AB PM-JAY: 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને સરકારે આપી દિવાળી ભેટ, 5 લાખ સુધીની મફત સારવારનો મળશે લાભ
હવે 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરવાળા તમામ વડીલોની પ્રમુખ સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્યમાન ભારત હેઠળ મફત સારવાર થઈ શકશે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આ મોટા પગલાંની શરૂઆત નવમાં આયુર્વેદ દિવસ અને હિન્દુ ચિકિત્સાના દેવતા ધન્વંતરીની જયંતીના અવસરે કરાઈ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે આયુષ્યમાન યોજનાના નવા તબક્કા આયુષ્યમાન ભારત "નિરામયમ (જેને રોગ ન હોય)"ની શરૂઆત કરી છે. પીએમ મોદીએ દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA)માં આયોજિત એક કાર્યક્રમમાં લગભગ 12,850 કરોડ રૂપિયાની વિકાસ કાર્યોનો શુભારંભ કર્યો. હવે 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરવાળા તમામ વડીલોની પ્રમુખ સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્યમાન ભારત હેઠળ મફત સારવાર થઈ શકશે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આ મોટા પગલાંની શરૂઆત નવમાં આયુર્વેદ દિવસ અને હિન્દુ ચિકિત્સાના દેવતા ધન્વંતરીની જયંતીના અવસરે કરાઈ.
દર વર્ષે મળશે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ વડીલ નાગરિકોને હેલ્થ કવરેજ મળશે. આ સુવિધા કોઈ પણ આવક વર્ગના વૃદ્ધોને મળી શકશે. દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. આ સિવાય જે પરિવાર પહેલેથી આયુષ્યમાન યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે તેમના પરિવારના વરિષ્ઠ નાગરિકોને અલગથી વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનો સારવારનો લાભ મળી શકશે. તેનાથી દેશના લગભગ 4.5 કરોડ પરિવારોના 6 કરોડથી વધુ વડીલોને લાભ મળશે. અત્યાર સુધી આ યોજનામાં ઓછી આવક વર્ગના પરિવારોને સામેલ કરાતા હતા. જ્યારે વડીલો માટે શરૂ કરાયેલી આ યોજનામાં હવે કોઈ આવક મર્યાદા નહીં રહે.
કેવી રીતે મળશે વિનામૂલ્યે સારવાર
આ યોજના હેઠળ વડીલોને વિશેષ આયુષ્યમાન કાર્ડ ઉપલબ્ધ કરાશે. જે ફેમિલી આયુષ્યમાન કાર્ડથી અલગ હશે. આ સ્પેશિયલ કાર્ડ 29 ઓક્ટોબરથી મળવાના શરૂ થઈ ગયા છે. પીએમ મોદીએ દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન અનેક વડીલોને કાર્ડ સોંપ્યા. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સહિત અનેક અન્ય મંત્રી અને ઓફિસર હાજર હતા. આ આયુષ્યમાન કાર્ડ BIS પોર્ટલ/આયુષ્યમાન એપના માધ્યમથી બની શકશે અને તેના માટે વડીલ વ્યક્તિએ પોતાના આધાર કાર્ડ અપડેટ અને KYC પણ કરાવવું પડશે. જે વૃદ્ધ નાગરિકોના પ્રાઈવેટ હેલ્થ ઈન્શ્યુરન્સ છે તેમની પાસે પ્રાઈવેટ અને આયુષ્યમાન ભારત યોજના એમ બંને ઈન્શ્યુરન્સમાંથી એક પસંદ કરવાનો વિકલ્પ રહેશે.
અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ ભારતના પહેલા અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનના બીજા તબક્કાનું પણ ઉદ્ધાટન કર્યું. જેમાં એક પંચકર્મ હોસ્પિટલ, દવાઓ બનાવનારી એક આયુર્વેદ ફાર્મસી, એક સ્પોર્ટ્સ મેડિસિન યુનિટ, એક સેન્ટ્રલ લાઈબ્રેરી, એક આઈટી અને સ્ટાર્ટઅપ ઈન્ક્યુબેશન સેન્ટર તથા 500 સીટવાળું એક ઓડિટોરિયમ સામેલ છે. સેવા વધારવા અને સ્વાસ્થ્ય સેવાને વધુ સુલભ કરવા માટે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ થશે. પીએમ મોદીએ 11 તૃતીયક સ્વાસ્થ્ય સંસ્થાનોમાં ડ્રોન સેવાનું શુભારંભ કર્યો.