સિસોદિયાનો જનતાને ખુલ્લો પત્ર: 20 સીટ પર પેટાચૂંટણી થોપી BJPએ વિકાસનાં કામ અટકાવ્યા
ધારાસભ્યો સ્વખર્ચે દિલ્હીની સેવા કરી રહ્યા હતા તેને ચૂંટણી પંચે કંઇ પણ સાંભળ્યા વગર હટાવી દીધા
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીનાં 20 ધારાસભ્યોને બર્ખાસ્ત કરવાનાં મુદ્દે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ જનતાનાં નામે ખુલ્લો પત્ર લખ્યો છે. સિસોદીયાએ ટ્વીટર પર આ પત્રને શેર કરતા સવાલ કર્યો કે શું પસંદગી પામેલા ધારાસભ્યોને આ પ્રકારે બિનસંવૈધાનિક અને બિનકાયદેસર રીતે બર્ખાસ્ત કરવામાં આવે તે યોગ્ય છે ? શું દિલ્હીને આ પ્રકારે અધવચ્ચે ચૂંટણીમાં ધકેલવું યોગ્ય છે ?
સિસોદિયાએ પત્રમાં લખ્યું કે, આજે આ ખુલ્લા પત્રનાં માધ્યમથી તમારી સાથે સીધી વાત કરવા માંગુ છું. મન દુખી છે. પરંતુ નિરાશ નથી કારણ કે મને તમારા પર ભરોસો છે. પત્રમાં સિસોદિયાએ લખ્યું કે, જે 20 ધારાસભ્યોને લાભનાં પદ પર ગણાવીને અયોગ્ય ઠેરવવામાં આવ્યા તેમને અલગ અલગ કામ આપવામાં આવ્યા હતા. જેનાં બદલામાં તે ધારાસભ્યો ન તો સરકારી ગાડી, ન તો સેલેરી કે ન તો કોઇ સરકારી સવલત લેતા હતા. આ ધારાસભ્યો પોતાનાં ખર્ચે કામ કરી રહ્યા હતા. આ ધારાસભ્યોમાં દેશ સેવાનું જનુન હતું, કારણ કે તેઓ આંદોલનમાંથી આવ્યા હતા.
સિસોદિયાએ આરોપ લગાવ્યો કે, આ 20 ધારાસભ્યોએ પોતાનો પક્ષ મુકવાની તક આપવામાં આવી નહી. તેમણે લખ્યું કે, આપનાં આ ધારાસભ્યોને ચૂંટણી પંચને કહ્યું હતું કે, તેઓ સાબિત કરે કે તેઓ લાભનાં પદ પર નથી, પરંતુ કોઇ સુનવણી અને પક્ષ સાંભળ્યા વગર જ તેમને હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી.