ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા હોવ તો સાવધાન! ડોક્ટરને 25 પ્લેટ સમોસા 1.40 લાખમાં પડ્યા, જાણો કેવી રીતે
દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં સાઈબર અપરાધીઓએ એક ડોક્ટરને ઠગી લીધા. વરસાદની ઋતુમાં ઘરે બેઠા સમોસા ખાવાની ઈચ્છાએ ડોક્ટરને ચૂનો ચોપડી દીધો. મુંબઈના એક ડોક્ટરે 25 પ્લેટ સમોસા ઓર્ડર કર્યા હતા. આટલા સમોસાના બદલામાં ડોક્ટરના એકાઉન્ટમાંથી એક લાખ 40 હજાર રૂપિયા કપાઈ ગયા.
દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં સાઈબર અપરાધીઓએ એક ડોક્ટરને ઠગી લીધા. વરસાદની ઋતુમાં ઘરે બેઠા સમોસા ખાવાની ઈચ્છાએ ડોક્ટરને ચૂનો ચોપડી દીધો. મુંબઈના એક ડોક્ટરે 25 પ્લેટ સમોસા ઓર્ડર કર્યા હતા. આટલા સમોસાના બદલામાં ડોક્ટરના એકાઉન્ટમાંથી એક લાખ 40 હજાર રૂપિયા કપાઈ ગયા. હેરાન પરેશાન ડોક્ટરે હવે પોલીસ ફરિયાદ કરી છે અને કહ્યું કે તેમની સાથે સાઈબર ફ્રોડ થયું છે. ડોક્ટરે જણાવ્યું કે જે રેસ્ટોરન્ટમાંથી તેમણે સમોસા મંગાવ્યા હતા તેણે ફક્ત 1500 રૂપિયા માંગ્યા હતા. પરંતુ ખબર નહીં શું ગડબડી થઈ કે તેમના ખાતામાંથી અનેકવારમાં કુલ 1.40 લાખ રૂપિયા કપાઈ ગયા. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
27 વર્ષના આ ડોક્ટર મુંબઈના સાયન વિસ્તારમાં KEM હોસ્પિટલમાં કામ કરે છે. બોઈવાલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં તેમણે કહ્યું કે તેઓ શનિવારે તેમના મિત્રો સાથે પિકનિક પર કરજત જવાના હતા. આથી તેમણે ગુરુકૃપા રેસ્ટોરન્ટમાં ફોન કર્યો અને 25 પ્લેટ સમોસાનો ઓર્ડર કર્યો. ફોન પર તેમને 1500 રૂપિયાનું પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું.
લિંક મોકલીને કરાવવામાં આવ્યું પેમન્ટ
ડોક્ટરે જણાવ્યું કે તેમણે 1500 રૂપિયાનું પેમેન્ટ કરી દીધુ પરંતુ રેસ્ટોરન્ટવાળા તરફથી ફોન આવ્યો કે તેમને પૈસા મળ્યા નથી. ત્યારબાદ ડોક્ટરને પેમેન્ટ કરવા માટે ફરી એક લિંક મોકલવામાં આવી. તેમણે આ લિંકથી પેમેન્ટ કર્યું અને તેમના એકાઉન્ટમાંથી 28 હજાર રૂપિયા કપાઈ ગયા. આ જોઈને ડોક્ટરના હોશ ઉડી ગયા. તેઓ કઈ કરે ત્યાં સુધીમાં તો તેમના ખાતા સંલગ્ન 3-4 મેસેજ આવ્યા અને તેમના ખાતામાંથી ધડાધડ પૈસા કપાવવા લાગ્યા.
તેમણે તરત બેંકને ફોન કરીને પોતાનું બેંક એકાઉન્ટ બ્લોક કરાવ્યું પરંતુ ત્યાં સુધીમાં તો તેમના ખાતામાંથી 1.40 લાખ રૂપિયા કપાઈ ચૂક્યા હતા. પોલીસે હવે આ વાતની તપાસ કરી રહી છે કે પેમેન્ટ કરવા માટે લિંક રેસ્ટોરન્ટ તરફથી મોકલવામાં આવી હતી કે પછી સાઈબર અપરાધીઓએ વચ્ચે ફાચર મારી અને ડોક્ટરને ચૂનો ચોપડી દીધો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube