નાના પુત્રનો ગુલામ હતો બુરાડીનો ભાટિયા પરિવાર, શું એના ઇશારે 11 લોકોએ મોત વ્હાલું કર્યું?
દિલ્હીના બુરાડીમાં 11 લોકોના સામુહિક મોત કેસમાં રજીસ્ટરમાં લખાયું છે કે, સમગ્ર પરિવારમાં લલિતના કહેવાથી જ બધુ થતું હતું, એ જેવું કહેતો એવું પરિવાર કરતો હતો.
નવી દિલ્હી : ચાર દિવસ પહેલા દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક ઘરમાં 11 લાશ મળી આવવા મામલે ક્રાઇમ બ્રાન્ચના રજીસ્ટરથી એક મોટો ખુલાસો થયો છે. રજીસ્ટરમાં લખાયું છે કે સમગ્ર પરિવારમાં લલિતનું જાણે રાજ હતું. એ જેવું કહેતો એવું જ સમગ્ર પરિવાર કરતો હતો. મૃતક લલિતએ રજીસ્ટરમાં નોટ્સ વખી હતી કે, અંતિમ સમયે આખરી ઇચ્છા પૂર્તિના સમયે આસમાન હલશે, ધરતી કાંપવા લાગશે, એ સમયે તમારે ડરવાનું નથી. મંત્રોનો જાપ વધારી દેજો, હું આવીને તમને ઉતારી લઇશ અને અન્યોને પણ મદદ કરીશ.
રજીસ્ટરમાં લખાઇ છે આ વાતો...
બહુચર્ચિત આ કિસ્સામાં તપાસ કરી રહેલી પોલીસે ઘરની તલાશી લેતાં ચાર રજીસ્ટર મળ્યા અને 50થી 60 પેજ મળ્યા છે. જેના પર હાથથી લખાણ લખાયું છે. જેમાં એક રજીસ્ટરમાં લખ્યું છે કે શુક્રવારની રાતે કે રવિવારની રાતે 12 વાગ્ય બાદ હવન પૂજા અર્ચન કરવાની છે. જો પૂજા પાઠ ક્રિયા દરમિયાન ઘરમાં કોઇ આવી જાય તો એ ક્રિયા આગળના દિવસે કરવાની રહેશે. ફરી પૂજા પાઠ યજ્ઞ અને મોક્ષ ક્રિયા કરવાની છે.
જ્યારે તમે મોક્ષ પ્રાપિત માટે હવન કરશો તો એ પછી તમે કાનમાં રૂ, મોં અને આંખ પર કપડું બાંધવાનું છે. જેથી તમે એકબીજાને જોઇ ન શકો અને ચીસ સાંભળી ન શકો. અંતિમ સમયે છેલ્લી ઇચ્છા પૂર્તિના સમયે આસમાન હલશે, ધરતી કાંપવા લાગશે એ સમયે ડરવાનું નથી. મંત્રોનો જાપ વધારી દેશો. જ્યારે તમે ગળામાં ફાંસો લગાવી ક્રિયા કરશો તો હું તમને સાક્ષાત દર્શન આપીશ અને હું આવીને તમને બચાવી લઇશ. તમારે જે આત્મા છે એ આ 11 પાઇપ દ્વારા બહાર નીકળશે અને ફરી આ પાઇપ દ્વારા પરત આવશે ત્યારે તમને મોક્ષ મળશે.
એક રજીસ્ટરમાં ઘરમાં રહેલ વૃધ્ધા અંગે લખાયું છે. જે શરીરે ભારે છે અને વૃધ્ધ છે જે લટકી શકે એમ નથી તો એમને બેડરૂમમાં મુક્તિ આપી દો. બધા રજીસ્ટર સામે આવ્યા બાદ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, લલિત ઘરનો એ છોકરો છે કે જેના શરીરમાં પિતાજીની આત્મા આવતી હતી. એના પિતાએ સપનામાં એને જે વાત કરી હતી એ એણે રજીસ્ટરમાં લખી છે અને બાકીના 10 સભ્યોને પણ એવું કરવા કહ્યું હતું. પોલીસનું કહેવું છે કે રજીસ્ટરમાં લખેલી વાતોને આધારે જ પરિવારના સભ્યોએ ગળે ફાંસો લગાવ્યો હતો.