એક સમયે સોનિયા ગાંધીની `સામે પડનારા` પૂર્વ NCP નેતા હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા
એનસીપીના પૂર્વ નેતા તારિક અનવરે દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને પાર્ટીમાં જોડાઈ ગયાં.
નવી દિલ્હી: એનસીપીના પૂર્વ નેતા તારિક અનવરે દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને પાર્ટીમાં જોડાઈ ગયાં. કટિહારથી સાંસદ અનવરે હાલમાં જ પાર્ટી પ્રમુખ શરદ પવાર સાથે મતભેદોના પગલે એનસીપીમાંથી રાજીનામું આપ્યું હતું. અત્રે જણાવવાનું કે તારિક અનવર (67)ને 1999માં શરદ પવાર અને પી એ સંગમા સાથે સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવવા બદલ કોંગ્રેસમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. હવે તેઓ ફરીથી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
હકીકતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સંસ્થાપક નેતાઓમાંથી એક અને કટિહારથી સાંસદ તારિક અનવરે ગત મહિને પાર્ટી અને લોકસભામાંથી રાજીનામું આપી દીધુ હતું. તારિકે કહ્યું હતું કે તેમણે પાર્ટી પ્રમુખ શરદ પવાર દ્વારા રાફેલ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ આપવાના નિવેદન સાથે અસહમત હોવાના કારણે આ પગલું ભર્યું.
તેમણે કહ્યું હતું કે હું એનસીપી અને લોકસભાની સદસ્યતામાંથી રાજીનામું આપુ છું. કારણ કે રાફેલ ડીલમાં મોદીને સમર્થન આપનારા શરદ પવારના નિવેદન સાથે હું સંપૂર્ણ રીતે અસહમત છું. ઉલ્લેખનીય છે કે શરદ પવારે એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને નથી લાગતું કે લોકો અંગત રીતે આ મામલે મોદીના સામેલ હોવા અંગે વિચારે છે, જેના પર પાર્ટીના મહાસચિવ અનવરે કહ્યું હતું કે વડાપ્રધાન સંપૂર્ણ રીતે રાફેલ ડીલમાં સામેલ છે.
અનવરના રાજીનામા બાદ લોકસભામાં એનસીપીના સાંસદોની સંખ્યા ઘટીને છ થઈ ગઈ છે. રાજ્યસભાના એકવાર અને લોકસભાના અનેકવાર સભ્ય રહી ચૂકેલા અનવરે કહ્યું હતું કે તેઓ કોઈ પણ પાર્ટીમાં સામેલ થતા પહેલા પોતાના સમર્થકો સાથે વાતચીત કરશે. તેમના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા એનસીપીના મહાસચિવ પ્રફુલ્લ પટેલે તેમના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો.