નવી દિલ્હી: રોહિણી કોર્ટ બ્લાસ્ટ કેસમાં પોલીસે દિલ્હીના એક વૈજ્ઞાનિકની ધરપકડ કરી છે. પોલીસના મતે ઝડપાયેલા સાઈન્ટિસ્ટે જ રોહિણી કોર્ટ નંબર 102માં બોમ્બ રાખ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના મતે, આરોપીનો એક વકીલ સાથે કેસ ચાલી રહ્યો હતો, જેમાં તે તેને મારવા માંગતો હતો. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની તપાસ દરમિયાન આરોપી સાઈન્ટિસ્ટ વિરુદ્ધ ઘણા સાક્ષી મળ્યા, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં આ મામલો સામે આવ્યો છે કે કેસમાં સાઈન્ટિસ્ટ એકલો જ સામેલ હતો. તમને જણાવી દઈએ કે રોહિણી કોર્ટમાં 9 ડિસેમ્બરે બ્લાસ્ટ થયો હતો, ત્યારબાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને એનએસજી આ કેસની તપાસમાં જોડાયેલી હતી.


જોકે, પોલીસ આરોપીની પુછપરછ કરવામાં લાગેલી છે અને તેની સાથે જોડાયેલી જાણકારીઓ બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. કયા વકીલનો આરોપી સાથે કેસ ચાલી રહ્યો હતો, તે મુદ્દે પણ પુછપરછ ચાલું છે.


કોર્ટમાં લગાવેલ 40 સીસીટીવી કેમેરા તપાસ્યા
બ્લાસ્ટની તપાસ કરી રહેલી ટીમે કોર્ટમાં લાગેલા અંદાજિત 40થી વધુ સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ્યા હતા. તેના સિવાય સ્પેશિયલ સેલે રોહિણી પરિસર અને તેની આસપાસના મોબાઈલ ટાવરમાંથી ડેટા ભેગો કર્યો હતો. જે વખતે વિસ્ફોટ થયો તે સમયે લગભગ એક કિલોમીટરના અંતરમાં એક્ટિવ મોબાઈલ નંબરોને ઉંડાણપૂર્વક તપાસવામાં આવી રહ્યા છે. આ નંબરોને ફિલ્ટર કરી પોલીસ શંકાસ્પદોના નંબર સુધી પહોંચવાની કોશિશ કરી રહી હતી.


સૂત્રોના મતે, કોર્ટમાં જે બ્લાસ્ટ થયો તે ઈમ્પ્રોવાઈજ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) હતું. IEDને સ્ટીલના ટિફીનમાં એક જૂના કાળા બેંગમાં રાખવામાં આવ્યો હતો. IED યોગ્ય રીતે એસેમ્બલ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે બ્લાસ્ટ ઓછી તીવ્રતાનો હતો. વિસ્ફોટ પછી પોલીસ ટીમને સ્થળ પરથી લોખંડની ખીલીઓ, છરા અને મોટરસાઇકલમાં વપરાયેલી બેટરી, કાચના ટુકડા અને વાયરો પણ મળ્યા હતા. સ્થળ પર સફેદ પાવડરનો મોટો જથ્થો વિખરાયેલો હતો. તે એમોનિયમ નાઈટ્રેટ જેવું દેખાતું હતું. તપાસ માટે સ્થળ પર પહોંચેલી NSG અને ફોરેન્સિક ટીમે સફેદ પાવડરના નમૂનાને તપાસ માટે મોકલ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube