દિલ્હીઃ વિદેશ મંત્રાલયે પાક.ના નાયબ હાઈકમિશનર સૈયદ હૈદર શાહને બોલાવ્યા
ભારતીય સેનાએ પુલવામા હુમલાનો બદલો લેતા મંગળવારે પીઓકેમાં ઘુસીને આતંકવાદી ઠેકાણાનો સફાયો કર્યો હતો, જેના જવાબમાં બુધવારે પાકિસ્તાનના ફાઈટર વિમાનોએ હવાઈ સીમાનું ઉલ્લંઘન કરીને ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો હતો, આ ઉપરાંત પાકિસ્તાને એક ભારતીય પાઈલટને પકડી લીધાનો પણ દાવો કર્યો છે
નવી દિલ્હીઃ ભારતીય સેનાની કાર્યવાહીથી હચમચી ગયેલા પાકિસ્તાને બુધવારે સવારે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સૈનિક ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ ભારતીય વાયુસેનાએ વળતો જવાબ આપતાં પાકિસ્તાનના એક યુદ્ધ વિમાન F-16ને તોડી પાડ્યું હતું. આ જ ક્રમમાં મોડી સાંજે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના નાયબ હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને તાત્કાલિક બોલાવ્યા હતા.
પાકિસ્તાનના નાયબ હાઈ કમિશનર સાયદ હૈદર શાહ વિદેશ મંત્રાલય પહોંચી ગયા છે. એવું કહેવાય છે કે, પાકિસ્તાન પર દબાણની રાણનીતિના ભાગરૂપે નાયબ હાઈ કમિશનરને સાઉથ બ્લોક ખાતે બોલાવાયા છે.
ભારતીય સેનાએ પુલવામા હુમલાનો બદલો લેતા ગઈકાલે મંગળવારે વહેલી પરોઢે 3.30 કલાકે ભારતના 12 મીરાજ વિમાન પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી ગયા હતા અને 1000 કિલો જેટલા બોમ્બની વર્ષા કરી હતી. ભારતીય ફાઈટર જેટ માત્ર 21 મિનિટમાં જ તેમનું કામ પુરું કરીને ભારતીય સરહદની અંદર પાછા આવી ગયા હતા. આ 21 મિનિટમાં ભારતીય ફાઈટર વિમાનોએ POKની એલઓસી પર આવેલા બાલાકોટ, ચાકોઠી અને મુઝફ્ફરાબાદમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી શિબીરોમાં તબાહી મચાવી દીધી હતી. આ હુમલામાં 200થી 300 આતંકીનાં મોત થયાના અને અનેક આતંકવાદી ઠેકાણા તથા લોન્ચપેડનો સફાયો કરાયો હતો.
ગભરાયેલા પાક. પીએમ ઈમરાન ખાને કહ્યું, "અમે દરેક મુદ્દે વાટાઘાટો કરવા તૈયાર"
પાકિસ્તાને આ હુમલાના જવાબમાં બુધવારે ભારતમાં હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય વાયુસેનાએ તેના આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.ભારતીય વાયુસેનાએ નૌશેરા સેક્ટરના લામ ઘાટીમાં પાકિસ્તાની F-16નું એક વિમાનને તોડી પાડ્યું છે. તોડી પાડ્યા બાદ આ વિમાન પીઓકેના વિસ્તારમાં જઇ પડ્યું હતું. તે વિમાનમાંથી પેરાશૂટથી એક પાયલોટને ઉતરતા પણ જોવા મળ્યો હતો, આ કાર્યવાહીમાં ભારતની મીગ-21 પણ તુટી પડ્યું હતું પાકિસ્તાન તરફથી ભારતીય પાઈલટને પોતાના કબ્જામાં લેવાનો દાવો કરાયો છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પાકિસ્તાન તરફથી વહેલી સવારે કરવામાં આવેલા વળતા પ્રહાર અંગે માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, જૈશ-એ-મોહમ્મદ ભારતમાં વધુ હુમલા કરવાની તૈયારીમાં છે એવી ગુપ્તચર તંત્ર દ્વારા મળેલી માહિતી બાદ ભારત સરકારે મંગળવારે વહેલી પરોઢે પાકિસ્તાનની સરહદમાં પ્રવેશીને હવાઈ હુમલો કર્યો હતો અને જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓનો સફાયો કર્યો હતો.
ભારતીય સીમામાં ઘુસી આવેલા પાકિસ્તાની વિમાનને ભારતે તોડી પાડ્યું: વિદેશ મંત્રાલય
તેમણે વધુમાં જણાવ્યું કે, "ભારત દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ ગભરાઈ ગયેલા પાકિસ્તાનની વાયુસેનાના વિમાનો આજે એટલે કે બુધવારે સવારે જમ્મુ-કાશ્મીરની સરહદમાં પ્રવેશ્યા હતા. ભારતની વાયુસેના આ વળતા હુમલા માટે તૈયાર હોવાને કારણે તેણે આ હુમલાનો તરત જ જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનનું એક F-16 વિમાન તોડી પાડ્યું હતું. આ જવાબી કાર્યવાહીમાં ભારતને પણ તેનું એક મીગ-21 ગુમાવાનો વારો આવ્યો હતો."
રવિશ કુમારે જણાવ્યું કે, "ભારતના તુટી પડેલા મીગ-21 વિમાનનો પાઈલટ ગાયબ છે. પાકિસ્તાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે આ પાઈલટ તેમના કબ્જામાં છે. જોકે, ભારત સરકાર આ બાબતની વધુ તપાસ કરી રહી છે અને વિગતો મેળવી રહી છે. જ્યારે વધુ વિગતો પ્રાપ્ત થશે ત્યારે મીડિયાને વધુ માહિતી આપવામાં આવશે."