નવી દિલ્લીઃ કહેવાય છેકે, દશેરાના દિવસે ભગવાન રામે રાવણનો વધ કરીને અસત્ય પર સત્યની જીતનો સંદેશો આપ્યો હતો. ત્યાર બાદ જ્યારે ભગવાન રામ પોતાની નગરીમાં પરત આવે છે. 14 વર્ષનો વનવાસ પુરો કરીને ત્યારે અયોધ્યા નગરી સહિત સમગ્ર ભારત વર્ષમાં દીપ પ્રગટાવીને ઉજવણી કરવામાં આવે છે. ત્યારથી જ દિવાળીની ઉજવણીની શરૂઆત થઈ હતી. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે પીએમ મોદી આજે સાંજે અયોધ્યામાં યોજાનાર દીપોત્સવની ઉજવણીમાં સામેલ થશે. દીપોત્સવ 2022 નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અયોધ્યા આગમનને લઈને અત્યંત ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. DGP મુખ્યાલયે અયોધ્યાની આસપાસના જિલ્લાઓમાં સંપૂર્ણ તકેદારી રાખવા ઉપરાંત શકમંદો પર કડક નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર ફરતા સંદેશાઓ પર નજર રાખવા માટે સોશિયલ મીડિયા સેલ પણ સક્રિય કરવામાં આવી છે. વડાપ્રધાનના આગમન પહેલા અયોધ્યામાં પોલીસ ફોર્સ ઉપરાંત 10 કંપની PAC અને 5 કંપની CRPF પણ તૈયાર કરવામાં આવી છે. ADG કાયદો અને વ્યવસ્થાનું કહેવું છે કે વરિષ્ઠ અધિકારીઓ પોતે સુરક્ષાની તમામ વ્યવસ્થા જોઈ રહ્યા છે. અયોધ્યાની આસપાસના જિલ્લાઓને પણ સંપૂર્ણ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. બહારગામથી આવતા વાહનોનું અસરકારક ચેકિંગ કરવા સાથે ગમે ત્યાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની સઘન પૂછપરછ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.


સુરક્ષા એજન્સીઓ સતર્કઃ
ભૂતકાળમાં, પીએફઆઈ (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી, તેની સાથે સંકળાયેલા સક્રિય સભ્યો દ્વારા રાજ્યમાં વિક્ષેપની સંભાવનાને લઈને ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની ટીમોને અલગ-અલગ સ્થળોએ સક્રિય કરી દેવામાં આવી છે. આ સિવાય અયોધ્યા અને તેની આસપાસના જિલ્લાઓમાં પણ ગુપ્તચર એકમો સક્રિય કરવામાં આવ્યા છે.


પીએમ મોદી કરશે રામ લલ્લાના દર્શન અને આરતીઃ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 4:40 કલાકે સાકેત કોલેજ કેમ્પસમાં બનેલા હેલિપેડ પર ઉતરશે. આ પછી તેઓ લગભગ પાંચ વાગે રામજન્મભૂમિ પરિસર પહોંચશે. અહીં રામ લલ્લાની પૂજા કર્યા બાદ તેઓ મંદિર નિર્માણની પ્રગતિથી વાકેફ થશે.


પીએમ મોદીનો અયોધ્યાનો કાર્યક્રમઃ
આજના સમગ્ર કાર્યક્રમ પર નજર કરીએ તો પીએમ રામ લલ્લાના દરબારમાં દીપ પ્રગટાવશે, ત્યારબાદ પીએમ અહીંથી સાંજે 5:40 વાગ્યે રામકથા પાર્ક પહોંચશે અને ભગવાન રામના રાજ્યાભિષેક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાં લગભગ 30 મિનિટ વિતાવ્યા પછી, તેમનો દસ મિનિટનો સમય અનામત રાખવામાં આવશે, ત્યારબાદ તેઓ લગભગ 6.20 વાગ્યે નયાઘાટ પહોંચશે અને સરયુ આરતી કરશે. સાંજે 6.30 વાગ્યાથી પીએમ રામ કી પૌડી ખાતે આયોજિત દીપોત્સવમાં હાજર રહેશે, જ્યાં તેઓ 40 મિનિટથી વધુ સમય વિતાવશે. પીએમની હાજરીમાં આતશબાજી સાથે દીપોત્સવ કરાશે. ત્યાં લગભગ 15 મિનિટ સુધી ફટાકડા ફોડવામાં આવશે. આ પછી તેઓ રાત્રે 8 વાગ્યે લખનૌ જવા રવાના થશે. રામજન્મભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગર્ભગૃહમાં રામ લલ્લાની પૂજા કરશે અને રામ લલ્લાની સામે દીપ પ્રગટાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube