નવી દિલ્હી: હેરાલ્ડ હાઉસ ખાલી કરાવવાના મામલે સિંગલ બેન્ચના ચુકાદા વિરુદ્ધ એસોસિએટ જનરલ લિમિટેડ (એજેએલ)ની અપીલને દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પણ ફગાવી છે. દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ બેન્ચના ચુકાદા પર આજે થપ્પો મારી દીધો છે. હવે એસોસિએટ જનરલ લિમિટેડે હેરાલ્ડ હાઉસ ખાલી કરવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

19 ફેબ્રુઆરીના રોજ ચુકાદો અનામત
19 ફેબ્રુઆરીના રોજ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને નેશનલ હેરાલ્ડ અખબારના પ્રકાશક એસોસિએટ જનરલ લિમિટેડના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીની દલીલો સાંભળ્યા બાદ આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટે બંને વરિષ્ઠ વકીલોને પણ પોત પોતાના લેખિત જવાબ ત્રણ દિવસની અંદર કોર્ટમાં દાખલ કરવાનો સમય આપ્યો હતો. 


કોર્ટમાં ક્યારે શું થયું?
એજેએલએ હેરાલ્ડ હાઉસ ખાલી કરવા માટેના ગત વર્ષના 21 ડિસેમ્બરે સિંગલ બેન્ચે આપેલા ચુકાદાને ડબલ બેન્ચ સામે પડકાર્યો હતો. અનેક દિવસોની સુનાવણી બાદ બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. એજેએલએ કોર્ટમાં પોતાના બચાવમાં કહ્યું હતું કે હેરાલ્ડ હાઉસને ખાલી કરાવવાનો ચુકાદો સંપૂર્ણ રીતે રાજકીય છે અને કેન્દ્ર સરકારે મનમાની રીતે લીઝને રદ કરવાનો નિર્ણય લીધો છે. 


શું છે મામલો?
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પટિયાલા હાઉસ કોર્ટમાં નેશનલ હેરાલ્ડ મામલે ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ, સોનિયા ગાંધી અને અન્ય પર આરોપ લગાવ્યાં હતાં કે તેમણે કાવતરું ઘડીને માત્ર 50 લાખ રૂપિયા ચૂકવી ફ્રોડ આચર્યું. જેના દ્વારા યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે 90.25 કરોડ રૂપિયાની તે રકમ વસૂલવાનો અધિકાર મેળવ્યો. જે એસોસિએટ જરનલ લિમિટેડે કોંગ્રેસને આપવાની હતી. આ મામલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિસ, સુમન દુબે, સામ પિત્રોડા અને યંગ ઈન્ડિયા કંપની આરોપી છે. હાલ તમામ આરોપીઓ જામીન પર છે. આ મામલે ફરિયાદીઓના નિવેદન નોંધાઈ ગયા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...