Janmashtami 2022: ભગવાન શ્રીકૃષ્ણએ વસાવ્યા હતા આ ત્રણ નગર, જાણો આ નગરોનો ઈતિહાસ
Janmashtami 2022: ગોકુળ, વૃંદાવન, ગિરિરાજ અને દ્વારકામાં શ્રીકૃષ્ણે પોતાના જીવનના મહત્વપૂર્ણ વર્ષો પસાર કર્યા. પરંતુ બહુ ઓછા લોકો તે નગરો વિશે જાણે છે. જેને ભગવાન શ્રીકૃષ્ણે વસાવ્યા હતા. શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો પરંતુ તે આખા ભારતવર્ષમાં અનેક સ્થાનો પર ગયા. શ્રીકૃષ્ણે સોમનાથની પાસે પ્રભાસ ક્ષેત્રમાં પોતાના દેહનો ત્યાગ કર્યો અને ત્યાં તેમની સમાધિ પણ છે.
જયેશ જોશી, અમદાવાદ: દેશભરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની તૈયારી તેજ છે અને કન્હૈયાના ભક્ત કૃષ્ણમય થવા લાગ્યા છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ભાદ્ર માસના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણે ગોકુળ, વૃંદાવન, ગિરિરાજ અને દ્વારકામાં પોતાની જિંદગીના મહત્વપૂર્ણ વર્ષો પસાર કર્યા. પરંતુ બહુ ઓછા લોકો તે નગરો વિશે જાણે છે. જેને ભગવાન શ્રીકૃષ્ણે વસાવ્યા હતા. શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો પરંતુ તે આખા ભારતવર્ષમાં અનેક સ્થાનો પર ગયા. શ્રીકૃષ્ણે સોમનાથની પાસે પ્રભાસ ક્ષેત્રમાં પોતાના દેહનો ત્યાગ કર્યો અને ત્યાં તેમની સમાધિ પણ છે.
ભગવાન શ્રીકૃષ્ણે કરાવ્યું હતું આ ત્રણ નગરોનું પુનર્નિર્માણ:
1. દ્વારકા:
દ્વારકાનું પહેલા કુશવતી નામ હતું, જે ઉજ્જડ થઈ ગયું હતું. શ્રીકૃષ્ણે આ જગ્યાએ નવા નગરનું નિર્માણ કરાવ્યું. કંસ વધ પછી શ્રીકૃષ્ણે ગુજરાતના સમુદ્રના કિનારે દ્વારકાનું નિર્માણ કરાવ્યું અને ત્યાં એક નવા રાજ્યની સ્થાપના કરી. કેટલાંક વર્ષો પહેલાં નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઓશિયનોગ્રાફીને સમુદ્રની અંદર પ્રાચીન દ્વારકાના અવશેષ પ્રાપ્ત થયા હતા. આ નગરીનો એક ભાગ આજે પણ સમુદ્રમાં છે. અનેક દ્વારોનું શહેર હોવાના કારણે આ નગરનું નામ દ્વારકા પડ્યું. આ દીવાલો આજે પણ સમુદ્રના પેટાળમાં છે. માન્યતા છે કે કૃષ્ણ પોતાના 18 સાથીઓની સાથે દ્વારકા આવ્યા હતા. અહીંયા તેમણે લગભગ 36 વર્ષ સુધી રાજ કર્યુ. તેના પછી તેમણે અહીંયા જ પોતાના દેહનો ત્યાગ કર્યો. ભગવાન કૃષ્ણે વિદાય લેતાં જ દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ અને યાદવ કુળ નષ્ટ થઈ ગયું.
2. ઈન્દ્રપ્રસ્થ:
દ્વારકાની જેમ ઈન્દ્રપ્રસ્થ પણ પહેલાં ખાંડવપ્રસ્થ હતું. તેને ભગવાન શ્રીકૃષ્ણે પાંડવપુત્રો માટે બનાવવામાં આવ્યું હતું. આ નગર બહુ મોટું અને વિચિત્ર હતું. ખાસ કરીને પાંડવોનો મહેલ તો ઈન્દ્રજાળ જેવો બનાવવામાં આવ્યો હતો. દ્વારકાની જેમ આ નગરના નિર્માણ કાર્યમાં મય દાનવ અને ભગવાન વિશ્વકર્માએ અથાક મહેનત કરીને બનાવ્યું હતું. આજે આપણે જેને દિલ્લી કહીએ છીએ તે પ્રાચીનકાળમાં ઈન્દ્રપ્રસ્થ હતું. દિલ્લીના જૂના કિલ્લામાં જગ્યાએ-જગ્યાએ શિલાપટ પર આ વાક્યોને વાંચીને એ સવાલ ચોક્કસ થાય છે કે પાંડવોની રાજધાની ઈન્દ્રપ્રસ્થ હતી. ખોદાણકાર્ય દરમિયાન મળેલા અવશેષોના આધારે પુરાતત્વવિદોનો એક મોટો વર્ગ માને છે કે પાંડવોની રાજધાની આ સ્થળે જ રહી હશે. અહીંયા ખોદાણમાં એવા વાસણોના અવશેષ મળે છે કે જે મહાભારત સાથે જોડાયેલા અન્ય સ્થાનો પર પણ મળે છે. દિલ્લીમાં આવેલ સારવલ ગામમાં 1328 સદીમાં બનેલ સંસ્કૃતિનો એક અભિલેષ મળી આવ્યો છે. આ અભિલેષ લાલ કિલ્લાના સંગ્રહાલયમાં હાજર છે. આ અભિલેખમાં આ ગામ ઈન્દ્ર્પ્રસ્થ જિલ્લામાં હોવાનો ઉલ્લેખ છે.
3. વૈકુંઠ:
હિંદુ ધર્મ માન્યતાઓમાં વૈકુંઠ જગતપાલક ભગવાન વિષ્ણુનું સ્થાન પુણ્ય, સુખ અને શાંતિનું ધામ છે. પરંતુ અમે વાત કરી રહ્યા છીએ તે વૈકુંઠ ધામની, જે ભગવાન શ્રીકૃષ્ણનું ધામ હતું. વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે તેના અનેક નામ હતા - સાકેત, ગોલોક, પરમધામ, બ્રહ્મપુર વગેરે. હવે સવાલ એ થાય કે આવું નગર ક્યાં હતું. કેટલાંક લોકો બદ્રીનાથ ધામને વૈકુંઠ કહે છે. તો કેટલાંક લોકો જગન્નાથ ધામને. કેટલાંક લોકોનું માનવું છે કે પુષ્કર જ વૈકુંઠ ધામ હતું. જોકે કેટલાંક ઈતિહાસકારોના જણાવ્યા પ્રમાણે અરવલ્લીની પહાડી શ્રેણી પર વૈકુંઠ ધામ બનાવ્યું હતું. જ્યાં માણસ નહીં માત્ર સાધકો જ રહેતા હતા.