નવી દિલ્હી : ચૂંટણી પંચ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચુંટણી આગામી વર્ષે પ્રસ્તાવિત લોકસભા ચૂંટણી સાથે કરાવી શકે છે. પંચમાં ઉચ્ચપદસ્થ સુત્રોએ ગુરૂવારે આ અંગે માહિતી આપી હતી. પંચે આગામી વર્ષે 21મેથી પહેલા જમ્મુ કાશ્મીરમાં નવી વિધાનસભા ચૂંટણ કરાવવાનાં છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે 21 નવેમ્બરે રાજ્યવિધાનસભા ભંગ કરી દીધી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે એક નિર્દેશનો ઉલ્લેખ કરતા સુત્રોએ જણાવ્યું કે, વિધાનસભા ભંગ થયા બાદ નવી ચૂંટણી 6 મહિના અંદર કરાવવાની હોય છે. જમ્મુ કાશ્મીર માટે આ સમયસીમા આવતા વર્ષે 21 મે છે. સુત્રોએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ચૂંટણી પંચને પહેલા ઉપલબ્ધ તક પર ચૂંટણી કરાવવી જોઇએ. તેમણે જણાવ્યું કે, એવી સંભાવના છે કે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી લોકસભા ચુંટણી સાથે કરાવી શકે છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. જ્યારે અન્ય વિધાનસભાઓ અને લોકસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. 

બીજી તરફ સરકારી સુત્રોએ જણાવ્યું કે, જ્યારે રાજ્યોમાં લોકસભા ચૂંટણી માટે સુરક્ષાદળો ફરજંદ કરવામાં આવે છે ત્યારે ચૂંટણી અધિકારીઓ માટે વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવી સુવિધાજનક રહેશે. 

રાજ્યપાલે ભંગ કરી દીધી હતી વિધાનસભા
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)નાં નેતા મહેબુબા મુફ્તીએ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનાં સમર્થનથી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. તેમણે 87 સભ્યોનાં સદનમાં કુલ 56 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત હોવાનો દાવો કર્યો હતો. જો કે મહેબુબાએ દાવો રજુ કર્યા પછી તુરંત જ મલિકે વિધાનસભા ભંગ કરી દીધી હતી.

બે સભ્યોની પીપલ્સ કોન્ફરન્સનાં સજ્જાદ લોને પણ સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. લોને ભારતીય જનતા પાર્ટી અને અન્ય પાર્ટીનાં 18 ધારાસભ્યોનાં સમર્થનથી આ દાવો રજુ કર્યો હતો. પીડીપીની સાથે ભાજપે પોતાનું ગઠબંધન સમાપ્ત કરી લીધું હતું. ત્યાર બાદ રાજ્યમાં જુનથી રાજ્યપાલ શાસન લાગુ હતું.