DMK પ્રમુખ એમ. કરૂણાનિધિનું લાંબી બિમારી બાદ નિધન, આજે ચેન્નઈમાં થશે અંતિમ સંસ્કાર
દક્ષિણની રાજનીતિના પિતામહ અને 5 વખત મુખ્યપ્રધાન રહેલા ડીએમકેના સુપ્રીમો કરૂણાનિધિ હવે આ દુનિયામાં રહ્યાં નથી. સાહિત્ય, સિનેમા અને રાજનીતિમાં શાનદાર સફળતા હાસિલ કરનારા કરૂણાનિધિ પોતાના નિધનના થોડાદિવસો પહેલા સુધી રાજનીતિમાં સક્રિય રહ્યાં.
ચેન્નઈઃ ડીએમકે અધ્યક્ષ એમ. કરૂણાનિધિનું મંગળવારે સાંજે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં નિધન થયું. ઘણા દિવસથી તેમની સ્થિતિ નાજુક હતી. હોસ્પિટલે બુલેટિન જારી કરીને તેમના નિધનની પુષ્ટિ કરી છે. કરૂણાનિધિના મોતના સમાચાર મળતા જ તમિલનાડુમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સાંજે 6.10 કલાકે 94 વર્ષીય કરૂણાનિધિએ અંતિમ શ્વાસ લીધા. કરૂણાનિધિ જતા જ તમિલનાડુની રાજનીતિના એક મોટા યુગનો અંત આવી ગયો છે. તેઓ છેલ્લા 11 દિવસથી કાવેરી હોસ્પિટલમાં દાખલ હતા. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત દેશના તમામ રાજકીય પક્ષો અને નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જવાથી દેશની રાજનીતિ માટે એક ક્ષતિ ગણાવી છે.
દ્રમુક નેતાની સ્થિતિ 28 જુલાઈએ બ્લડ પ્રેશર ઓછુ થવાથી બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ હોસ્પિટલમાં હતા.
કરૂણાનિધિનું પાર્થિવ શરીર અહીં કાવેરી હોસ્પિટલથી તેમના ગૃહ નગર ગોપાલાપુરમ લાવવામાં આવ્યું છે. ત્યારબાદ તેમનું પાર્થિવ શરીર લોકોના દર્શન માટે રાજાજી હોલમાં રાખવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર બુધવારે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ બુધવારે તેમના અંતિમ દર્શન માટે ચેન્નઈ જશે.
બહુમુખી પ્રતિભાના ધની એમ કરૂણાનિધિ તમિલ ભાષા પર સારી પકડ રાખતા હતા. તેમણે ઘણા પુસ્તકો, ઉપન્યાસ, નાટકો અને તમિલ ફિલ્મોના સંવાદ લખ્યા. તમિલ સિનેમાથી રાજનીતિમાં પગ મુકનાર કરૂણાનિધિ આશરે 6 દાયકાના પોતાના રાજકીય જીવનમાં ક્યારેય પણ ચૂંટણી નથી હાર્યા. કરૂણાનિધિના સમર્થકો તેમને પ્રમેથી કલાઈનાર એટલે કે કલાના વિદ્વાન કહેતા હતા.
કાવેરી હોસ્પિટલમાં દાખલ કરૂણાનિધિની તબીયત સોમવારે વધુ ખરાબ થઈ. મંગળવારે સાંજે જારી પોતાના નિવેદનમાં કાવેરી હોસ્પિટલે કહ્યું, છેલ્લા કલાકોમાં એમ કરૂણાનિધિની સ્થિતિ નાજુક છે. મેડિકલ સપોર્ટ બાદ પણ તેમના અંગોની કામ કરવાની ગતિ ધીમી થતી જતી હતી. તેમની સ્થિતિ ખૂબ નાજુક અને અસ્થિર બનેલી છે. મોડી સાંજે હોસ્પિટલે કરૂણાનિધિના નિધનની જાહેરાત કરી. હોસ્પિટલે જણાવ્યું કે, સાંજે 6.10 કલાકે તેમનું નિધન થયું.
કરૂણાનિધિની હતી હેલ્ધી લાઇફ સ્ટાઇલ
ડોક્ટરોનું કહેવું છે કે, કરૂણાનિધિની એક સ્વસ્થ જીવન શૈલી હતી. તેઓ સવારે વહેલા ઉઠતા હતા અને યોગ કરતા હતા. તેઓ ખૂબ ચાલતા હતા અને સામાન્ય ભોજન કરતા હતા. વર્ષ 2016માં તેમને ઘણીવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પીઠ અને પગમાં દુખાવાને કારણે વર્ષ 2009માં તેમની સર્જરી થઈ હતી. ડિસેમ્બર 2016માં તેમની શ્વાસનળીનું ઓપરેશન થયું જેથી તેઓ શ્વાસ લઈ શકે.
તેમના પેટની અંદર એક ટ્યૂબ પણ નાખવામાં આવી જેથી પોષક ખાદ્ય પદાર્થ અને દવાઓ સીધા તેમના પેટમાં નાખી શકાય. છેલ્લા એક વર્ષથી તેઓ ઘરની બહાર ઓછા નીકળતા અને લોકો સાથે તેમનું મળવાનું ઓછુ થઈ ગયું હતું. તેમની ટ્યૂબ બદલવા માટે 19 જુલાઇએ તેમને કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સાંજે તેમને રજા આપી દેવામાં આવી હતી.
શોકમાં ડૂબ્યા કલઈનારના પ્રશંસર
કરૂણાનિધિને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ હજારોની સંખ્યામાં ડીએમકેના કાર્યકર્તા પોતાના પ્રિય નેતા માટે દુવાઓ માંગતા હતા. તેમને આશા હતી કે કલાઈનાર મોતને માત આપીને ફરી એકવાર તેમની વચ્ચે હશે. હાથોમાં કરૂણાનિધિનો ફોટો લઈને રોઈ-રોઈને પ્રશંસકો દુવા માંગતા હતા.