મિર્ચપુર દલિત કાંડમાં દિલ્હી HCનો ચુકાદો, 20 લોકોને ઉમરકેદની સજા
દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે એક મહત્વનો ચુકાદો આપ્યો. વર્ષ 2010માં હરિયાણાના મિર્ચપુરમાં દલિતો પર થયેલા હુમલા અને બે ડઝનથી વધુ દલિતોના ઘર બાળી મૂકવાના આરોપમાં 20 લોકોને ઉમરકેદની સજા સંભળાવી છે.
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે એક મહત્વનો ચુકાદો આપ્યો. વર્ષ 2010માં હરિયાણાના મિર્ચપુરમાં દલિતો પર થયેલા હુમલા અને બે ડઝનથી વધુ દલિતોના ઘર બાળી મૂકવાના આરોપમાં 20 લોકોને ઉમરકેદની સજા સંભળાવી છે. દિલ્હી હાઈકોર્ટે આ તમામને એસસી/એસટી એક્ટ હેઠળ સજા સંભળાવી છે. આ અગાઉ દિલ્હીની નીચલી કોર્ટે 3 લોકોને ઉમરકેદની સજા સંભળાવી હતી. જેમાંથી 17 અન્ય લોકોને શુક્રવારે દિલ્હી હાઈકોર્ટે દોષિત ઠેરવતા ઉમરકેદની સજા સંભળાવી.
વાત જાણે એમ છે કે આ ઘટના 8 વર્ષ જૂની છે. જ્યારે એપ્રિલ 2010માં હરિયાણાના મિર્ચપુર ગામમાં 70 વર્ષના દલિત વૃદ્ધ અને તેમની પુત્રીને જીવતા બાળી મૂકવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ગામના દલિતોએ પલાયન કર્યુ હતું. કોર્ટે કહ્યું કે આ ઘટનાથી દલિતોના 254 પરિવારોના જીવન પ્રભાવિત થયા. તેમણે પોતાના ગામ મિર્ચપુર છોડીને પલાયન કરવું પડ્યું.
હાઈકોર્ટે કહ્યું કે આઝાદીના 70 વર્ષ બાદ પણ દલિતોની સાથે આ પ્રકારની ઘટના ખુબ શરમજનક કહેવાય. દલિતો વિરુદ્ધ હજુ પણ અત્યાચાર ઓછા થયા નથી. આ સાથે જ કોર્ટે હરિયાણા સરકારને કહ્યું કે તે પીડિત પરિવારોનું રિહેબિલિટેશન કરે.