શુજાત બુખારીની ત્રણેય હત્યારોની થઈ ઓળખ, એક હત્યારો પાકિસ્તાનીઃ સૂત્ર
જમ્મૂ-કાશ્મીરઃ કાશ્મીરના દિગ્ગજ પ્રત્રકાર શુજાત બુખારીની હત્યાની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની વાત સામે આવી છે. શુજાત બુખારીના હત્યારાઓની ઓળખ કરી લેવામાં આવી છે, જેમાંથી એક હત્યારો પાકિસ્તાની છે, જેનું નામ નાવીદ જટ્ટ છે.
જમ્મૂ-કાશ્મીર પોલીસ પ્રમાણે બુખારીની હત્યામાં સામલે નાવીદ જટ્ટ પાકિસ્તાની છે. આ હત્યારો ખૂંખાર આતંકી સંગઠન લશ્કર-એ-તોય્યબા સાથે જોડાયેલો છે. આ સિવાય બાકીના બંન્ને હત્યારા દક્ષિણ કાશ્મીરના રહે છે તેવું જાણવા મળ્યું છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારી પ્રમાણે શુજાત બુખારી હત્યાકાંડ કેસને ઉકેલી લેવામાં આવ્યો છે. તમામ હત્યારાની ઓળખ કરી લેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, બુખારીની હત્યામાં સામેલ આતંકી નાવીદ જટ્ટ પાકિસ્તાની છે. તે આ વર્ષે 6 ફેબ્રુઆરીએ શ્રીનગરની એક હોસ્પિટલમાંથી પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે શુજાત બુખારીની હત્યાની યોજના બનાવીને અંજામ આપવામાં આવ્યો. હત્યા પહેલા રેકી કરવામાં આવી હતી. જમ્મૂ-કાશ્મીર પોલીસ જલદી પત્રકાર પરિષદ કરીને હત્યાના ષડયંત્રનો ખુલાસો કરશે.
આ પહેલા પોલીસે એક સ્થાનિક નાગરિકની ધરપકડ કરી હતી, જે બુખારીના ગાર્ડની પિસ્તોલ અને પત્રકારના બે મોબાઇલ ફોન લઈને ફરાર થઈ ગયો હતો. સૂત્રો પ્રમાણે તેને નશા કરવાની આદત છે. મામલામાં પોલીસે એક બ્લોગરની પણ ઓળખ કરી છે, જેણે બુખારી વિરુદ્ધ પોસ્ટ કરી હતી. સૂત્રોનું માનીએ તો બ્લોગર એક કાશ્મીરી છે અને તે હાલમાં પાકિસ્તાનમાં છે અને ત્યાંથી બ્લોગ ચલાવી રહ્યો છે.
મહત્વનું છે કે, 14 જૂને જમ્મૂ-કાશ્મીરના શ્રીનગરમાં શુજાત બુખારી અને તેના સુરક્ષા કર્મિઓની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે તેઓ પ્રેસ કોલોની સ્થિત પોતાની ઓફિસથી એક ઇફ્તાર પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યાં હતા, ત્યારે હુમલાખોરોએ તેમના પર ગોળીઓનો વરસાદ કર્યો હતો.
હત્યારાઓ બાઇક પર સવાર થઈને આવ્યા હતા, જેને ફુટેજ સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગયા હતા. તેમાં તેના ચહેરા યોગ્ય રીતે દેખાતા નતા, કારણ કે હુમલાખોરોએ હેલમેટ પહેર્યા હતા.
કાશ્મીરમાં પત્રકાર શુજાત બુખારી અને સેનાના જવાન ઔરંગઝેબની હત્યાને લઈને આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારબાદ જમ્મૂ-કાશ્મીરની મહબૂબા મુફ્તી સરકારમાંથી ભાજપે પોતાનું સમર્થન પરત લેતા સરકાર પડી ગઈ હતી. ત્યારબાદ જમ્મૂ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ છે.