તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે લિંક થશે આધાર, કેન્દ્ર સરકાર કરી રહી છે તૈયારી
મંગળવારે દેહરાદૂન પહોંચેલા કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી.
નવી દિલ્હીઃ આધારની કાનૂની માન્યતાને લઈને ઉઠતા સવાલો વચ્ચે કેન્દ્ર સરકાર બવે ડ્રાઇવિંગ લાઇસન્સને પણ આધાર સાથે જોડવાની તૈયારી કરી રહી છે. કાયદા પ્રધાન રવિશંકર પ્રદાસે દેહરાદૂનમાં કહ્યું કે, તેમણે આ વિશે રોડ પરિવહન પ્રધાન નીતિન ગડકરી સાથે વાત કરી છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, ડ્રાઇવિંગ લાઇસન્સને આધારની સાથે જોડવાથી રોડ અકસ્માતમાં ભાગી જનારાને પકડી શકાશે. આ સાથે દારૂ પીને વાહન ચલાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી શકાશે. તેમણે કહ્યું કે, કોઇ વ્યક્તિ પોતાનું નામ બદલી શકે છે પરંતુ ફિંગરપ્રિન્ટ બદલી શકતો નથી.
આ પહેલા સપ્ટેમ્બરમાં પણ કાયદા પ્રધાને કહ્યું હતું કે, સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સને આધાર સાથે જોડવા પર વિચાર કરી રહી છે. માર્ચમાં સુપ્રીમ કોર્ટે કલ્યાણકારી યોજનાઓ સાથે આધારને લિંક કરવાની સમય સીમા અનિશ્ચિતકાળ સુદી વધારવાનો આદેશ આપ્યો હતો. કોર્ટની સામે આધારની કાયદાકિય માન્યતાને પડકારતી ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી જારી છે.
મોદી સરકારે જૂન 2017માં નવો નિયમ લાવીને કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધારને ફરજીયાત કર્યું હતું. બેન્ક ખાતા સાથે આધાર જોડવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો ત્યારબાદ આ તારીખને 31 માર્ચ સુધી વધારવામાં આવી હતી.
સરકારે પણ પણ કહ્યું હતું કે, આધાર કાર્ડને મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ સહિત અન્ય સરકારી યોજનાઓમાં લિંક કરવું ફરજીયાત છે, પરંતુ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મેળવવા માટે આધારની ગેરહાજરીમાં અન્ય કોઇ ઓળખપત્રનો ઉપયોગ કરી શકાય છે.
આ સ્થિતિમાં તમે વોટર આઈડી કાર્ડ સહિત અન્ય દસ્તાવેજ દેખાડી શકો છો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, આધાર ન હોવાને કારણે કોઈને પણ સામાજિક સુરક્ષાની યોજનાઓથી વંચિત રાખી શકાય નહીં.