મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી બની રહેવા માટે એમએલસીની સીટ માટે મીટ માંડીને બેઠેલા ઉદ્ધવ ઠાકરેને કઈંક રાહત મળતી હોય તેવું લાગે છે. ચૂંટણી પંચે પ્રદેશની ખાલી પડેલી 9 એમએલસી સીટો પર ચૂંટણીની મંજૂરી આપી દીધી છે. આથી હવે 21મી મે ના રોજ આ ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી યોજાશે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદ સીટ માટે નોમિનેટ કરવાની જગ્યાએ પ્રદેશની ખાલી પડેલી 9 એમએલસી બેઠકો પર ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચને ભલામણ કરતો પત્ર લખ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગવર્નરે ચૂંટણી પંચને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે કોરોના સંક્રમણની રોકથામ માટે દેશવ્યાપી લોકડાઉનના કેન્દ્રના નિર્ણયના કારણે ચૂંટણી ટાળવામાં આવી હતી. સીએમ ઉદ્ધવ ઠાકરે પ્રદેશના બંને સદનોમાંથી કોઈ પણ એક સદનના સભ્ય હજુ સુધી બની શક્યા નથી અને તેમણે મુખ્યમંત્રી તરીકે બની રહેવા માટે બંધારણ મુજબ 27મી મે અગાઉ એમએલસી બનવું જરૂરી છે. 


આ અગાઉ આજે સવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગવર્નર ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત પણ કરી હતી. અત્રે જણાવવાનું કે એમએલસી સીટનો મામલો પીએમ મોદી સુધી પહોંચ્યો હતો. મુખ્યમંત્રીનું પદ જાળવી રાખવા માટે ઉદ્ધવ ઠાકરેએ 27મી મે પહેલા પ્રદેશના કોઈ પણ સદનની સદસ્યતા મેળવવી પડશે. 


ભારતીય બંધારણની કલમ 164 (4) હેઠળ કોઈ પણ સદન સાથે જોડાયેલ ન હોય તેવી વ્યક્તિ 6 મહિના સુધી જ મંત્રીમંડળમાં કે મુખ્યમંત્રીના પદ પર રહી શકે છે. બદલાતા રાજકીય માહોલમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ 27મી મે સુધીમાં કોઈ પણ એક સદનની સદસ્યતા લેવી જરૂરી છે. નહીં તો તેમણે મુખ્યમંત્રી પદ છોડવું પડશે. 


જુઓ LIVE TV



28 નવેમ્બર 2019ના રોજ સીએમ બન્યા હતાં ઉદ્ધવ
અત્રે જણાવવાનું કે ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બર 2019ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતાં. બંધારણની કલમ 164 (4) મુજબ કોઈ પણ મંત્રીએ મુખ્યમંત્રી પદની શપથ લીધાના છ મહિનાની અંદર વિધાનસભા કે વિધાનસપરિષદના સભ્ય ચૂંટાઈ આવવું જરૂરી છે. ઉદ્ધવ ઠાકરે ચૂંટણી લડ્યા વગર જ સીધા મુખ્યમંત્રી બન્યા છે આથી તેમના પર આ નિયમ લાગુ થાય છે. જાન્યુઆરી 2020માં વિધાનસ પરિષદની બે ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી થઈ પણ ઉદ્ધવે તે લડી નહીં. 24 માર્ચના રોજ વિધાન પરિષદની ધુલે નાંદુરબાર સીટ પર પેટાચૂંટણી થવાની હતી. 24 એપ્રિલના રોજ વિધાન પરિષદની 9 વધુ બેઠકો ખાલી થઈ. આવામાં ઉદ્ધવ ઠાકરેએ આશા વ્યક્ત કરી હતી કે તેઓ આમાંથી એક બેઠક પર ચૂંટણી જીતી જશે અને મુખ્યમંત્રી બની રહેશે. આ બધા વચ્ચે કોરોના વાયરસે બધી ગણતરીઓ ઊંધી પાડી દીધી.