રામનગરીમાં દિવાળી જેવી રોનક, પ્રાણ પ્રતિષ્ઠા માટેનાં અનુષ્ઠાનનો આરંભ, જાણો કેવો છે અયોધ્યાનો માહોલ
અયોધ્યાવાસીઓ બે મહિનાના ગાળામાં જ બીજી વખત દિવાળી ઉજવી રહ્યા છે... રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે તેમને આ તક પૂરી પાડી છે...અયોધ્યાનો કોઈ એવો વિસ્તાર બાકી નહીં હોય, જ્યાં શણગાર કરવામાં ન આવ્યો હોય..
હિનેત વિઠલાણી, અયોધ્યાઃ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યાની રોનકમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના રસ્તા અને જાહેર જગ્યો પર દિવાળી જેવી સજાવટ કરવામાં આવી છે. લોકોમાં અનેરો ઉત્સાહ છે. દરેક વ્યક્તિ પોતાની રીતે યોગદાન આપી રહી છે. કેવો છે, રામનગરીનો માહોલ, જોઈએ આ અહેવાલમાં..
મુખ્ય રસ્તા પર જ્યાં લાઈટિંગ અને ડિઝાઈન સાથેના પિલ્લર ઉભા કરવામાં આવ્યા છે. ત્યાં રસ્તાને રંગોળીથી સજાવવામાં આવી રહ્યા છે. શહેરની સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી છે. મંગળવારથી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લગતાં અનુષ્ઠાન શરૂ થઈ ગયા છે, આ સાથે જ 22મીના કાર્યક્રમનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે, જેને જોતાં શહેરની સજાવટનું કામ પણ તેજીમાં છે.
અવધ વિશ્વ વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ રામનગરીના તમામ રસ્તાને રંગોળીથી સજાવી રહી છે..આ રંગોળીની ખાસિયત એ છે કે તે કાયમી રંગોળી છે, તેને તૈયાર કરવા માટે પાક્કા રંગનો ઉપયોગ થઈ રહ્યો છે. અયોધ્યામાં હવે દેશવિદેશના શ્રદ્ધાળુઓનો ધસારો કાયમી બાબત બની રહેશે, આ જ કારણ છે કે રંગોળી પણ કાયમી તૈયાર થઈ રહી છે.
આ પણ વાંચોઃ 1967 માં જ નક્કી થઈ ગયું હતું રામ મંદિરની સ્થાપના થવાનું વર્ષ! વાયરલ થઈ ડાક ટિકિટ
આ દ્રશ્યો અયોધ્યાના પ્રખ્યાત લતા મંગેશકર ચોકના છે, જ્યાં રેતશિલ્પકારોએ સતત 25 કલાક સુધી કામ કરીને ભગવાન શ્રી રામ અને રામમંદિરના રેતશિલ્પ તૈયાર કર્યા છે. આ સુંદર દ્રશ્યોને જોવા માટે સ્થાનિક યુવા કલાકારો પહોંચી રહ્યા છે...સંગીતના માધ્યમથી તેઓ માહોલને જીવંત બનાવી રહ્યા છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાએ યુવાનોને પોતાની આર્ટનું પ્રદર્શન કરવાની મોટી તક પૂરી પાડી છે...વેપારના મોરચે પણ સ્થાનિકો ખુશ છે.
અયોધ્યામાં પાનની દુકાનો તો ઘણી છે, પણ પાનની આ જે દુકાન તમે જોઈ રહ્યા છો, તે ખાસ છે, કેમ કે આ જ દુકાનમાં તૈયાર કરવામાં આવેલા પાનનો ભગવાન રામને ભોગ ધરાવાય છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પણ રામલલાને પૂરા 551 પાન અર્પણ કરવામાં આવશે, જેમાંથી 151 ભોગમાં રહેશે, જ્યારે બાકીના 400 પાન પ્રસાદ તરીકે લોકોમાં વહેંચવામાં આવશે.
આ તમામ તૈયારીઓને જોતાં અંદાજ માંડી શકાય છે કે 22મીના રોજ રામનગરીનો માહોલ કેવો હશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ દર્શનાર્થીઓના સતત ધસારાથી અયોધ્યાનગરીમાં હવે દિવાળીનો માહોલ કાયમી થવા જઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube