ભારતે આ એક ગામના બદલામાં પાકિસ્તાનને આપ્યા હતા પોતાના 12 ગામડા...ખાસ જાણો તેની પાછળનું કારણ
ભારત અને પાકિસ્તાન વચ્ચે આઝાદી બાદથી જ વાતાવરણ તણાવભર્યું રહ્યું છે. કાશ્મીર મુદ્દે બંને દેશો વચ્ચે વિવાદ આઝાદી બાદ શરૂ થઈ ગયો. પરંતુ આમ છતાં એક આમ એવું છે કે જેના બદલે ભારતે પોતાના 12 ગામ પાકિસ્તાનને આપી દીધા. આખરે ભારતે આ એક ગામ બદલે પોતાના 12 ગામ કેમ આપી દીધા હશે? આ પ્રશ્ન જો તમારા મનમાં હોય તો તમે પણ આજે જાણી લેજો.
ભારતમાં 23 માર્ચનો દિવસ શહીદ દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે સ્વતંત્રતાના દીવાના એવા ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને ખાસ યાદ કરવામાં આવે છે. જેમણે 23 માર્ચ 1931ના દિવસે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આ એ જ તારીખ છે જ્યારે બ્રિટિશ સરકારે આ ત્રણેય વીરોને ફાંસીની સજા આપી હતી. ભારતમાં હંમેશા આ શહીદોનું સન્માન કરવામાં આવે છે. પંજાબ રાજ્યનું હુસૈનીવાલા ગામ એ વાતનું જીવંત ઉદાહરણ છે.
હુસૈનીવાલા ગામ એ ભારત પાકિસ્તાનની સરહદે ફિરોઝપુર શહેરનો ભાગ છે જે 1962 સુધી પાકિસ્તાનનો ભાગ હતું. 1962માં બંને દેશો વચ્ચે સમજૂતિ થઈ જેમાં ભારત સરકારે હુસૈનીવાલા ગામ મેળવવા માટે પોતાના 12 ગામનું બલિદાન આપ્યું અને તે પાકિસ્તાનને આપ્યા. જાણો આ ગામની ખાસિયત શું છે.
હુસૈનીવાલા ગામની ખાસિયત
બ્રિટિશ હકૂમતે હિન્દુસ્તાનને વર્ષોવર્ષ લૂંટ્યા જ કર્યું. ભારતમાંથી જતા જતા પણ તે હિન્દુસ્તાનના બે ટુકડાં કરીને ગઈ. આ રીતે 1947માં અલગ દેશ પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યો. આ વિભાજનમાં હુસૈનીવાલા ગામ પાકિસ્તાનના ફાળે ગયું જેનું મહત્વ ભારત માટે વધુ હતું. કારણ કે આ એ જ જગ્યા છે જ્યાં ભારતના ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવની સમાધિ છે. વર્ષ 1968માં હુસૈનીવાલા રાષ્ટ્રીય શહીદ સ્મારકની સ્થાપના થઈ.
ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુએ અંગ્રેજ શાસન વિરુદ્ધ અવાજ બુલંદ કરતા સેન્ટ્રલ અસેમ્લીમાં બોમ્બ ફેંક્યો હતો. ત્યારબાદ તેમની ધરપકડ થઈ અને ફાંસીની સજા થઈ. જો કે અંગ્રેજોને લોકોના આક્રોશનો ડર હતો એટલે નિર્ધારિત તારીખના એક દિવસ પહેલા જ 23 માર્ચના રોજ ત્રણેયને લાહોર જેલમાં ફાંસીએ ચડાવી દીધા. લોકોથી છૂપાવીને રાતના સમયે જેલની દિવાલ તોડીને મૃતદેહોને શહેરથી 45 કિમી દૂર હુસૈનીવાલા ગામ લઈ જવામાં આવ્યા. જ્યાં સતલજ નદી પાસે કોઈ પણ રિતી રિવાજ વગર તેમને બાળી મૂકાયા અને તેમના અવશેષોને નદીમાં જ ફેંકી દેવાયા હતા.
જ્યાં સુધી હુસૈનીવાલા ગામ પાડોશી દેશના કબજામાં હતું ત્યારે પાકિસ્તાન સરકારે ક્યારેય આ વીરો માટે કોઈ સ્મારક બનાવવાની તસદી લીધી નહતી. ફિરોઝપુર જિલ્લાની ઓફિશિયલ વેબસાઈટ મુજબ 1962માં ભારત સરકારે નક્કી કર્યું કે ફાઝિલ્કા જિલ્લાના 12 ગામ આપીને હુસૈનીવાલા ગામને લઈ લેવામાં આવશે. બંને દેશો વચ્ચે સમજૂતિ પર સહમતિ થઈ.
ભારત સરકારે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની યાદમાં સતલજ નદીના તટ પર 1968માં હુસૈનીવાલા રાષ્ટ્રીય શહીદ સ્મારકની સ્થાપના કરી. જો કે આ સમજૂતિ બાદ પણ 1971ના યુદ્ધમાં પાકિસ્તાને આ જગ્યાને ફરીથી મેળવવા માટે કોશિશ કરી હતી. તે પોતાના ઈરાદામાં સફળ થયું નહીં. પણ પાકિસ્તાની સેના આ શહીદોની પ્રતિમાઓ સાથે લેતી ગઈ. ફિરોઝપુર વેબસાઈટ મુજબ આજ સુધી આ પ્રતિમાઓને પાછી આપી નથી.
આ વીરોનું પણ ગામ છે હુસૈનીવાલા
સ્વતંત્રતા સેનાની બટુકેશ્વર દત્તની સમાધિ પણ આ ગામમાં છે. 1929માં ભગત સિંહ સાથે સેન્ટ્રલ અસેમ્બલીમાં બોમ્બ ફોડવામાં બટુકેશ્વર દત્ત પણ સામેલ હતા. બટુકેશ્વર દત્તની અંતિમ ઈચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર પંજાબના એ જ ગામમાં કરવામાં આવે જ્યાં તેમના સાથી ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવની સમાધિ છે. શહીદ ભગત સિંહના માતા વિદ્યાવતીની પણ તેમની ઈચ્છા મુજબ આ સ્થળે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
બોર્ડર રિટ્રીટ સેરેમની
હુસૈનીવાલા બોર્ડર પર અટારી-વાઘાની જેમ રિટ્રીટ સેરેમનીનું પણ આયોજન થાય છે. 1970 સુધી આ સેરેમની નહતી થતી પરંતુ એક સાંજે ઈન્સ્પેક્ટર જનરલ બીએસએફ અશ્વિનીકુમાર શર્માએ બંને દેશના અધિકારીઓને સંયુક્ત રિટ્રીટ સમારોહના આયોજન માટે આહ્વાન કર્યું. ત્યારથી આ પરંપરા બની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube