Andhra Pradesh: આંધ્રપ્રદેશમાં ગધેડાના માંસના વેચાણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આંધ્રના જિલ્લાઓમાં કેટલાક લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે ગધેડાનું માંસ ખાઈ રહ્યા છે. સાંભળીને આંચકો લાગ્યોને... પરંતુ આ હકીકત છે. માંગ મુજબ લોકો તગડી કિંમત વસૂલીને ગધેડાનું માંસ વેચી રહ્યા છે. આ બાબતની નોંધ લેતા પોલીસે આંધ્રપ્રદેશના બાપટલામાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં 7 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

400 કિલોથી વધુ ગધેડાનું માંસ જપ્ત
આંધ્રપ્રદેશ પોલીસે સોમવારે બાપટલા જિલ્લામાંથી 400 કિલોથી વધુ ગધેડાનું માંસ જપ્ત કર્યું છે. પોલીસને માર્યા ગયેલા ગધેડાઓનું માથું, પગ અને પૂંછડી સહિત શરીરના જુદા જુદા ભાગો મળ્યા છે. તેઓએ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ (PCA) એક્ટ, 1960 હેઠળ 7 લોકોની ધરપકડ કરી છે. PETA ઈન્ડિયાના મીત અશરે જણાવ્યું છે કે, ગધેડો સામાજિક અને સંવેદનશીલ પ્રાણી છે પરંતુ આંધ્ર પ્રદેશમાં માંસ માટે તેમની કતલ કરવામાં આવી રહી છે. તેમણે લોકોને ગેરકાયદેસર ગધેડાની કતલ અંગે માહિતી આપવા અપીલ કરી હતી.


ભારતમાં ગેરકાયદેસર છે ગધેડાનું માંસ
તમને જણાવી દઈએ કે ભારતમાં ગધેડાનો વધ અને માંસનો વેપાર ગેરકાયદેસર છે. આ ઘટનામાં સામેલ લોકોને પાંચ વર્ષ સુધી જેલ અથવા દંડ અથવા તો બન્ને થઈ શકે છે. ગધેડાનો વધ આઈપીસીની કલમ 429નું ઉલ્લંઘન મનાય છે. ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ, 2006 હેઠળ ગધેડાના માંસનું સેવન દંડનીય છે.


સેક્સ પાવર વધારવા માટે ખાઈ રહ્યા છે ગધેડાનું માંસ
રિપોર્ટ અનુસાર, દિવાળીના તહેવાર આસપાસ આંધ્રપ્રદેશના કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી અને ગુંટૂર જિલ્લામાં ગધેડાનું માંસ ખાવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગધેડાનું માંસ ખાવાથી કમરનો દુખાવો અને અસ્થમામાં રાહત થઈ જાય છે. ઘણા બધા લોકો માને છે કે ગધેડાનું માંસ યૌન શક્તિ વધારે છે. ગધેડાનું માંસ 600 રૂપિયો કિલો વેચાય છે.