40 સુધી પહોંચી ગયેલા ઓક્સિજન લેવલને ડોક્ટરોએ જીવ જોખમમાં મૂકી 93 સુધી પહોંચાડ્યું, બચ્યો દર્દીનો જીવ
ડોક્ટરોને અમથા ધરતીના ભગવાન નથી કહેવાતા, કોરોનાકાળમાં જ્યાં કરોડો લોકોના જીવ જોખમમાં છે ત્યાં નર્સિંગ સ્ટાફ, ડોક્ટરો પોતાના જીવના જોખમે લોકોની જિંદગીની ડોર સંભાળી રહ્યા છે.
રાંચી: ડોક્ટરોને અમથા ધરતીના ભગવાન નથી કહેવાતા, કોરોનાકાળમાં જ્યાં કરોડો લોકોના જીવ જોખમમાં છે ત્યાં નર્સિંગ સ્ટાફ, ડોક્ટરો પોતાના જીવના જોખમે લોકોની જિંદગીની ડોર સંભાળી રહ્યા છે. રાંચીની હોસ્પિટલમાં ડોક્ટરોએ પોતાના જીવ પર ખેલીને એક મહિલાનું જીવન બચાવ્યું. 57 વર્ષની મહિલાનું ઓક્સિજન લેવલ 40 પર પહોંચી ગયું હતું પરંતુ ડોક્ટરોના અથાગ પ્રયત્નોથી તે હાલ 93 પર પહોંચી ગયું છે.
હાર ન સ્વીકારી
દૈનિક જાગરણમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ કોરોના સંક્રમિત મહિલાની સ્થિતિ સતત ખરાબ થઈ રહેવાના કારણે તેને ઓક્સિજન બેડ પર રાખવામાં આવી હતી. ત્યારબાદ માસ્ક વેલ વેન્ટિલેટર પર શિફ્ટ કરાઈ. આમ છતાં મહિલાનું ઓક્સિજન લેવલ સતત નીચે જતું હતું. મહિલાનો એબીજી ટેસ્ટ કરાવ્યો તો ખબર પડી કે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. પરંતુ ડોક્ટરોએ હાર ન સ્વીકારી. તેઓ સતત મહિલાને બચાવવાની કોશિશ કરતા રહ્યા.
ડોક્ટરોએ લીધું મોટું જોખમ
આઈસીયુના ડોક્ટરોની પેનલે ચર્ચા કરી જેમાં એવું તારણ કાઢ્યું કે જો જલદી કઈ ન થયું તો મહિલા બસ ગણતરીની મિનિટોની મહેમાન છે. કોરોના સંક્રમિત મહિલાનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ ખુબ જ કપરો નિર્ણય લીધો. નક્કી કરાયું કે મહિલાના મોઢાના રસ્તે ટ્યૂબ નાખીને ઈનવેસિવ વેન્ટિલેટર પર નાખવામાં આવે. આ અગાઉ આ રીતે હોસ્પિટલમાં કોઈની સારવાર થઈ નહતી. આમ છતાં જોખમ લઈને આઈસીયુમાં તૈનાત ડોક્ટર રાજકુમાર, ડો. અજીતકુમાર અને ડો.વિકાસ વલ્લભે સમયસર પ્રક્રિયા પૂરી કરી. આખરે મહિલાનું ઓક્સિજન લેવલ 40થી 93 પર પહોંચી ગયું.
સંક્રમણનું હતું મોટું જોખમ
મહિલાનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ પોતાના જીવ જોખમમાં નાખ્યા. આ પ્રક્રિયા દરમિયાન ટ્યૂબ મહિલાના મોઢા, ગળાથી થઈને ફેફસા સુધી પહોંચાડવાની હતી. આ પ્રક્રિયાને અંજામ આપનારા ડોક્ટરો સંક્રમિત થઈ શકે તેમ હતા. પરંતુ ડોક્ટરોએ તમામ પડકારોનો સામનો કરીને મહિલાનો જીવ બચાવ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube