જામિયાનગર હિંસા: તમામ મેટ્રો સ્ટેશન ખૂલ્યા મુકાયા, સેવાઓ શરૂ
નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં જામિયા મિલિયા ઇસ્લામિક યૂનિવર્સિટીમાં રવિવારે થયેલી હિંસા બાદ બંધ કરવામાં આવેલા દિલ્હીના 15 મેટ્રો સ્ટેશનને સોમવારથી શરૂ કરી દેવામાં આવ્યા છે. તમામ સ્ટેશનો પર સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં જામિયા મિલિયા ઇસ્લામિક યૂનિવર્સિટીમાં રવિવારે થયેલી હિંસા બાદ બંધ કરવામાં આવેલા દિલ્હીના 15 મેટ્રો સ્ટેશનને સોમવારથી શરૂ કરી દેવામાં આવ્યા છે. તમામ સ્ટેશનો પર સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદા ( Citizenship Amendment Act) ને લઈને દિલ્હી (Delhi) માં રવિવારે હિંસક પ્રદર્શન કરનારા ઉપદ્રવીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકારે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ બાજુ જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓના પક્ષમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ના વિદ્યાર્થીઓ પણ દિલ્હી પોલીસ મુખ્યમથકની બહાર ધરણા પ્રદર્શન માટે પહોંચી ગયા હતા.
પોલીસફોર્સે જામિયાનગરમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શનકારીઓને શાંત કરવાની કોશિશ કરી હતી. હિંસા બાદ પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લાવવાની કોશિશ કરી હતી. પાંચ કલાકના ગતિરોધ બાદ પોલીસે પ્રદર્શનકારીઓને કહ્યું કે તમને કોઈ કશું કહેશે નહીં. તમે તમારા ઘરોમાં જાઓ, અમે તમારી સાથે વાતચીત કરીશું.
કેમ્પસમાં પોલીસ ઘૂસીના આરોપ
જામિયા મિલ્લિયા યુનિવર્સિટીના ચીફ પ્રોક્ટર વસીમ અહેમદ ખાને પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. ખાને કહ્યું કે પોલીસ જબરદસ્તીથી કેમ્પસમાં ઘૂસી ગઈ અને તેમની પાસેથી મંજૂરી લેવાઈ નહતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પોલીસે યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને માર્યા તથા તેમને કેમ્પસમાંથી બહાર કાઢી મૂક્યાં.
પોલીસે આરોપો ફગાવ્યાં
જો કે દિલ્હીમાં સાઉથ ઈસ્ટના ડીસીપી ચિન્મય વિસ્વાલે થોડીવાર પહેલા જ ઝી ન્યૂઝને કહ્યું હતું કે પોલીસે જામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે કોઈ ગેરવર્તણૂંક કરી નથી. પ્રદર્શનકારીઓ યુનિવર્સિટીમાં ઘૂસી ગયા હતાં, તેમને કાઢવા માટે પોલીસ યુનિવર્સિટીમાં ગઈ હતી.
કોઈ ફાયરિંગ થયું નથી-દિલ્હી પોલીસ
દિલ્હી સાઉથ ઈસ્ટના ડીસીપી ચિન્મય વિસ્વલનું કહેવું છે કે દિલ્હી પોલીસે કોઈ ફાયરિંગ કર્યું નથી. પોલીસ જામીયા યુનિવર્સિટીની અંદર પણ ગઈ નથી. સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આ અગાઉ દિલ્હીમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ હિંસક પ્રદર્શન થયા. દિલ્હીના જામિયા નગર, ન્યૂ ફ્રન્ડ્ઝ કોલોની, મથુરા રોડ, ભરત નગરમાં આગચંપી થઈ. વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ 3 બસો બાળી મૂકી. શાહીનબાગમાં પણ કાયદા વિરુદ્ધ હિંસા થઈ. ટીયર ગેસના સેલ છોડાયા. હિંસક પ્રદર્શનમાં 28 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
અફવાઓ પર ધ્યાન ન આપવું
દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી એમએસ રંધાવાએ કહ્યું કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે. હું દિલ્હીના લોકોને કહેવા માંગુ છું કે અફવાઓ પર ધ્યાન ન આપો. દિલ્હી પોલીસ સ્થિતિ પર નજર રાખી રહી છે. અમે જલદી અસામાજિક તત્વોની ઓળખ કરીશું અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું. પોલીસકર્મીઓની અપીલ બાદ વિદ્યાર્થીઓને ભીડમાંથી નીકળીને યુનિવર્સિટી તરફ જતા જોવા મળ્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube