના નદી હજુ પણ જોખમના નિશાનથી 3 મીટર ઉપર વહી રહી છે. આવામાં રાજધાનીના અનેક વિસ્તારો હજુ પણ જળબંબાકાર છે. આઈટીઓ પાસે પાણી ભરાઈ ચૂક્યા છે. નદીના કિનારે આવેલા ઝૂપડાથી આગળ વધીને પાણી લાલ કિલ્લા અને રિંગ રોડ સુધી પહોંચી ગયું. જેના પગલે આજે લાલ કિલ્લામાં પર્યટકોના જવા પર રોક લગાવી દેવાઈ. પૂરના જોખમને જોતા દિલ્હીમાં તમામ શાળાઓ 16 જુલાઈ સુધી બંધ કરાઈ છે. પીએમ મોદીએ પણ ફ્રાન્સથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને એલજી વિનય સક્સેના  સાથે ફોન પર વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું કહેવાય છે કે યમુનાના જળસ્તરમાં 17 સેન્ટીમીટરનો ઘટાડો થયો છે જો કે હવામાન ખાતાએ દિલ્હી અને આજુબાજુના વિસ્તારો (જાફરપુર, નજફગઢ, દ્વારકા, પાલમ, આઈજીઆઈ એરપોર્ટ, આયાનગર, ડેરામંડી) અને એનસીઆર (ગુરુગ્રામ), ગોહાના, સોનીપતમાં હળવા વરસાદની શક્યતા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જો આ વિસ્તારોમાં વરસાદ પડ્યો તો દિલ્હીવાસીઓની પરેશાની વધી શકે છે. 


સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યું પાણી
દિલ્હીમાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. આઈટીઓ, રાજઘાટ પાસે પાણી ભરાયા છે. લાલ કિલ્લા પાસે પાણી ભરાયા હોવાના કારણે આજે પર્યટકો માટે બંધ કરાયો છે. દિલ્હીમાં સિવિલ લાઈન્સ, યમુના બજાર, નિગમ બોધ ઘાટ, મોનેસ્ટ્રી માર્કેટ મજનૂ કા ટીલા, વઝીરાબાદ, ગીતા કોલોની, શાહદરા પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. સરકારી ઓફિસોમાં પણ વર્ક ફ્રોમ હોમ અને પ્રાઈવેટ ઓફિસો માટે પણ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. પૂરનું પાણી સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી ગયું છે. પાણી જો વધુ વધે તો સુપ્રીમ કોર્ટ પરિસરની અંદર પણ ઘૂસી શકે છે. જે રસ્તે સુપ્રીમ કોર્ટના જજ અવરજવર કરે છે તેના પર પાણી ભરાયેલા છે. 


દિલ્હીમાં વિકટ થઈ રહેલી સ્થિતિ પર લોકનિર્માણ વિભાગ (PWD) મંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હીવાળા માટે સારા સમાચાર એ છે કે પાણીનું લેવલ વધી રહ્યું નથી. હવે ધીમી ગતિથી પાણી ઘટવાનું શરૂ  થયું છે. પાણીનું  લેવલ નીચું જવામાં હજુ એક દિવસ લાગશે. તમામ નાળાઓ ભરાઈ ગયા છે. જેના બેક ફ્લોના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. હાલ પંપિંગ શક્ય નથી. અમે દિલ્હીવાસીઓને અપીલ કરીશું કે જેણે ઘરેથી બહાર નીકળવાની જરૂર ન હોય તેઓ ઘરમાં જ રહે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube