નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રેલી દરમિયાન થયેલી હિંસા મુદ્દે ભાજપના અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છે. તેમણે પોતાની રેલીમાં થેયલી હિંસા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવ્યા હતા. આ સાથે જ તેમણે પત્રકારો સમક્ષ પુરાવા તરીકે ત્રણ ફોટા પણ રજૂ કર્યા હતા. સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, બંધ રૂમમાં રહેલી વિદ્યાસાગરજીની પ્રતિમાને ભાજપ કેવી રીતે તોડી શકે છે? આ સાથે જ તેમણે ચૂંટણી પંચ પર પણ બેવડું ધોરણ અપનાવાનો આરોપ લગાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાનું મતદાન બાકી છે અને તેનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા કોલકાતામાં તેમના ઉમેદવારના સમર્થનમાં મંગળવારે એક રોડ શોનું આયોજન કરાયું હતું. આ રોડ શો દરમિયાન ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે આવી ગયા હતા અને તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો. આથી એબીવીપી અને ટીએમસી વિદ્યાર્થી પરિષદ વચ્ચે મારામારી અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. ઘટનાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. અનેક વાહોનોમાં તોડફોડ અને આગ લગાડવાની ઘટનાઓ થઈ હતી. તોફાનને કાબુમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. 


લોકશાહીનું ગળું દબાવાઈ રહ્યું છે
પશ્ચિમ બંગાળમાં લોકશાહીનું ગળું દબાવાઈ રહ્યું છે. ગઈકાલે ભાજપનો રોડ શો હતો. રોડ શોના ત્રણ કલાક પહેલા જ ભાજપ દ્વારા જે પોસ્ટર-બેનર્સ લગાવાયા હતા, તેને દૂર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એક હુમલો નથી કરાયો, પરંતુ ત્રણ હુમલા થયા હતા. કોલકાતામાં સવારથી જ આ પ્રકારના હુમલાની અફવા હતા. પોલીસે કોઈને રોકવાનો પ્રયાસ કર્યો નથી. પથ્થરમારો કરનારા લોકો યુનિવર્સિટીની અંદરથી કરતા હતા.


મમતાએ કહ્યું- સારૂ છે કે હજુ મને ગુસ્સો નથી આવ્યો...


સદનસીબે હું બચ્યો છું
અમિત શાહે જણાવ્યું કે, CRPFના કારણે મારો બચાવ થયો છે. જો સીઆરપીએફ ન હોત તો હું આજે અહીં જીવતો બચ્યો ન હોત. મારા સદનસીબે જ હું અહીં બચ્યો છું.


રાષ્ટ્રપતિ શાસનની જરૂર નથી
અમિત શાહે એક સવાલના જવાબમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કોઈ જરૂર નથી. 23 મેના રોજ જનતા જ અહીં મમતા દાદીનું શાસન સમાપ્ત કરી દેશે. 


દેશના એક પણ રાજ્યમાં હિંસા કેમ નહીં
અમિત શાહે જણાવ્યું કે, દેશભરમાં છેલ્લા 6 તબક્કા પર તમે નજર દોડાવો. એક પણ રાજ્યમાં હિંસાની ઘટના જોવા મળી નથી. દેશમાં ભાજપ શાસિત રાજ્યો હોય કે પછી અન્ય પાર્ટીઓ દ્વારા શાસિત રાજ્ય હોય ત્યાં શા માટે ચૂંટણી દરમિયાન હિંસા જોવા નથી મળી. માત્ર ને માત્ર પશ્ચિમ બંગાળમાં જ શા માટે દરેક તબક્કામાં હિંસા જોવા મળી છે? ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળમાં ટીએમસીની તરફેણમાં કામ કરતું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 


હિંસક ઘટનાઓ પછી ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પર આ હિંસાને વખોડી કાઢવામાં આવી હતી. આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "પરાજયના ભયથી મમતાએ હિંસા કરાવી છે. મમતાએ આ હિંસાની કિંમત ચૂકવવી પડશે. રોડ શોમાં મમતાએ શાંતિનો ભંગ કર્યો. ષડયંત્ર વગર હુમલો થઈ શકે નહીં. મમતા પરાજયના ભયથી હતાશ થઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે આંખ-કાન બંધ કરી લીધા છે. હિસ્ટ્રીશીટર ખુલ્લેઆમ ફરી રહ્યા છે."


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...